રાજકોટની પીડીયુ હોસ્પિટલમાં ગત રાત્રે બનેલો બનાવ

આર્થિક સંકડામણના કારણે માનસિક અસ્વસ્થ થયેલો શ્રમિક સિવિલ હોસ્પિટલના ચોથા માળે આપઘાત કરવા પહોંચ્યો’તો

Local | Rajkot | 04 May, 2024 | 12:08 PM
મૂળ મધ્યપ્રદેશ હાલ અમરેલીના નાની વડાળી ગામે ખેતમજૂરી કરતો રાજુ ગુંઢીયા પગમાં ઇજા થવાના કારણે છ દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ થયો હતો
સાંજ સમાચાર

♦ યુવક પાસે એક રૂપિયો પણ ન હોય, હોસ્પિટલ સ્ટાફ, 108 સ્ટાફ, વગેરે પાસે પૈસા માંગતો હતો: ચોથા માળે ચડી જતા નાગરિકો, પોલીસ અને ફાયરબ્રિગેડની મદદથી બચાવી લેવાયો

રાજકોટ, તા.4
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રે આપઘાત પ્રયાસનો બનાવ બન્યો હતો. જેમાં ટ્રોમા સેન્ટરના ચોથા માળે એક વ્યક્તિ બારીની બાલ્કનીમાં ચડી જતા ત્યાંથી પડતું મુકવા પ્રયત્ન કરતો હોય તેવું લોકો જોઈ જતા બિલ્ડીંગ નીચે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. જોકે, નાગરિકો, પોલીસ ટીમ અને ફાયરબ્રિગેડની મદદથી તેને બચાવી લેવાયો હતો. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે, આર્થિક સંકળામણના કારણે માનસિક અસ્વસ્થ થયેલો શ્રમિક સિવિલ હોસ્પિટલના ચોથા માળે આપઘાત કરવા પહોંચ્યો હતો.

પોલીસ પૂછપરછમાં તેનું નામ રાજુભાઈ મુન્નાભાઈ ગુંઢીયા (ઉ.વ.38, રહે. હાલ નાની વડાળી, જિ. અમરેલી, મૂળ મધ્યપ્રદેશ) હોવાનું જાણવા મળેલ છે. ખેતમજૂરી કરતો રાજુ ગુંઢીયા પગમાં ઇજા થવાના કારણે છ દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. દરમિયાન ગત રાત્રે 10 વાગ્યા આસપાસ રાજુ કોઈપણ રીતે ટ્રોમા સેન્ટરના ચોથા માળે બારી બહારની બાલ્કનીમાં પહોંચી ગયો હતો. જેને નીચે ઉભેલો સિવિલ હોસ્પિટલનો સિક્યુરિટી સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ, હોસ્પિટલમાં હાજર નાગરિકો જોઈ જતા કદાચ તે આપઘાત કરશે તેવું લોકોને લાગતા સૌએ દેકારો બોલાવી દીધો હતો. આ તરફ કોઈએ તુરંત ફાયરબ્રિગેડને જાણ કરી દીધી હતી.

મોકે હાજર પોલીસ સ્ટાફ પણ મદદમાં દોડી ગયો હતો. ચોથા માળે હાજર કોઈ નાગરિકોએ ચપળતા દાખવી બારીમાંથી રાજુનો હાથ પકડી લીધો હતો. ફાયરબ્રિગેડ દ્વારા પાંચમા માળેથી અગાશી મારફતે દોરડા વડે ક્લિનર ભગવાનજીભાઈ ઝીંઝુવાડીયાને ઉતારવાની કવાયત શરૂ કરાઈ હતી. એકાદ કલાકની જહેમત બાદ યુવાનને સહી સલામત રેસ્ક્યુ કરાયો હતો. રાજુ છ દિવસ પહેલા તેના પગની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. અહીં ટ્રોમા સેન્ટરમાં પાંચમાં માળે તેને દાખલ કરી ડોક્ટરો સારવાર કરી રહ્યા હતા. તે આર્થિક ભીંસ અનુભવી રહ્યો હતો. લોકો પાસે પહેલા રૂપિયા માંગતો હતો. જે પછી આ રીતે બારી પર ચડી ગયો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj