રાજયની 25 લોકસભા બેઠક પર આજથી 12 દિવસ જાહેર પ્રચારનો માહોલ જામશે

હવે પ્રચારનો રંગ જામશે : મોદી - અમિત શાહ - પ્રિયંકાની ગુજરાતમાં સભા - રોડ શો

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 24 April, 2024 | 10:19 AM
► વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.1-2ના બે દિવસ ગુજરાતમાં પ્રચાર કરશે: તા.2ના સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં રેલીની તૈયારી: અમીત શાહ કાલે ઉપરાંત તા.27 ગુજરાતમાં: જામકંડોરણામાં શનિવારે મનસુખ માંડવીયાના સમર્થનમાં જબરી સભાનું આયોજન: ત્રણ બેઠકોને આવરી લેશે
સાંજ સમાચાર

► પ્રિયંકા ગાંધી તા.27ના ધરમપુરમાં: વલસાડ બેઠક લડી રહેલા કોંગ્રેસના યુવા ઉમેદવાર અનંત પટેલના ટેકામાં સભા: ‘આપ’માં કેજરીવાલની ગેરહાજરીમાં ભગવંત માન સ્ટાર પ્રચારક: પ્રથમ રાઉન્ડમાં ભાવનગર-ભરૂચમાં પ્રચાર કર્યા બાદ હજું એક પ્રવાસ શકય

રાજકોટ: લોકસભા ચુંટણીના ત્રીજા તબકકાના તા.7 મે ના રોજ યોજાનારા મતદાન માટે ગુજરાતમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા જ હવે પ્રચારનો રંગ જામશે અને રાજયમાં આ ચુંટણીમાં ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મુકાબલામાં જે રીતે ક્ષત્રિય સમાજે મોરચો માંડયો છે તેથી સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતની અનેક બેઠકો પર પણ રસપ્રદ સમીકરણો બનશે.

તે સાથે રાજયની પાંચ ધારાસભા બેઠકો પર પણ કોંગ્રેસમાંથી કેસરીયા કરનાર પુર્વ ધારાસભ્યો હવે ‘કમળ’ ના નિશાન પર ચુંટણી લડી રહ્યા છે અને તેમાં પણ જે રીતે ભાજપમાં ભરતીમેળા સહિતના મુદે અસંતોષ છે તે ફેકટર કેટલું અસર કરે છે તે જોવું મહત્વનું બની જશે. પ્રારંભમાં બે બેઠકોના ઉમેદવાર બદલવા પડયા અને અનેક બેઠકો પર જાહેર થયેલા ઉમેદવારો સામે સ્થાનિક વિરોધ થયો તે બાદ પક્ષમાં આંતરિક રીતે ઘણું ગ્રાઉન્ડ કવર કરી લીધુ છે.

જો કે ક્ષત્રિય સમાજના આંદોલનમાં કેટલું ડેમેજ થશે અને કેટલું કંટ્રોલ થઈ શકશે તે અંગે હજું ખુદ ભાજપ જ દ્વીધામાં છે તે વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે તેમના હોમ સેટ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે અને ભાજપના અન્ય સ્ટાર પ્રચારકો પણ હવે ગુજરાતમાં ચુંટણીસભામાં ગજવશે.

તો બીજી તરફ કોંગ્રેસ પક્ષનો મુખ્યત્વે તેના ઉમેદવારોના જોરે જ ચુંટણી લડે છે અને ચાર-પાંચ બેઠકો પર સ્થાનિક લોકપ્રિયતાના કારણે ભાજપ સામે પડકાર સર્જી રહ્યા છે તેમાં તેઓને રાજય કે કેન્દ્રીય મોવડી કક્ષાનો સપોર્ટ પણ નહીવત છે અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક સોનિયા-રાહુલ ગુજરાતમાં ચુંટણી પ્રચારમાં આવશે કે કેમ તે પણ પ્રશ્ન છે પરંતુ પ્રિયંકા ગાંધી તા.27ના રોજ ગુજરાત અને દીવ-દમણ-દાદરાનગર હવેલી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.

તા.27ના તેઓ વલસાડ બેઠક પર ચુંટણી લડી રહેલા કોંગ્રેસના મજબૂત ગણાતા ઉમેદવાર અનંત પટેલ માટે ધરમપુર ખાતે એક જબરી સભાને સંબોધન કરશે અને આ માટે તૈયારીઓ થઈ રહી છે. આ ઉપરાંત પ્રિયંકાના અન્ય કાર્યક્રમો પણ ગોઠવવાની તૈયારી છે. બીજી તરફ બે બેઠક લડી રહેલા આમ આદમી પાર્ટીને તેના એકમાત્ર સ્ટાર પ્રચારક અરવિંદ કેજરીવાલની ખોટ પડશે જેઓ હાલ જેલમાં છે.

જો કે પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન ભાવનગર અને ભરૂચમાં પક્ષના ઉમેદવાર માટે રોડ-શો રેલી સભા કરી ગયા અને તે રીતે જુવાળ સર્જવા પ્રયત્ન કર્યા છે અને છતા પણ ‘આપ’ એ પણ મોટાભાગે તેના ઉમેદવારની તાકાત પર જ ચુંટણી લડે છે.

મોદી-શાહ આવે છે
દિલ્હી અને ગાંધીનગર બન્ને સતાના કેન્દ્રો પરથી ભરપુર મદદ સાથે રાજયભરના ભાજપના ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે અને હવે છેલ્લા 12 દિવસના પ્રચારમાં (તા.5ના સાંજથી પડધમ શાંત થશે) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.1 અને 2 મે ના રોજ ગુજરાતમાં પ્રચારમાં આવી રહ્યા છે અને બાદમાં તેઓ તા.7ના મતદાન માટે અમદાવાદ આવશે તે પણ ભાજપ માટે એક મહત્વનો પ્રચાર બની જશે.

શ્રી મોદી ગુજરાતના સ્થાપના દિને જ આવી રહ્યા છે અને તા.1-2 મેના પ્રવાસમાં સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં છ રેલીઓને સંબોધન કરશે તથા વડોદરા જયાં ભાજપને ઉમેદવાર બદલવા પડયા હતા તે મહાનગરની સંસદીય બેઠક પર રોડ શો કરશે. વડાપ્રધાન મોદી 2014માં વડોદરાની બેઠક પરથી તેમની પ્રથમ લોકસભા ચૂંટણી લડયા હતા અને આ મહાનગર સાથે તેમનો જબરો લગાવ છે.

તા.1 મેના રોજ મોદી બનાસકાંઠા, આણંદમાં પણ સભાઓને સંબોધીત કરશે. આ બેઠકો પર ઉમેદવાર સામે અસંતોષ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મજબૂત છે તેથી વડાપ્રધાને તે ક્ષેત્રમાં વધુ ધ્યાન આપવાનું નકકી કર્યુ છે. તા.2ના રોજ વડાપ્રધાન સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં સભાને સંબોધે તેવો કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે. આ ઉપરાંત ભરૂચ અને સાબરકાંઠામાં પણ તેઓ સભાને સંબોધશે.

આમ બે દિવસ તેઓ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરશે. બાદમાં તેઓ તા.7ના રોજ સીધા મતદાન કરવા જ ગુજરાત આવે તેવા સંકેત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આવતીકાલે તા.25ના ગુજરાત આવી રહ્યા છે અને તા.27ના રોજ સૌરાષ્ટ્રમાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા જે પોરબંદર લોકસભા બેઠક લડી રહ્યા છે તેમને માટે પ્રચારમાં જામકંડોરણામાં જબરી સભાને સંબોધશે.

આ વિસ્તારમાં ખેડુત મતદારો વધુ છે અને પોરબંદર ઉપરાંત જામકંડોરણા અને રાજકોટ લોકસભા બેઠક પર ત્યાં પ્રચારની અસર થશે. ઉપરાંત તેઓ ઉ.ગુજરાતમાં બારડોલીમાં સભા સંબોધશે. ભાજપે જયાં ક્ષત્રિય આંદોલનની અસર છે અને જયાં ઉમેદવાર બદલવા પડયા અને આંતરિક અસંતોષ છે તે મતવિસ્તારોમાં વધુ ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે.

જો કે રાજયની સુરત બેઠક બિનહરીફ જીત્યા પુર્વે અનેક બેઠક પર ભાજપે નાના-મોટા ઈશ્યુઓ જેમાં પક્ષમાં આંતરિક અસંતોષ મુખ્યત્વે હતો તેને લગભગ કવર કરી લીધો છે પણ હજું ક્ષત્રિય આંદોલન અંગે પક્ષ કોઈ આખરી વ્યુહ બનાવી શકયો નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj