સિક્કામાં ભાજપની સભાના સ્થળે ક્ષત્રિય યુવાનોનું હલ્લાબોલ

Local | Jamnagar | 23 April, 2024 | 03:13 PM
40 મિનિટના ગાળામાં વારાફરતી ત્રણ ટીમોમાં સભા સ્થળે ધસી આવી રાજપુત યુવાનોએ ભાજપ અને રૂપાલા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરતા પોલીસને દોડધામ
સાંજ સમાચાર

જામનગર,તા.23:
કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે રાજપૂત સમાજ ઘણા દિવસથી આંદોલન ચલાવી રહ્યો છે. રવિવારે ક્ષત્રિય આગેવાનોને સમજાવવા માટે ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ ભાજપ મહામંત્રીએ જામનગર આવી ભાજપમાં સક્રિય રાજપૂત આગેવાનો સાથે બેઠક કર્યાના બીજા જ દિવસે જામનગરમાં આંદોલનને વેગ મળ્યો હતો.

ભાજપની ગઇ સાંજે યોજાયેલ સિક્કા ખાતેની સભા સ્થળે રાજપૂત આગેવાનોએ 40 મિનિટના ગાળામાં ત્રણ વખત અલગ-અલગ ટીમોમાં આવી ભાજપ અને રૂપાલા વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરતા મામલો થાળે પાડવામાં પોલીસને પરસેવો થયો હતો. બીજી તરફ જામનગરમાં રાજપૂત સમાજની સંકલન સમિત્તિએ આવતીકાલે (બુધવાર) દ્વારકાથી અસ્મિતારથ ભ્રમણ કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ બેઠકમાં અગાઉ વર્ષો સુધી ભાજપમાં રહેલ જામનગરના બે પૂર્વ મેયરો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ક્ષત્રિય સમાજના આંદોલનને ડામવા માટે ભાજપ હવે સક્રિય થયું છે પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી હોય તેમ લાગતું નથી. કેમ કે આ આંદોલનની તિવ્રતા ઘટવાને બદલે વધી રહી હોય તેવા નિર્દેશ અનેક સ્થળોએથી મળે છે. રવિવારે જામનગરની સૈયાજી હોટેલમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા એક તાકીદની બેઠક બોલાવાઇ હતી.

આ બેઠકમાં જામનગર લોકસભા બેઠક વિસ્તારના ભાજપના 90 જેટલા ક્ષત્રિય આગેવાનોને એવી અપીલ કરવામાં આવી હતી કે શાંતિપૂર્વક રીતે અને કુનેહપૂર્વક રાજપૂત સમાજના લોકોનો સંપર્ક કરી સંવાદ ચાલુ રાખી ભાજપ તરફી રહે તેવા પ્રયાસો કરવા.

રવિવારે ઉપરોક્ત બેઠક બાદ જામનગરમાં રાજપૂત સમાજમાં વિપરીત અસર પડી હતી અને આંદોલનના નવા અધ્યાયનો પ્રારંભ થયો હતો. ક્રિકેટ બંગલા નજીક મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે રાજપૂત સમાજની મહિલાઓએ ગઇકાલથી ઉપવાસ આંદોલન શરૂ કર્યુું છે. ગઇકાલે સાંજે રાજપૂત સમાજ ખાતે સંકલન સમિત્તિના આગેવાનો સહિતના રાજપૂત અગ્રણીઓની એક બેઠક મળી હતી. આ બેઠકના નિર્ણયની મીડિયા સમક્ષ પણ જાહેરાત કરાઇ હતી. આ પત્રકાર પરિષદ માટે રાજકોટથી પી.ટી.જાડેજા ખાસ હાજર રહ્યાં હતાં.

ઉપરોક્ત બે ઘટના બાદ ગઇકાલે રાત્રે જામનગરના સિક્કા ગામે ભાજપની યોજાયેલી જાહેરસભાના સ્થળે પણ રાજપૂત યુવાનોએ દેખાવ કર્યા હતાં. દેખાવની આશંકાને કારણે અગાઉથી જ અહિં મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવાઇ ગયો હતો.

આમ છતાં રાજપૂત યુવાનો વ્યુહાત્મક રીતે દેખાવ કરવા આવ્યા હતાં. પ્રથમ ટીમની અટકાયત થયા બાદ એમ મનાતું હતું કે હવે શાંતિથી સભા થશે પરંતુ જેવી સભા શરૂ થઇ કે બીજી 15 મિનિટના ગાળામાં વધુ બે વખત રાજપુત યુવાનોની ટીમ સભા સ્થળે ધસી આવી હતી અને ભાજપ તથા રૂપાલા વિરૂધ્ધ સુત્રો પોકાર્યા હતાં. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj