કોંગ્રેસના નિલેષ કુંભાણી અને ડમી ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ ભાજપનુ ‘ઓપરેશન સુરત’ પાર્ટ ટુ સફળ

ભાજપે ગુજરાતમાં ઈતિહાસ રચ્યો ! સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ : માત્ર 25 બેઠકો પર ચૂંટણી થશે

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Surat | 22 April, 2024 | 02:33 PM
► કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં સ્પર્ધામાં જ ન રહેતા બસપા અને સાત અપક્ષ ઉમેદવારોના ચુંટણીમાંથી ખસી જવા ‘સમજાવવા’ ના ભાજપના પ્રયાસો સફળ : કલેકટર કચેરી ખુલતા જ એક બાદ એક સાત હરિફ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા
સાંજ સમાચાર

► ગુજરાત ભાજપની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ ‘ભેટ’: પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાઈ ગયુ: કોંગ્રેસનું ઈલેકશન મેનેજમેન્ટ પણ નિષ્ફળ 

સુરત : લોકસભા ચુંટણીમાં ગુજરાતમાંથી જ એક નવો ઈતિહાસ રચાયો છે. સુરત સંસદીય બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણી અને તેમના ડમી ઉમેદવાર બંનેનું ફોર્મ રદ થયા બાદ આ બેઠક પર ભાજપના મુકેશ દલાલ સામે ચુંટણી લડી રહેલા બહુજન સમાજ પક્ષ અને સાત અપક્ષો એ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.

હવે કોઈપણ સમયે મુકેશ દલાલ સત્તાવાર રીતે બિનહરીફ વિજેતા જાહેર થશે અને આ રીતે ‘અબકી બાર 400 કે પાર’ના નારા સાથે લોકસભા ચૂંટણીમાં ઝંપલાવનાર ભાજપને દેશભરમાં પ્રથમ લોકસભા બેઠક ગુજરાતમાંથી સુરત સંસદીય ક્ષેત્રની મળશે તે નિશ્ર્ચિત બની ગયું છે.

ગત સપ્તાહમાં શુક્રવારથી શરુ થયેલા હાઈ વોલ્ટેજ પોલીટીકલ ડ્રામામાં સુરત બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણીના તમામ ત્રણ ટેકેદારોએ જીલ્લા કલેકટર સમક્ષ સોગંદનામુ કરીને નિલેષ કુંભાણીના ઉમેદવારીપત્રકમાં તેમની સહી નથી તેવુ જણાવતા જ રાજકીય ભૂકંપ સર્જાયો હતો અને મુખ્ય ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવનાર જીલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ નિલેષ કુંભાણીને શનિવારે 11 વાગ્યા સુધીમાં તેમના ટેકેદારો અંગે સર્જાયેલા વિખવાદમાં સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.

બીજી તરફ નિલેષ કુંભાણી અને તેના ડમીને ટેકો આપનાર તમામ ચાર ટેકેદારો ગુમ થઈ ગયા હતા અને છેલ્લે સુધી તેઓ જીલ્લા કલેકટર કચેરીમાં હાજર ન થતા નિલેષ કુંભાણી અને તેના ડમીનું ઉમેદવારીપત્રક રદ થયું હતું.

સુરત સંસદીય બેઠક પર ભાજપના આ ઓપરેશન લોટસનો બીજો ભાગ શરુ થયો હતો અને તેમાં પક્ષના ઉમેદવાર મુકેશ દલાલ સામે ચુંટણી લડી રહેલા બસપાના ઉમેદવાર સહિત આઠ અપક્ષોને તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવા મનામણા શરુ થઈ ગયા હતા.

આજે સવારે કલેકટર કચેરી ખુલતા જ એક કલાકમાં તમામ આઠ એ ઉમેદવારી પાછી ખેંચી લેવાના સંકેત છે અને તે રીતે દેશમાં લોકસભા ચુંટણીનું પ્રથમ પરિણામ જાહેર થઈ રહ્યું છે.

જેમાં સુરતની બેઠક પર ભાજપના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરાશે. ગુજરાત ભાજપે આ રીતે 400થી વધુ બેઠકો મેળવવાના ભાજપ નેતૃત્વના એનડીએના વિશ્વાસમાં પ્રથમ બેઠકની ભેટ આપી છે અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું વધુ એક ઓપરેશન હોવાનું માનવામાં આવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj