કાળઝાળ ગરમીમાં લોકો મારામારી પર ઉતરી આવ્યા: શહેરમાં 24 કલાકમાં બઘડાટીના પાંચ બનાવો

Crime | Rajkot | 09 May, 2024 | 04:03 PM
સામાન્ય વાતમાં પણ મગજ ગુમાવી લોકો કાયદો હાથમાં લેવા માંડ્યા: છરી અને ધોકા સાથે જાહેરમાં હુમલા કરી ગુનાને અંજામ આપે છે: ચુનારાવાડા, રાજમોતી મિલ પાસે, જડ્ડુસ હોટલ પાસે, વાલ્મીકિ આવાસ ક્વાર્ટરમાં અને મેટોડામાં મારામારી થતાં ઘાયલોને સારવારમાં ખસેડાયા: 11 વર્ષની બાળકીને પણ ઇજા પહોંચી
સાંજ સમાચાર

રાજકોટ. તા.09
કાળઝાળ ગરમીમાં લોકો સામાન્ય વાતમાં પણ મગજ ગુમાવી મારામારી પર ઉતરી આવતા હોય છે અને કાયદો હાથમાં લઈ છરી અને ધોકા સાથે જાહેરમાં હુમલા કરી ગુનાને અંજામ આપે છે. શહેરમાં 24 કલાકમાં ચુનારાવાડા, રાજમોતી મિલ પાસે, જડ્ડસ હોટલ પાસે, વાલ્મીકિ આવાસ ક્વાર્ટરમાં અને મેટોડામાં મારામારીના બનાવ બનતાં પોલીસ પણ દોડતી થઈ હતી.

બનાવની વિગત મુજબ, ચુનારાવાડા શેરી નં-2 માં રહેતો મહેશ રસિકભાઈ ચુડાસમા (ઉ.વ.24) ગઈ રામનવમીના દિવસે મિત્રની કાર લાવ્યો હતો. જે ગાડીમાં તેજ વિસ્તારમાં રહેતાં યુવાનો ગાડીના બોનેટમાં બેઠાં હોય જેથી મહેશે ગાડીમાંથી નીચે ઉતરી જવા કહ્યું હતું.

જે બાબતે માથાકૂટ થઈ હતી. બાદ ગઈ કાલે રાત્રિના તે ઘર પાસે પાનની દુકાને હતો ત્યારે અગાઉના ઝઘડાંનો ખાર રાખી  દીપો, રોહિત, કાનો અને અજાણ્યા શખ્સોએ હુમલો કરી છરી મારી દીધી હતી. જેથી યુવકને ઈજા પહોંચતા તેને તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

બીજાં બનાવની વિગત મુજબ, રોહીત વિજયભાઈ સોલંકી (ઉ.વ.23),(રહે.રાજમોતી મિલ પાસે ક્રિષ્ના હોટલની સામે) નામનાં યુવક પર અગાઉના ઝઘડાનો ખાર રાખી દસ જેટલા શખ્સો હુમલો કરી નાસી ગયા હતા. વધુમાં બનાવ અંગે રોહીતની માતાએ જણાવ્યું કે, અમારાં વિસ્તારમાં અગાઉ ઝઘડો થયો હતો. ઝઘડામાં રોહીત ત્યાં ઉભેલ હોય જેથી સામે વાળાને એવું લાગ્યું કે, રોહીત પણ તે ઝઘડામાં સામેલ છે.

જેથી ત્યારે રોહિતને સામેવાળા સાથે બોલચાલી થઈ હતી. જેનો ખાર રાખી ગઈ કાલ રાત્રિના બાદલ, ધનો, કમલ તથા અન્ય શખ્સો યુવકને ઉઠાવી જઈ ચુનારાવાડામાં લઈ જઈ યુવકને માર માર્યો હતો. ધનાએ છરીનો ઘા મારતાં યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રોહિત બે ભાઈમાં મોટો છે. અને તેઓને સંતાનમાં એક દિકરો છે. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ તુરંત દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવની વિગત મુજબ, કાલાવાડ રોડ જડ્ડસ હોટલ પાસે રહેતો પ્રવીણ સુરેશભાઈ રામ (ઉ.વ.35) નામનો યુવક નશાની હાલતમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢિકાપાટુનો માર મારતા યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

ચોથા બનાવમાં પેડક રોડ પર વાલ્મીકિ આવાસ ક્વાર્ટરમાં રહેતી તૃપ્તિ ગોપાલભાઈ સોઢા (ઉ.વ.11) નામની બાળકી પર તેના સામે રહેતાં પપ્પુભાઈ અને તેની પત્ની કોમલે હુમલો કર્યો હતો. આ અંગે તેના પરિવારજનોએ જણાવ્યું કે તેની સામે રહેતાં પપ્પુનો પુત્ર કારો બીજાં છોકરાઓને હેરાન કરતો હોય જેથી તૃપ્તિની માતા ભારતીબેને કારાને ઠપકો આપ્યો હતો. જેથી પપ્પુ અને તેની પત્ની કોમલે ધોકા વડે તૃપ્તિને માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે દોડી જઈ કાર્યવાહી કરી હતી.

પાંચમા બનાવમાં મેટોડા જીઆઈડીસી ગેઈટ-3 જ્યોતિ સીએનસી પાસે રહેતો દીપક પોલાભાઈ ચુડાસમા (ઉ.વ.32) નામનો યુવક ગઈકાલ રાત્રીના ભિમનગર ચોકમાં હતો. ત્યારે અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડી નાસી ગયા હતા. બાદમાં યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મેટોડા પોલીસને જાણ કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj