રાજકોટ, તા.9
ફરિયાદી પ્રતિક મહેશભાઇ મહેતા પીએમ નેટવર્ક કંપનીના નામે રાજકોટ મુકામે લેટેક્ષ એક્ઝામીનેશન ગ્લોવ્સનું ટ્રેડીંગનો વેપાર કરે છે. તેમની પાસેથી આરોપી મયુર ગોપાલભાઇ કરકર તથા ભૌતિક ગોપાલભાઇ કરકર કે જેઓ શ્રીજી કોર્પોરેશનના નામથી ચાલતી ભાગીદારી પેઢીના નામે ધંધો કરે છે. તેમણે ફરિયાદી પાસેથી રૂા.25,20,000ના માલની ખરીદી કરેલ હતી અને આ રકમ માંહેથી રકમ રૂા.8,50,000 પુરા ફરિયાદીને પાર્ટ પેમેન્ટ પેટે ચુકવી આપેલ હતા અને બાકી રહેતી રકમ રૂા.16,70,000 ચુકવવા માટે ફરિયાદીની પેઢીના નામના કુલ ત્રણ ચેકો આપેલા હતા.
જે ચેકો રીટર્ન થતાં ફરિયાદીએ તેમના એડવોકેટ સત્યજીતસિંહ ભટ્ટી મારફતે આરોપીઓને ડીમાન્ડ નોટીસ મોકલેલ આ નોટીસ આરોપીઓને મળી જવા છતાં આરોપીઓએ ફરિયાદીની કાયદેસરની લેણી રકમ ચુકવવાની કોઇ દરકાર કરેલ નહીં કે ચુકવેલ નહીં કે નોટીસનો જવાબ આપેલ નહીં જેથી ફરિયાદીએ સ્પે. નેગોશ્યેબલ કોર્ટમાં ચેક રીટર્નનની આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરેલ હતી.
આ ફરિયાદના કામે ફરિયાદી તરફે પુરાવા રજુ કરવામાં આવેલ હતા તથા ફરિયાદી તરફે જુબાની આપવામાં આવેલ હતી તથા ફરિયાદી તરફે તેઓના એડવોકેટ સત્યજીતસિંહ ભટ્ટીએ એવી દલીલ કરેલ હતી કે, આ કામના આરોપીએ ફરિયાદી પાસેથી જે માલ ખરીદ કરેલ હતો તે અંગેનું કાયદેસરનું જીએસટીવાળુ બીલ છે અને આરોપીએ માંગ્યા મુજબનો માલ મળી ગયેલ છે તે અંગે બીલમાં સહી પણ કરેલ અને પેઢીનો સિક્કો મારેલો તેમજ ફરિયાદીએ તેમના પેઢીના ખાતાનો ઉતારો પણ રજુ કરેલ.
આ ઉપરાંત આરોપીએ એવો કોઇ બચાવ પણ લીધેલ નથી કે ફરિયાદીએ મોકલેલ નોટીસ તેમને મળેલ નથી કે તેમણે ફરિયાદી પાસેથી કોઇ માલ મંગાવેલ નથી કે ફરિયાદીને કાયદેસરના લેણા પેટે ચેક આપેલ નથી કે તેમની પેઢીનો ચેક નથી કે ફરિયાદી પાસે આરોપીનું કોઇ કાયદેસરનું લેણું બાકી નથી. આમ આરોપીએ ફરિયાદની હકીકતનો કોઇ ઇન્કાર કરેલ નથી.
અદાલતે નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુમેન્ટની એક્ટની કલમ-138ના ગુન્હા સબબ આરોપીઓ ભૌતિક ગોપાલ કરકરના ઓને તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ વાર્ષિક 6 ટકાના સાદા વ્યાજે વળતર તરીકે હુકમની તારીખથી ત્રણ માસમાં ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ અને જો તે મુજબ કરવામાં કસુર થશે તો આરોપીને વધુ 3 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ અદાલતે ફરમાવેલ છે.
આ કેસમાં ફરિયાદી વતી રાજકોટના વિધવાન ધારાશાસ્ત્રી સત્યજીતસિંહ ભટ્ટી, મુકેશ ગોંડલીયા, જીગર નસીત, જવલંત પરસાણા, હર્ષ બરવાડીયા, સુનીલ મહીડા, યશપાલસિંહ જાડેજા રોકાયેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy