હમીર ઉર્ફે ગોપાલ, રાજુ સોલંકી અને તેના પુત્ર જયેશ સોલંકીને ઉઠાવી લઈ પોલીસે પ્લાસ્ટિકના પાઈપથી ત્રણેયને ઢોર માર માર્યો હતો

રાજકોટ કસ્ટડીયલ ડેથ કેસમાં ઇજાગ્રસ્ત બીજા યુવાનનું પણ મોત : 3 લોકોને ઉઠાવી પોલીસે ઢોર માર માર્યાનો નવો ઘટસ્ફોટ

Crime | Rajkot | 25 April, 2024 | 11:57 AM
ગઈકાલે રાત્રે 8 વાગ્યે રાજુભાઈ સોલંકી પોતાના ઘરે બેભાન થઈ ગયા બાદ, સિવિલ હોસ્પિટલમાં ખસેડતા મૃત જાહેર કરાયા: અગાઉ 16 એપ્રિલે હમીર ઉર્ફે ગોપાલ રાઠોડનું સારવારમાં મોત થયેલું
સાંજ સમાચાર

રાજકોટ, તા.25
રાજકોટ કસ્ટડીયલ ડેથ કેસમાં ઇજાગ્રસ્ત બીજા યુવાનનું પણ મોત થયું છે. ઉપરાંત બીજો એવો ઘટસ્ફોટ પણ થયો છે કે, 3 લોકોને ઉઠાવી પોલીસે ઢોર માર માર્યો હતો.ગઈકાલે રાત્રે 8 વાગ્યે રાજુભાઈ ભગવાનજીભાઈ સોલંકી(ઉ.વ.45, રહે. ખોડિયારનગર, શેરી નં.17, 150 ફૂટ રિંગ રોડ) પોતાના ઘરે બેભાન થઈ ગયા બાદ, સિવિલ હોસ્પિટલમાં ખસેડતા મૃત જાહેર કરાયા હતા. અગાઉ 16 એપ્રિલે હમીર ઉર્ફે ગોપાલ રાઠોડનું સારવારમાં મોત થયું હતું.

બનાવની પોલીસ સૂત્રો અને પરિવારજનો પાસેથી મળતી વિગત મુજબ, ગત તા.14 એપ્રિલની રાત્રે 10.30 વાગ્યે રાજુભાઇને તેના પાડોશમાં રહેતા તેના કૌટુંબિક કાકી શારદાબેન બાવનજીભાઈ સરવૈયા સાથે ઝઘડો થયો હતો. ઝઘડાનું કારણ એવું હતું કે, બાવનજીભાઈ અપશબ્દો બોલતા હોય, રાજુભાઇએ બોલવાની ના પાડતા બોલાચાલી બાદ કાકી સાથે ઝઘડો થયેલો. જેથી કાકીએ પોલીસ બોલાવી હતી.

જેથી રાજુભાઇનો પુત્ર જયેશ સોલંકી(ઉ.વ.20) હમીરભાઈ ઉર્ફે ગોપાલભાઈને બોલાવવા ગયેલ. દરમિયાન બે કે ત્રણ પોલીસમેન પોલીસ વાનમાં આવેલ. હમીર, રાજુ અને જયેશને ઉઠાવી ગયેલ. પોલીસ મથકમાં ત્રણેયને માર મારેલ. જેથી સગા સંબંધી અને પરિવારના સભ્યો પોલીસ મથકે દોડી જતા, હમીરને વધુ લાગી ગયું હોય, પોલીસે 1 વાગ્યે જ છોડી દીધેલ. જે પછી રાજુ અને જયેશ ઉપર ચેપ્ટર કેસ કરી અટકાયત કરેલ. 15 એપ્રિલ સાંજે 6 વાગ્યા આસપાસ રાજુ અને જયેશને પણ જામીન પર છોડી દીધેલ. બંને પિતા પુત્ર ઘરે જતા રહ્યા હતા. આરામ કર્યો હતો. પછી બીજે દિવસે સવારે હમીરભાઈનું મોત થતા બંને પિતા પુત્ર વોકહાર્ટ હોસ્પિટલમાં ગયા હતા. રાજુભાઇને તબિયત ઠીક ન જણાતા તે ઘરે જતા રહ્યા હતા અને આરામ કરતા હતા. હમીરભાઈનો મૃતદેહ સ્વીકારી લીધા પછી તા.20 એપ્રિલે રાજુભાઇની તબિયત ખૂબ જ બગડતા તત્કાલ તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

તેઓ હોસ્પિટલ પોતાના પત્ની સોનલબેન અને પુત્ર જયેશ સાથે પહોંચ્યા એ વાત પોલીસને જાણ થઈ જતા તુરંત કેટલાક પોલીસ મેન હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. જયેશે જણાવ્યું કે, સવારે 10 વાગ્યે અમે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સાંજે 5 વાગ્યે ત્યાંથી નિકળા હતા. આ દરમિયાન પોલીસના લોકો સિવિલ ડ્રેસમાં અમારી આસપાસ જ રહ્યા હતા. અમે ડોક્ટરને મારા પિતાને દાખલ કરવા કહ્યું પણ ડોકટરને સાદા ડ્રેસમાં રહેલા પોલીસ કર્મીએ કાનમાં કંઈક કહ્યું એ પછી મારા પિતાને દાખલ કરાયા નહોતા. ઘરે આવ્યા પછી મારા પિતા આરામમાં જ હતા. તેઓ ઉભા થઇ શકતા નહોતા. ગત રાત્રે તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં લાવતા તેમને મૃત જાહેર કરાયા હતા.

બનાવ કસ્ટડીયલ ડેથમાં બેવડી હત્યામાં પલટાયો હતો. બનાવની જાણ થતાં લોકોના ટોળા એકત્ર થયા હતા. હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચતા પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો. ડીસીપી, એસીપી સહિતના દોડી ગયા હતા. હાલ આજ સવારે પીએમ કરવામાં આવ્યું છે. રાજુભાઇ કારખાનામાં મજૂરી કરતા, તેમને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે. તેઓ બે ભાઈ, ત્રણ બહેનમાં બીજા નંબરના હતા. તેમનું મૂળ વતન ગોંડલ તાલુકાનું બેટાવડ ગામ છે. બેટાવડ ખાતે તેમની અંતિમ વિધિ થશે. પરિવારે કલ્પાંત સાથે જણાવ્યું કે, આ બનાવમાં મૃતકોને ન્યાય મળે તેવી જ મારી સરકાર પાસે માંગ છે. ઉલ્લેખનીય છેકે, રાજુભાઇને લીવરની તકલીફ હતી અને તેની સારવાર પણ ચાલુ હતી. 

મૃતક રાજુભાઇનો ફાઈલ ફોટો, નિષ્પ્રાણદેહ, સિવિલ હોસ્પિટલમાં એકત્ર થયેલા લોકો, ખડેપગે રહેલા પોલીસ અધિકારીઓ નજરે પડે છે.
(તસવીર: ભાવિન રાજગોર)

 

♦ પોલીસની કામગીરી શંકાસ્પદ ! : એફઆઈઆરમાં રાજુ અને તેના પુત્રને માર માર્યાનો ઉલ્લેખ જ નથી

આ સમગ્ર પ્રકરણને શરૂઆતથી જોવામાં આવે તો સૌ પ્રથમ હમીરને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તા.16 એપ્રિલે વહેલી સવારે 6 વાગ્યે એફઆઈઆર દાખલ કરવામાં આવી. આ એફઆઈઆરમાં આઇપીસી 307 અને આઇપીસી 323ની કલમો છે. જોકે પોલીસે આરોપી એએસઆઈ અશ્વિન કાનગડનું નામ ફરિયાદમાં લખ્યું નથી. ફરિયાદમાં લખાયા મુજબ અજાણ્યા પોલીસમેને હમીર ઉર્ફે ગોપાલને માર માર્યો હોવાનું લખાયું છે. રાજેશ સોલંકી અને તેના પુત્ર જયેશ સોલંકીને પ્લાસ્ટિકના પાઈપથી માર્યાનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી. આ પછી તા.16 એપ્રિલે કોન્સ્ટેબલ નરેશભાઈ રાઠોડનું નિવેદન લેવામાં આવે છે. જેમાં ફક્ત હમીર અને રાજુભાઇને માર માર્યાનો ઉલ્લેખ છે. રાજુના પુત્ર જયેશને માર માર્યાનો ઉલ્લેખ નથી. જયેશના જણાવ્યા મુજબ પોલીસે હમીરભાઈ ઉર્ફે ગોપાલભાઈ, તેમના પિતા રાજુભાઇ અને તેને પ્લાસ્ટિકના પાઈપથી માર મારવામાં આવેલ. આમ, આ સમગ્ર પ્રકરણ બની ગયા પછી તેની કાનૂની કાર્યવાહીમાં પોલીસની કામગીરી શંકાસ્પદ જણાય આવે છે.

♦ હું સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો, પણ બે કલાક
સુધી કોઈએ મારી સારવાર જ ન કરી : જયેશ સોલંકી

રાજકોટ: મૃતક રાજુભાઇ સોલંકીના પુત્ર જયેશે સાંજ સમાચારને જણાવ્યું કે, 14મી એપ્રિલે રાત્રે તેને પણ પોલીસ પકડી ગઈ હતી. હમીરભાઈ અને રાજુભાઇ સાથે તેને પણ પ્લાસ્ટિકના પાઈપથી અશ્ર્વિન કાનગડે માર માર્યો હતો. ચેપ્ટર કેસ કરી પિતા પુત્રની અટકાયત કરી હતી. 15મીએ સાંજે જામીન પર છોડ્યા હતા. 15મીએ હમીરભાઈનું મોત થતા જયેશ વોકહાર્ટ હોસ્પિટલે જ હતો. સિવિલ હોસ્પિટલ પીએમ માટે હમીરભાઈનો મૃતદેહ લઈ જવાતા તે બીજા લોકો સાથે પીએમ રૂમએ ગયો હતો. અગાઉના માર અને બે દિવસની દોડધામના કારણે જયેશને પીએમ રૂમ પાસે ચકકર આવી ગયા હતા. બે ત્રણ યુવાનોએ તેને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયેશના નામે કેસ ફાઈલ કઢાવી હતી. મિત્રો લીંબુ શરબત વગેરે જ્યુસ લાવ્યા હતા. બે કલાક સુધી જયેશ હોસ્પિટલના ખાટલા પર પડ્યો રહ્યો પણ કોઈ ડોકટરે તેની સારવાર કરી નહોતી. તેના ફાઈલ કેસમાં એક દવા પણ લખી દીધી નહોતી. બે કલાક બાદ જયુસ વગેરે પીધા પછી તબિયત ઠીક જણાતા જયેશ તેની મેળે જતો રહ્યો હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj