નવી દિલ્હી તા.13
ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા બાદ વડાપ્રધાન મોદી પહેલી વખત વિદેશયાત્રા કરશે. તેઓ આજે ગુરુવારે જી-7 સમીટમાં ભાગ લેવા ઈટલી રવાના થશે.
વિદેશ સચિવ વિનય કવાત્રાએ કહ્યું હતું કે મોદી ઈટલીના વડાપ્રધાન જયોર્જિયા મેલોમીના આમંત્રણ પર સમીટમાં ભાગ લેવા માટે ઈટલીના અપુલિયા જઈ રહ્યા છે.
અહીં 14 જૂન દુનિયાની 7 વિકસીત અર્થવ્યવસ્થાઓ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવા માટે સાથે બેસશે. 14 જૂને પીએમ આઉટ રીચ સેશનમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવેલ બીજા દેશોની સાથે ભાગ લેશે. આ સેશનમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ- એઆઈ એનર્જી અને આફ્રિકા જેવા મુદા ફોકસમાં રહેશે.
કવાત્રાએ જણાવ્યું હતુ કે ઈટલીએ આ વખતે અલ્જીરિયા, બ્રાઝીલ, આર્જેન્ટીના, ઈજીપ્ત, કેન્યા, મોરીટેનિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા ટ્યુનિશિયા, તુર્કી, યુએઈ ઉપરાંત યુએન જેવા કેટલાક આંતરરાષ્ટ્રીય સંગઠનોને પણ બોલાવાયા છે, જી-7માં ભારત સતત ભાગીદારીથી ગ્લોબલ પડકારોને લઈને પ્રતિબદ્ધતા જાહેર કરતું રહ્યું છે.
કવાત્રાએ જણાવ્યું હતું કે સમીટમાં ભાગ લેવાથી ભારતને પોતાની અધ્યક્ષતામાં થયેલા જી-20 સંમેલનના પરિણામોની સમીક્ષા કરવાનો પણ મોકો મળશે. આ સમીટમાં રશિયા-યુક્રેન સંઘર્ષ અને મિડલ ઈસ્ટમાં શાંતિ સમીતીના એજન્ડાના મોટા મુદા રહેશે.
રશિયા-યુક્રેન પર કવાત્રાએ જણાવ્યું હતું કે ભારત હંમેશાથી માનતું આવ્યુ છે કે આ સંઘર્ષને વાતચીતથી અને ડિપ્લોમસીથી જ ઉકેલવામાં આવી શકે છે. ઈટલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની એક ઘટનાના બારામાં તેમણે કહ્યું હતું કે ઈટલી સામે આ મુદો ઉઠાવાયો છે. તેમણે કાર્યવાહી પણ કરી છે.
પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનને મળી શકે છે: જી-7 સમીટમાં ભારતના વડાપ્રધાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને મળી શકે છે. દ્વિપક્ષીય બેઠકોનો શેડયુલ પણ નકકી થશે: જી-7 સમીટ ઉપરાંત ઈટલી અને ભારતના પીએમ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ હશે.
બીજા દેશોના નેતાઓ સાથે પણ આવી વાતચીત થઈ શકે છે. કવાત્રાએ કહ્યું હતું કે પીએમ મોદી અને પીએમ મેલોની વચ્ચે છેલ્લી મુલાકાત ડિસેમ્બર 2023માં સીઓપી સમીટ દરમિયાન અબુધાબીમાં થઈ હતી.
જી-7 દેશોના નેતૃત્વમાં ફેરફાર પર નજર: જી-7 સમીટમાં કેટલાક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોના ભવિષ્યમાં પદ પર કાયમ રહેવાને લઈને હજુ અનિશ્ર્ચિત બની રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને ચુંટણીનો સામનો કરવાનો છે, જયારે બ્રિટેનના પીએમ ઋષિ સુનકે પણ 4 જુલાઈએ વોટીંગનો સામનો કરવાનો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy