ગુજરાત રાજ્યનું એક એવું શહેર પાટડી કે જયાં રાજાની યાદમાં બાપાના દેરા અને રાણીની યાદમાં તુલસીના ક્યારા બનાવાય છે

Local | Surendaranagar | 09 May, 2024 | 01:07 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 9
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની સરહદોના ત્રિભેટે આવેલા ઐતિહાસીક પાટડી નગરની ભૂમીના રજકણોંમાં સૈકાઓથી પ્રેમ, શોર્ય અને ધર્મનું સુમધુર મિલન થયેલું છે. પાટડીમાં દેસાઇ વંશની રાજસત્તા દરમિયાન મૃત્યુ પામેલા દરબારોની યાદમાં ઐતિહાસીક દેરાઓ બનાવેલા છે. જ્યારે દરબારોની હયાતીમાં મૃત્યુ પામેલી રાણીઓની યાદમાં દેરાના પાછળના ભાગમાં તુલસીના ક્યારા અને કુંવરોની યાદમાં નાની-નાની દેરીઓ બનાવેલી છે. કલાકૃતિના ઉત્કૃષ્ઠ નમૂનારૂપ આ દેરાઓમાં વપરાયેલા પથ્થર દુર્લભ અને બેનમૂન હોવાની સાથે પાટડીના ભવ્ય ભુતકાળને વાગોળે છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની સરહદોના ત્રિભેટે એક અડીખમ રક્ષણહાર તરીકે મજબુત કિલ્લેબંધીવાળા પાટડી નગરનું ઇતિહાસમાં ગૌરવવંતુ સ્થાન છે. પાટડીના ઇતિહાસની ગરીમાઓથી સદૈવ છલકાતા સ્વાતંત્ર્યપ્રેમ, શોર્ય, સંમર્પણ, સ્નેહ અને સત્કારની ઉષ્મામાં રહેલી છે. ત્યારે દેસાઇઓએ વર્ષો અગાઉ એક લાંબી અને વિકટ યાત્રા પંજાબથી શરૂ કરીને તે યાત્રાનો અંતિમ પડાવ વિરમગામથી નિકળીને પાટડીમાં કર્યો હતો.

એમની આ લાંબી અને વિકટયાત્રા સદીઓના ભંયકર સંઘર્ષની યાદ અપાવે છે. દેસાઇઓમાં સાહસ, શોર્ય, ધૈર્ય, મુત્સદીગીરી, ભક્તિ અને દાનવીરતાના ગુણોનો સંગમ રહેલો છે. તેનો સૈકાઓનો ઇતિહાસ સાક્ષી પુરે છે. ઇ.સ. 1741-સંવત 1797ના ચૈત્ર સુદ-2 શનિવારે દેસાઇ ભાવસિંહજીએ વિરમગામના માન સરોવરના સિધ્ધ પુરૂષ વિષ્ણુદત્તના આશિર્વાદ લઇ પાટડીમાં રાજગાદી સ્થાપી હતી. 200 વર્ષ સુધી પાટડીની અસ્મિતા ટકાવી રાખવામાં તેમજ તેના વિકાસમાં દેસાઇ રાજવંશનો ફાળો અતુલ્ય છે.

આ સમયગાળા દરમિયાન અવસાન પામેલા પાટડીના વિવિધ દેસાઇની યાદમાં પાટડી કલાડા દરવાજા બહાર ઐતિહાસીક બાપાના દેરાઓ આવેલા છે અને મૃત્યુ પામેલા કૂંવરોની યાદમાં આ ઐતિહાસીક દેરાઓની આગળ નાની-નાની દેરીઓ બનાવેલી છે. કલાકૃતિના ઉત્કૃષ્ટ નમુનારૂપ આ દેરાઓમાં વપરાયેલા પથ્થરો અતિદુર્લભ અને બેનમૂન છે.

આ અંગે શું કહે છે પાટડી રાજવી પરિવાર?
આ અંગે પાટડી સ્ટેટ કર્ણીસિંહજી કિશનસિંહજી દેસાઇ જણાવે છે કે, કદાચ પાટડીના મોટાભાગના લોકોને ખબર નહીં હોય કે, અગાઉ દરબારોની હયાતીમાં મૃત્યુ પામેલા રાણીઓની યાદમાં આ ઐતિહાસીક દેરાઓની પાછળ તુલસીના ક્યારા બનાવેલા છે.

પાટડી ગામની ઉત્તરે ઊંચાણવાળી ભૂમી પર પાટડીની ઇતિહાસ પ્રસિદ્ધ અજેય રાજગઢી આવેલી છે. જે ઊંચા બુરજોવાળા પથ્થરના મજબૂત કિલ્લાથી રચાયેલી છે. આ રાજગઢીની પૂર્વ દિશામાં એક વિશાળ તળાવ આવલું છે. જેનું પાણી તળાવ બાજુના રાજગઢના દક્ષિણ અને ઉત્તર છેડેથી રાજગઢીની આસપાસ દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં આવેલી 20 ફૂટ ઊંડી અને 40 ફૂટ પહોળી ખાઇમાં ફરી વળતું હતુ. રાજગઢીમાં પ્રવેશવા માટે પ્રથમ દરવાજા આગળ એક પુલ બાંધેલો હતો. લડાઇની કટોકટી વખતે આ પુલ સુરંગો વડે તોડી નાખવાની સાથે જ રાજગઢીની ચોતરફ પાણી જ પાણી થઇ જતુ હતુ.

ત્યારે રાજગઢી એક સુરક્ષિત ટાપુ બની રહેતી અને દુશ્મનો માટે રાજગઢીમાં પ્રવેશવુ અશક્ય બની જતુ હતુ. આમ, આ ઐતિહાસીક રાજગઢીની સંરક્ષણ વ્યૂહરચના જ એવી છે કે, હુમલો કરવા આવનાર દુશ્મનોના દાંત ખાટા થઇ જાય અને એમને પીછેહઠ કરી પોબારા ભણી પીછેહઠ કરવાની નોબત આવે. આજેય આ જર્જરીત ઐતિહાસીક રાજગઢી હવા સાથે વાતો કરતી પોતાના ભવ્ય ભૂતકાળને વાગોળે છે કે, ખંડહર બતા રહા હૈ કી ઇમારત કભી બુલંદ થી..!

શક્તિમાતાની પ્રાગટ્યભૂમી
પાટડી અને ધામાનું શક્તિ મંદિર એટલે શ્રધ્ધા, ભક્તિ અને માતૃત્વનો અનોખો સમન્વય. પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શક્તિમાતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો. રાજા કરણદેવે આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિમાતાએ એક રાતમાં 2300 ગામોને તોરણ બાધ્યાં હતા. જેમાં પહેલું તોરણ પાટડીના ટોડલે બાધ્યું હતુ અને દિ’ ઉગતા પહેલા છેલ્લુ તોરણ દિગડીયા ગામેં બાધ્યું હતું. આમ તેઓ 2300 ગામના ધણી કહેવાયા.

બે મહાશક્તિશાળી આત્માઓનું મિલન થયુ
હરપાળદેવ જેવા મહાપ્રતાપી રણવીરની જીવનસંગીની બનનારા શક્તિદેવી એક જાજલ્યવાન વિરાંગના હતી. એમના વિરત્વને જોઇને ભલભલા વિરલા પણ મોંમા આંગળા નાખી જતા. શક્તિદેવી એ પ્રતાપસિંહ સોલંકીની અખૂટ શક્તિ ધરાવતા નિડર અને પ્રતિભાવંતી પુત્રી હતા. એક શક્તિશાળી સ્ત્રી આપબળે સંસારની જગદંબા બની શકે છે એનું એક સચોટ ઉદાહરણ આ શક્તિદેવી હતાં. ગુજરાતમાં જે સમયે સોલંકી વંશના રાજાઓનું સાર્વભૌમત્વ હતુ. એ સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાયો છે. એવા સુવર્ણકાળમાં વિ.સં.1156માં મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં મખવાન (મકવાણા) વંશની સ્થાપના કરી હતી. હરપાળદેવ અને શક્તિદેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયુ હતું.

પાટડીમાં આવેલા ઐતિહાસિક દેરાઓની વિગત
દરબાર ભાવસિંહજી દેસાઈ- સવંત 1809
દરબાર નથુસિંહજી દેસાઈ- સવંત 1852
દરબાર હરિસિંહજી દેસાઈ- સવંત 1892
દરબાર કુબેરસિંહજી દેસાઈ- સવંત 1902
દરબાર જોરાવરસિંહજી દેસાઈ- સવંત 1931
દરબાર હિમ્મતસિંહજી દેસાઈ- સવંત 1940
દરબાર સુરજમલજીસિંહજી દેસાઈ- સવંત 1969
દરબાર દોલતસિંહજી દેસાઈ- સવંત 1990
દરબાર રઘુવીરસિંહજી દેસાઈ- સવંત 1992
પાટડીમાં આવેલી નાની દેરીઓની વિગત
કુમાર દેસાઈભાઇ જોરાવરસિંહજી દેસાઈ- સવંત 1892
કુમાર હરભેમજી હરિસિંહજી દેસાઈ- સવંત 1890
કુમાર કૃષ્ણસિંહજી દોલતસિંહજી દેસાઈ- સવંત 1983
કુમાર જયસિંહજી દોલતસિંહજી દેસાઈ- સવંત 1983
કુમાર વિજયસિંહજી દોલતસિંહજી દેસાઈ- સવંત 1975

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj