◙ રોહિત, સૂર્યા, પંતે હોટેલ પર ઢોલી સાથે ભાંગડા કર્યા : જશ્નનો માહોલ : સાંજે મુંબઈમાં ભવ્ય વિજયોત્સવ : મરીન ડ્રાઇવ પર વાનખેડે સ્ટેડિયમ સુધી રોડ શો
નવી દિલ્હી તા.4
ટી20 ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પીયનનો ખિતાબ જીતેલી ભારતીય ટીમ આજે વહેલી સવારે સ્વદેશ પરત ફરી હતી ત્યારે એરપોર્ટથી હોટલ સુધી અભૂતપૂર્વ સ્વાગત થયુ હતું. ઈન્ડિયા-ઈન્ડિયાની ગુંજ વચ્ચે સેંકડો ક્રિકેટ ફેન્સ ઉમટી પડયા હતા. હોટલમાં રોકાણ બાદ ટીમના ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. સાંજે મુંબઈમાં મરીન ડ્રાઈવથી ભવ્ય ‘વિજય સેલીબ્રેશન’ યોજાશે.
અમેરિકા તથા વેસ્ટઈન્ડીઝમાં સંયુક્ત રીતે યોજાયેલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત વિજેતા બન્યુ હતું. વતનવાપસી પુર્વે બાર્બાડોઝમાં વાવાઝોડુ ત્રાટકતા પરત ફરવામાં બે દિવસ મોડુ થયુ હતું અને આજે વહેલી સવારે ખાસ વિમાનમાં ટીમ આવી પહોંચી હતી. આ તકે સેંકડો ક્રિકેટ ફેન્સ પહોંચ્યા હતા અને ઈન્ડિયા-ઈન્ડિયાની ગુંજ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.
કપ્તાન રોહિત શર્મા વર્લ્ડકપ ટ્રોફી સાથે બહાર આવ્યો હતો. ટ્રોફી હાથથી ઉંચી કરીને ફેન્સને દેખાડતા જ પ્રશંસકો ઉત્સાહથી ઝુમી ઉઠયા હતા અને ઈન્ડિયા ઈન્ડિયાના નારા લગાવ્યા હતા.
એરપોર્ટથી ટીમને વિશેષ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હોટલ લઈ જવામાં આવી હતી. આગળ-પાછળ સુરક્ષા કાફલા વચ્ચે બે બસમાં ખેલાડીઓ હોટલ પર પહોંચ્યા હતા ત્યાં પણ સેંકડો ફેન્સ પ્રતિક્ષામાં હતા અને ભવ્ય સ્વાગત કર્યુ હતું.
કપ્તાન રોહિત શર્મા તથા અભૂતપૂર્વ કેચ ઝડપીને મેચમાં નિર્ણાયક વળાંક આપનારા સૂર્યકુમાર યાદવે ફેન્સ સાથે ભાંગડા નૃત્ય પણ કર્યા હતા. વિશ્વકપ વિજેતા ટીમ ઈન્ડિયા ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચી હતી. ભારતને ગૌરવ અપાવનારા ક્રિકેટ ખેલાડીઓ માટે વડાપ્રધાને ખાસ બ્રેકફાસ્ટ રાખ્યુ હતુ.
દિલ્હીથી ટીમ ઈન્ડિયા સાંજે મુંબઈ પહોંચવાની છે જયાં ભવ્ય વિજય પરેડ યોજાનાર છે. મરીન ડ્રાઈવથી વિજય માર્ચની ગોઠવણ કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં ક્રિકેટ ફેન્સ ઉમટે તેમ હોવાની બાબતને ધ્યાનમાં રાખીને સુરક્ષાના લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy