છેક ગ્રામ્ય વિસ્તાર સુધી ક્ષત્રિય સમાજના વિરોધના દ્રશ્યો બાદ ચિંતા વધી

ક્ષત્રિય સમાજ સાથે થોડા નાના સમાજોના મત પણ સ્વીંગ થાય તો! ભાજપની ચિંતા

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 25 April, 2024 | 03:09 PM
◙ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 14 જિલ્લાઓમાં ક્ષત્રિય ફેક્ટર મુદ્દે પ્રવાસ કર્યા બાદ હજુ 1% પણ ડેમેજ કન્ટ્રોલ થયું હોવા અંગે કોઇ સંકેત ન મળતા ભાજપ નવો વ્યૂહ વિચારે છે
સાંજ સમાચાર

◙ રૂપાલાના વિધાનોનો બચાવ કરી શકાય તેમ નથી, મોવડી મંડળ પણ વ્યથિત છે: ક્ષત્રિય સમાજને છૂપો સંદેશ આપવા પ્રયાસ: રાજકીય મુદ્દો ન બનાવવા પણ સમજાવાશે: વૈમનસ્ય વધે નહીં તે પણ સરકારની ચિંતા

 

◙ બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ સહિતના જિલ્લાઓમાં કોંગ્રેસના ઉમેદવાર મજબૂત ટક્કર આપે છે તેથી આદિવાસી મતોમાં ભાગલા નિશ્ચિત: હવે ક્ષત્રિય અને લઘુમતિ મતો પણ તેમાં ભળે તો પરિણામ પર અસર થઇ શકે: પક્ષનું આંકલન

 

◙ સૌરાષ્ટ્રમાં જામનગર બેઠકમાં ક્ષત્રિય મતદારોની મોટી હાજરી: વાતાવરણ પણ ઉગ્ર છે: કોંગ્રેસના લેઉવા ઉમેદવાર હોવાથી ક્ષત્રિય ઉપરાંત આ વિસ્તારમાં મોટી હાજરી ધરાવતા મુસ્લિમ મતો એક થઇ શકે છે: હકુભા ફેક્ટર પણ ચર્ચામાં: ગાંધીનગર રિપોર્ટ

◙ અત્યાર સુધી દિમાગથી ડેમેજ કન્ટ્રોલ કરાયું હવે ઇમોશ્નલ અપીલની તૈયારી: મોદી પણ તે મુદ્દે કોઇ સંકેત આપી શકે: પ્રચારના આખરી દિવસ સુધી સતત અપગ્રેડ થવાશે

 

 

◙ રૂપાલાના વિધાનોનો બચાવ કરી શકાય તેમ નથી, મોવડી મંડળ પણ વ્યથિત છે: ક્ષત્રિય સમાજને છૂપો સંદેશ આપવા પ્રયાસ: રાજકીય મુદ્દો ન બનાવવા પણ સમજાવાશે: વૈમનસ્ય વધે નહીં તે પણ સરકારની ચિંતા

 

◙ અત્યાર સુધી કાર્યાલય ઉદ્ઘાટન અને નાની સભાઓમાં ક્ષત્રિયોનો વિરોધ દેખાતો હતો પણ મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓની સભામાં જો વિરોધ પ્રદર્શન થાય તો રાષ્ટ્રીય સ્તરે પણ મેસેજ જવાનો ભય

 

રાજકોટ, તા.25
લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર વિજયની હેટ્રીક સર્જવા આયોજન કર્યા બાદ રાજકોટ લોકસભા બેઠક પર જે રીતે ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગેના તેના વિધાનો ભાજપ માટે ગળાની ફાંસ જેવા બની ગયા છે અને ડેમેજ કન્ટ્રોલના અત્યાર સુધીના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા તે પછી પણ પક્ષે હવે સમાજને એક અલગ રીતે સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. જેમાં પક્ષ ક્ષત્રિય સમાજને એવું કહેવા મથી રહ્યો છે કે રૂપાલાના નિવેદન સાથે  પક્ષનું મોવડી મંડળ પણ સહમત નથી અને આ પ્રકારના વિધાનો થવા જોઇએ નહીં પક્ષ પણ વ્યથિત છે.

પરંતુ ક્ષત્રિય સમાજ મોટુ મન રાખે અને પરિવારની જેમ જ ભાજપ સાથે રહે તે પણ ભાજપ દિલથી ઇચ્છે  છે. અત્યાર સુધી દિમાગથી ડેમેજ કન્ટ્રોલના પ્રયાસો નિષ્ફળ નિવડ્યા બાદ હવે ભાજપે ઇમોશ્નલ અપીલ આંતરીક રીતે કરવાનું શરુ કર્યું હોય તેવું જણાવતા પક્ષના સુત્રોએ કહ્યું હતું કે રૂપાલાના નિવેદનનો બચાવ થઇ શકે નહીં અને તેમણે માફી માંગી લીધી છે.

ઉપરાંત પ્રદેશ પ્રમુખે પણ લગભગ માફીની જેમ ક્ષત્રિય સમાજને વિનંતિ કરી છે. જો કે પક્ષના ટોચના સુત્રોએ જણાવ્યું કે હજુ પણ ક્ષત્રિય સમાજમાં 1 % ડેમેજ કન્ટ્રોલ થઇ શક્યું નથી તે વાસ્તવિક છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 14 જિલ્લાઓમાં પ્રવાસ કરીને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ કે જેઓ ભાજપમાં છે તેની સાથે સંવાદ કર્યો હતો. પરંતુ તેમાં પણ હજુ સુધી કોઇ સફળતા મળી નથી અને ભાજપની ચિંતા ફકત ક્ષત્રિય સમાજ નહીં પણ અન્ય નાના સમાજો પણ છે અને લઘુમતિઓ પણ છે. અને જો ક્ષત્રિય સમાજની સાથે આ નાના સમાજોના મત પણ સ્વીંગ થાય તો ભાજપ માટે થોડી બેઠકો પર ચિંતા થઇ શકે છે.

સૌથી મોટી બાબત એ છે કે પ્રચારના પ્રારંભે આ વિવાદ શરુ થઇ ગયો છે અને તે શમી જશે તેવી ભાજપની જે ગણતરી હતી તે ઉંધી વળી છે અને ક્ષત્રિય સમાજના કાર્યક્રમો વધુને વધુ ઉગ્ર બની રહ્યા છે. પક્ષને અત્યાર સુધીનો કાર્યાલયના ઉદ્ઘાટનના અને પ્રચારના પ્રારંભના નાના કાર્યક્રમોમાં ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો છે પરંતુ હવે પ્રચારે જ્યારે વેગ પકડ્યો છે તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને અન્ય ટોચના નેતાઓના પ્રવાસ ગુજરાતમાં વધશે અને તેમની સભાઓમાં કે આયોજનોમાં જો ક્ષત્રિય સમાજનો વિરોધ પ્રદર્શિત થાય તો તેનો સંદેશ સમગ્ર દેશમાં જાય તેવો ભય છે.

ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં અગાઉથી જ ક્ષત્રિય સમાજ અલગથી ઓળખ ધરાવે છે તેનો અસંતોષ છે અને ગુજરાત સાથે તે જોડાઇ જાય તો તે ભાજપ માટે રાજ્ય બહાર પણ મુશ્કેલી સર્જી શકે છે.  સુત્રોના જણાવ્યા મુજબ અનેક બેઠકો એવી કે જ્યાં મોટા સાથે નાના સમાજોના મતો ભાજપ માટે મહત્વના છે. ખાસ કરીને આદિવાસી બેલ્ટમાં ભાજપને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સારી ટકર આપી રહ્યા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ભરુચ, વલસાડ સહિતની બેઠકોમાં કોંગ્રેસના મજબૂત ઉમેદવારોના કારણે આદિવાસી મતોમાં ભાગલા પડશે અને આ ક્ષેત્રોમાં ક્ષત્રિય મતોનું પ્રમાણ પણ ઉંચુ છે.

આ ઉપરાંત લઘુમતિ મતો પણ ત્યાં એવા પ્રમાણમાં છે કે જ્યાં ભાજપ માટે મતદાન કરતાં નથી અને જો આ તમામ મતદારોનું સ્વીંગ એક સાથે થાય તો ભાજપની બેઠકો જોખમમાં મુકાઇ શકે છે. આવી જ રીતે સૌરાષ્ટ્રમાં રાજકોટ લોકસભા બેઠક પર  લેઉવા-પાટીદારોના મતો 100 ટકા ભાજપ સાથે રહેશે કે કેમ તે પણ પ્રશ્ર્ન છે. જ્યારે જામનગરમાં પણ કોંગ્રેસ પક્ષે  લેઉવા-પાટીદારને ઉમદેવાર બનાવ્યા હોવાથી ભાજપના આહિર ઉમેદવાર પૂનમબેન માડમને આ મતોથી વંચિત રહેવું પડે તેવી પણ શક્યતા છે.

જામનગરની બેઠકમાં ક્ષત્રિય મતોની સંખ્યા મોટી છે અને ભાજપે અહીં કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજાને એક વખત ટીકીટ આપ્યા બાદ 2022માં પડતા મુક્યા અને તેના બદલે રિવાબા જાડેજાને ટીકીટ આપી હતી. હકુભાઇએ જામનગર મત ક્ષેત્રોમાં જબરુ વર્ચસ્વ ધરાવતા નેતા છે અને તેમનું રાજકારણ હવે કંઇ બાજુ જશે તે પ્રશ્ન છે. અને આ ફેક્ટર પણ જામનગર મત વિસ્તારમાં કામ કરી શકે છે.

આમ લેઉવા-પાટીદાર તથા ક્ષત્રિય મતો સાથે લઘુમતિ મતો ભળી જાય તો પ્રશ્ન સર્જાઇ શકે છે અને કોંગ્રેસે જે રીતે  લેઉવા-પાટિદારને વધુ ટીકીટ આપી છે તે મેસેજ પણ આ સમાજમાં જઇ રહ્યો છે તેવું કોંગ્રેસનું માનવું છે. આમ ભાજપ ડેમેજ કન્ટ્રોલ કરવા માટે નિષ્ફળ રહ્યા બાદ હવે વધુને વધુ નાના સમાજોને પોતાની સાથે લેવા માટે પ્રયાસ કરી રહ્યો છે અને તેમાં કેટલી સફળતા મળશે તે પણ પક્ષને હજુ કોઇ આખરી સંકેત મળ્યો નથી.

તો ક્ષત્રિય સમાજ ભવિષ્યમાં ભાજપથી પણ દૂર રહેવાનો ભય
રાજકોટમાં જે રીતે ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે વિધાનો કરીને વિવાદ સર્જયો છે તે પછી હજુ સુધી કોઇ વિકલ્પ ભાજપને મળ્યો નથી. ભાજપની ચિંતા ફકત લોકસભા ચૂંટણીની નથી પણ ભવિષ્યની પણ છે. જે રીતે આદિવાસી વોટ બેંક કે જે એક વખત કોંગ્રેસની ગણાતી હતી ત્યાં ભાજપને પ્રવેશવામાં લાંબો સમય લાગ્યો, હજુ પણ 100 ટકા આ સમાજ ભાજપ સાથે નથી. જ્યારે ઓબીસી સમાજને એક કરવામાં ભાજપ હાલ સફળ રહ્યો છે. જ્યારે ક્ષત્રિય સમાજ ભાજપની સાથે જ રહ્યો છે.

જો કે તે અલગ બાબત છે કે લોકસભામાં ભાજપે આ સમાજને ટીકીટ આપી નથી છેલ્લે ભાવનગરમાં રાજેન્દ્રસિંહ રાણા પછી સૌરાષ્ટ્રમાં ભાજપનો એક પણ ક્ષત્રિય સાંસદ નથી અને જે રીતે પાટીદાર અને કોળી સમુદાયને મહત્વ અપાયું છે તેટલું મહત્વ આ સમાજને અપાયું નથી અને આ વિવાદને પગલે ક્ષત્રિય સમુદાય ભાજપથી દૂર થઇ જાય તો ભવિષ્યમાં તેને પક્ષની સાથે રાખવામાં મુશ્કેલી પડે. ભાજપના ક્ષત્રિય આગેવાનો પણ તે સ્વીકારે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj