રાજકોટ લોકસભા બેઠકની છેલ્લી ત્રણ ચૂંટણીમાં સૌથી ઓછુ મતદાન

Local | Rajkot | 08 May, 2024 | 04:56 PM
વર્ષ 2014માં 63.89 ટકા, 2019માં 63.15 ટકા થયેલા મતદાન બાદ 2024માં 59.60 ટકા મતદાન થતાં ગાબડુ
સાંજ સમાચાર

રાજકોટ, તા.8

રાજકોટ લોકસભા બેઠકની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં આ વખતે સૌથી ઓછુ મતદાન થવા પામ્યું છે. જો કે તેની પાછળ કાળઝાળ ગરમી, મતદારોની નિરસતા, ક્ષત્રિય આંદોલન સહિતના અનેક ફેક્ટર ભાગ ભજવી ગયા છે. 

રાજકોટ લોકસભા બેઠકની વર્ષ 2014ની ચૂંટણીમાં 63.89 ટકા, 2019ની ચૂંટણીમાં 63.15 ટકા અને આ વખતે એટલે કે વર્ષ 2024ની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઘટીને 59.60 ટકા થવા પામી છે. 

વર્ષ 2014ની રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના મોહનભાઇ કુંડારીયા અને તેની સામે કોંગ્રેસ તરફથી કુંવરજીભાઇ બાવળીયા મેદાનમાં ઉતર્યા હતાં. જ્યારે 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયા સામે કોંગ્રેસના લલિત કગથરા વચ્ચે કસોકસનો જંગ ખેલાયો હતો. જ્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપના પરસોતમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણી મેદાનમાં ઉતરતાં અમરેલીના આ બંને ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

જો કે આ વખતે ક્ષત્રિય આંદોલનનું ફેક્ટર મહત્વનો ભાગ ભજવી ગયો હોય હવે ચૂંટણીના પરિણામો તરફ સૌની મીટ મંડાયેલી છે. વર્ષ 2014 રાજકોટની બેઠકની ચૂંટણીમાં 63.59 ટકા મતદાન થવા પામેલ હતું જેમાં ટંકારામાં 65.48, વાંકાનેરમાં 64.15, રાજકોટ ઇસ્ટમાં 64.30, રાજકોટ વેસ્ટમાં 64.54, રાજકોટ સાઉથમાં 64.52, રાજકોટ રૂરલમાં 59.68 અને જસદણ વિધાનસભા વિસ્તારમાં 62.63 ટકા મતદાન થવા પામેલ હતું. 

ત્યારે 2019ની ચૂંટણીમાં 63.15 મતદાન થવા પામેલ હતું. જેમાં ટંકારામાં 67.64, વાંકાનેરમાં 66.09, રાજકોટ ઇસ્ટમાં 63.74, રાજકોટ વેસ્ટમાં 64.70, રાજકોટ સાઉથમાં 63.73, રાજકોટ રૂરલમાં 61.47 અને જસદણમાં 54.35 ટકા મતદાન થવા પામેલ હતું. જ્યારે આ વખતે 59.60 ટકા મતદાન થતાં છેલ્લા ત્રણ વર્ષની ચૂંટણીના મતદાનની ટકાવારીની સાપેક્ષમાં ખાસ્સું ગાબડું પડી જવા પામેલ છે. અહીં ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠકની આ વખતે તૈયાર થયેલી મતદાર યાદીમાં અનેકક્ષતિઓ થવાની ફરિયાદો પણ ઉઠવા પામેલ છે. જેમાં દિવગંત મતદારો અને રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાંથી અન્ય સ્થળો પર સ્થળાંતર કરી ગયેલા મતદારોના નામો કમી કરાયા ન હોવાનું ખુલ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj