પ્રારંભમાં મેળવેલી સરસાઇ ભાજપે ઉમેદવાર સામે અસંતોષ, ક્ષત્રિય સમાજના વિરોધ સહિતના ફેકટરોના કારણે ગુમાવી દીધી હોય તેવા સંકેત

કાલે સાંજથી જાહેર પ્રચારના પડઘમ શાંત : મંગળવારના મતદાન પર હિટવેવનો ખતરો નિર્ણાયક બનશે

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 04 May, 2024 | 10:21 AM
◙ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રથમ વખત 25 બેઠકો પર મતદાન થશે : પ્રથમ વખત કોંગ્રેસની ત્રણ બેઠકોમાં હાજરી નહીં હોય અને ભાજપ હવે જીતની હેટ્રીક માટે પ્રારંભમાં આક્રમક બન્યા બાદ ધીમે ધીમે ડિફેન્સીવ પોઝીશન લેવી પડી
સાંજ સમાચાર

◙ કોંગ્રેસ માટે ઉમેદવારોની લડત જ મહત્વની બની : સંગઠનની નબળાઇ અને રાષ્ટ્રીય નેતૃત્વની ધારદાર હાજરીનો અભાવ આ પક્ષ માટે સમસ્યા યથાવત રહી : પ્રિયંકાએ જોકે આદિવાસી ક્ષેત્રમાં પહોંચીને ઉમેદવારોએ સર્જેલા વેવને  આગળ ધપાવવા કોશીષ કરી 

◙ ત્રણ દસકામાં પ્રથમ વખત ભાજપની સભાઓ અને કાર્યાલયના ઉદ્ઘાટનમાં વિરોધના કારણે વિઘ્નો સર્જાયા : રાજકોટ સહિતની બેઠકો પર ઉમેદવારોએ સંભાળી સંભાળીને પ્રચાર કરવો પડયો : આંતરીક અસંતોષની પણ ઇફેકટનો પાતળો અન્ડરકરંટ હોવાની શકયતા  

◙ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત ગુજરાતમાં ડેમેજ કંટ્રોલનું કામ કરવું પડયું : પક્ષે પણ પ્રચારને લો-પ્રોફાઇલ રાખ્યો : કેન્દ્રીય મંત્રીઓને સિલેકટેડ ઓડીયન્સ પાસે રજૂ કર્યા : નડ્ડા અને રાજનાથસિંહની સભાઓ યોજી પણ સેલીબ્રીટી પ્રચારથી ભાજપદુર રહ્યો

◙ મતદારોનો ઉત્સાહ મર્યાદિત : નેતાઓ અને રાજકીય પક્ષો માટે જ ચૂંટણી લડાતી હોય તેવો માહોલ : સુરતની બેઠક બીનહરીફ કરાવીને ભાજપે કોંગ્રેસને પ્રથમ પછડાટ તો આપી પણ તેના નેગેટીવ મેેસેજ પણ મતદારો પાસે ગયા : મની અને  મસલ્સ પાવરનો છૂપો ઉપયોગ જોવા મળ્યો 

રાજકોટ, તા. 4
લોકસભા ચૂંટણીના ત્રીજા તબકકામાં તા.7ને મંગળવારના યોજાનારી ગુજરાતની રપ સંસદીય બેઠક પર પ્રચારનો પડઘમ આવતીકાલે સાંજે શાંત થઇ જશે અને હવે ભારે ગરમી વચ્ચે મંગળવારનું મતદાન એ ભાજપ માટે તમામ 26 બેઠકો જીતવાના હેટ્રીકનું સર્જન કરશે કે રાજયમાં એક દસકા બાદ કોંગ્રેસ લોકસભામાં ખાતુ ખોલાવવા માટે નસીબદાર નીવડશે તેના પર સૌની નજર છે.

જોકે હવામાન વિભાગે આ સપ્તાહના અંતથી જબરા હિટવેવની આગાહી કરી છે અને હાલના દિવસોમાં જે રીતે સુર્યના આકરા તાપથી બપોરના સમયે માર્ગો પર અઘોષીત કફર્યુ જેવી સ્થિતિ થોડા કલાકો માટે સર્જાય જાય છે તે બાદ હવે મંગળવારે મતદાનના સમયે રાજયના મોટા ભાગના વિસ્તારોમાં ઉષ્ણતામાનનો પારો  35થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે અને તેથી છેલ્લા બે તબકકામાં જે રીતે દેશમાં મતદાન પર અસર થઇ છે તેવી જ અસર હવે ગુજરાતમાં થશે તેવા સંકેત છે અને તેથી દરેક બેઠક પર હારજીતના માર્જીનમાં પણ અસર થવાની શકયતા છે.

ભાજપ હવે પાંચ લાખની સરસાઇને એક બાજુ મુકીને અનેક બેઠકો પર પક્ષના ઉમેદવાર જીતી જાય એટલે ગંગ ન્હાયા જેવી માનસિકતા વચ્ચે વધુને વધુ મતદાન થાય તે માટે કાર્યકર્તાઓને બુસ્ટર ડોઝ આપી રહ્યો છે અને તે કેટલો સફળ નિવડશે તે પણ પ્રશ્ન છે. 

ગુજરાતમાં આ ચૂંટણીના પ્રારંભે ભાજપે સરસાઇ બનાવી દીધી હોય તેવા સંકેત હતા પરંતુ જેમ જેમ પ્રચારનો પ્રારંભ થયો તેમ ખાસ કરીને ભાજપના આંતરીક અસંતોષના કારણે વડોદરા અને સાબરકાંઠામાં ભાજપે ઉમેદવાર બદલવા પડયા તે પછી ક્ષત્રિય આંદોલન કે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિવાદી વિધાનોથી છેડાયું તે હવે  ગુજરાતભરમાં અનેક મહત્વપૂર્ણ બેઠક સુધી પહોંચી ગયું છે અને તેની અસર પણ મેદાન પર દેખાવા લાગી છે.

પ્રથમ વખત ગુજરાતમાં પ્રચાર સમયે કોઇ સમુદાયે ભાજપની સભાઓ કે કાર્યાલયના પ્રારંભમાં વિઘ્ન સર્જયુ હોય અને કાર્યક્રમ કે સંપર્ક મુલત્વી રાખવા પડયા હોય તેવું ત્રણ દસકામાં પ્રથમ વખત નોંધાયુ છે જોકે ક્ષત્રિય સમાજે પ્રારંભમાં તેમનો વિરોધ પરસોતમ રૂપાલા પુરતો મર્યાદિત રાખ્યો અને ભાજપે બાદમાં ઉમેદવાર બદલવાની માંગણી ન સ્વીકારતા ગુજરાતભરમાં જે રીતે ફેલાઇ ગયો તે પછી પણ આ સમુદાયે જે રીતે શાંત છતાં પણ જબરા અન્ડરકરંટ જેવો વિરોધ કર્યો છે તે સૌથી નોંધપાત્ર બની ગયો છે.

સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓમાં વિરોધ નહીં કરીને આ સમાજે એક સન્માન પણ મેળવ્યું છે પરંતુ પ્રથમ વખત ક્ષત્રિય સમાજની બહેનો માર્ગ પર આવીને વિરોધ કર્યો તે પછી  હવે ભાજપને ડેમેજ કંટ્રોલ કરવાના તમામ પ્રયાસોમાં લગભગ નિષ્ફળતા મળી છે આ સમાજનો રોષ કેટલો નુકસાન કરશે તે ભાજપને અંદાજ નથી તેથી જ અનેક બેઠકો પર બ્લાઇન્ડ ગેમ જેવી સ્થિતિ બની છે અને કોંગ્રેસને જેમ ગુજરાતમાં આઉટસોર્સ મુદ્દાઓથી ચૂંટણીમાં ફાયદા થાય છે તેવી સ્થિતિ 2024ની લોકસભા ચૂંટણીમાં થોડી બેઠકો પર પક્ષની આશાને ક્ષત્રિય સમાજે ટોનિક આપ્યું છે જે ખરેખર વિજય અપાવે છે કે પછી પરિણામ પર છાપ છોડી જાય છે તેના પર સૌની નજર છે. 

ગુજરાતમાં અગાઉની તમામ લોકસભા ચૂંટણી કરતા પ્રચાર લો-પ્રોફાઇલ રહ્યો છે, વડાપ્રધાન મોદીએ આખરી સપ્તાહ પૂર્વે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 6 સભાઓને સંબોધીને મતદારોમાં જે મોદી બ્રાન્ડ અને ખાસ કરીને ગુજરાતના નરેન્દ્રભાઇ મોદી તે જે એક નાતો છે તેને ફરી કરંટ આપવાની કોશીષ કરી જેથી ક્ષત્રિય આંદોલનથી લઇને ભાજપના ઉમેદવાર સામે જે અસંતોષ અને એન્ટીઇન્કમબન્સીની થોડી ઘણી અસર છે તેને પણ ડિસ્કાઉન્ટ કરવા કોશીષ કરી છે અને સમગ્ર દેશની જેમ ગુજરાતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરીશ્માને જ મહત્વ અપાયું છે અને ભાજપના ઉમેદવારોએ પણ પોતાના પ્રચારમાં ખાસ કરીને જયાં વિરોધ વધ્યો છે ત્યાં લો-પ્રોફાઇલ લઇને મોદી ફેકટરની અસર ઘટે નહીં તે જોવા વ્યુહ ઘડયો છે.

તો ભાજપ તરફથી પ્રારંભમાં કેન્દ્રીય મંત્રીઓને સિલેકટેડ ઓડીયન્સ સમક્ષ વિકસીત ભારતની થીમ પર પ્રચાર માટે મોકલ્યા તો ગૃહમંત્રી અમિત શાહ પોતાના વતન રાજયમાં પણ જામકંડોરણામાં પ્રવાસ કરીને આજે દક્ષિણ ગુજરાત સુધી સભાઓ સંબોધી છે, બીજી તરફ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી રાજનાથસિંહ ભાવનગર સહિત ગુજરાતમાં પ્રચાર કરી ગયા અને ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ ગઇકાલે કચ્છમાં ગાંધીધામ ખાતે રોડ-શો સાથે પ્રચારમાં હાજરી પુરાવી હતી.

કોંગ્રેસ તરફથી પક્ષના ઉમેદવારો જ સ્ટાર પ્રચારક રહ્યા છે અને સંગઠનની નબળાઇ છતાં પણ અનેક બેઠકો પર જે પડકાર સર્જયો છે તેનાથી કોંગ્રેસના સ્લીપીંગ મતદારો પણ ફરી સપાટી પર આવવા લાગ્યા છે અને તે મતદાન મથક સુધી પહોંચશે તો કદાચ પરિણામ પર અસર કરી શકે છે. કોંગ્રેસ પક્ષે ક્ષત્રિય સમાજના રોષનો ફાયદો મળે તે નિશ્ર્ચિત કર્યુ છે.

રાજકોટ લોકસભા બેઠક ફોકસ પર આવી ગઇ છે ત્યાં લેઉવા પાટીદાર અંગે જે પત્રિકા બહાર આવી તેનો લાભ કોંગ્રેસને જો રાજકોટ લોકસભા બેઠક પર મળશે તો કદાચ પરિણામ પર તેની અસર થઇ શકે છે, કોંગ્રેસ તરફ પ્રિયંકા ગાંધીએ સૌપ્રથમ વલસાડના ધરમનગરમાં પક્ષના લડાયક ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કર્યો અને બાદમાં આજે તેઓ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર માટે લખવીમાં એક રેલીને સંબોધન કરી રહ્યા છે.

આમ કોંગ્રેસ તરફથી જો આકર્ષક ગણી શકાય તો ફકત પ્રિયંકા ગાંધી જ આવ્યા. રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનો પ્રવાસ નિશ્ચિત થયા બાદ  રાયબરેલીમાં રાહુલ ગાંધીની ઉમેદવારીના કારણે તે અમદાવાદ પુરતો સીમીત રહ્યો. આજે શશી થરૂર વડોદરામાં પ્રચાર માટે આવ્યા છે અને આ રીતે કોંગ્રેસે સ્થાનિક ઉમેદવાર પર જ ચૂંટણી જીતી છે. 

સૌથી મહત્વનું એ છે કે, સુરત બેઠક પર જે રીતે ભાજપે બીનહરીફ વિજય મેળવ્યો તેની બંને તરફની ઇફેકટ જોવા મળી છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણીએ ફોર્મ પાછુ ખેંચીને અને ભાજપે અપક્ષો સાથે સમજુતી કરી તેવી ચર્ચા સાથે કોઇ હરીફ ઉમેદવાર મેદાનમાં ન રહે તે નિશ્ચિત કર્યુ તે લોકશાહી માટે સૌથી મોટી પછડાટ છે. આ ચૂંટણીમાં ભાગ્યે જ કોઇ લોકતંત્ર કે રાજકીય નૈતિકતા જોવા મળ્યા અને તેથી જ ગુજરાતનો ચૂંટણી પ્રચાર ખુબ જ શાંત છતાં અન્ડરકરંટવાળો બની ગયો છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj