રેરાનો હુકમ: મવડીના સિધ્ધેશ્વર ફલેટ્સમાં 60 દિવસમાં ઘટતી સુવિધા પૂરી કરવા આદેશ

Local | Rajkot | 04 July, 2024 | 05:26 PM
◙ બિલ્ડર સામે ફ્લેટધારકોએ ફરિયાદ કરી હતી, રેરામાં સમગ્ર કેસ ચાલતા એક ટીમે સાઇટની મુલાકાત લઈ બાકી કામો અંગે પુષ્ટિ કરી હતી
સાંજ સમાચાર

◙ બિલ્ડીંગો બનાવી વેચાણ કર્યા બાદ અમુક કામો બાકી રાખી દેતા બિલ્ડરો માટે ગુજરાત સ્ટેટ રેરાનો મહત્વપૂર્ણ ચુકાદો

રાજકોટ, તા.4
ગુજરાત રેરાએ મહત્વનો હુકમ કર્યો છે. મવડીના સિધ્ધેશ્વર ફલેટ્સમાં 60 દિવસમાં ઘટતી સુવિધા પૂરી કરવા આદેશ કર્યો છે. બિલ્ડર સામે ફ્લેટધારકોએ ફરિયાદ કરી હતી. જેમાં રેરામાં સમગ્ર કેસ ચાલતા એક ટીમે સાઇટની મુલાકાત લઈ બાકી કામો અંગે પુષ્ટિ કરી હતી. બિલ્ડીંગો બનાવી વેચાણ કર્યા બાદ અમુક કામો બાકી રાખી દેતા બિલ્ડરો માટે ગુજરાત સ્ટેટ રેરાનો આ મહત્વપૂર્ણ ચુકાદો છે.

આ અંગે રેરાએ કરેલા આદેશ મુજબ, શહેરના મવડી વિસ્તારમાં 80 ફુટરોડ પર જે.કે.સાગર વાટીકાની બાજુમાં આવેલા રામેશ્વર પાર્કના સિદ્ધેશ્વર ફલેટ્સમાં રહેતા દસ રહેવાસીઓ પ્રકાશભાઈ જેરામભાઈ આગોલા, નર્મદાબેન ગોરધનભાઈ ડોબરીયા, હિતેનભાઈ બચુભાઈ સાવલીયા, રમેશભાઈ હરસુખભાઈ મોણપરા, મહેન્દ્રભાઈ વિનુભાઈ મોણપરા, હરેશભાઈ વિનુભાઈ મોણપરા, અરૂણાબેન રજનીકાંત સાવલીયા, જયદીપ રમેશભાઈ કપુરીયા, જીજ્ઞેશભાઈ લાલજીભાઈ ગોંડલીયા, પરેશભાઈ લાલજીભાઈ કાપડીયાએ બિલ્ડીંગ બનાવનાર મેસર્સ જીપા ડેવલપર્સના પ્રોપરાઈટર મનહરસિંહ ગંભીરસિંહ જાડેજા (રહે.ગોપાલનગર મેઈન રોડ, રાજકોટ) વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.

ફરિયાદીના વકીલ તરીકે રેરાની સુનાવણી વખતે એડવોેકેટ આર.ડી.પટેલ રોકાયેલ હતા.ફરિયાદીના વકીલે લેખિત-મૌખિત દલીલો કરી હતી કે, સિદ્ધેશ્વર ફલેટસ પ્રોજેકટની રેરા ઓથોરીટી સમક્ષ નોંધાણી થઈ છે. પ્રોજેકટની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી અને પૂર્ણ થવાનું વર્ષ 2023 હતું.ફરિયાદીઓએ અવેજ રકમ ચુકવી ફલેટની વેચાણ દસ્તાવેજથી ખરીદી કરી છે.

જો કે, બાંધકામની કેટલીક કામગીરી બાકી રાખી છે. જેમાં આખા બિલ્ડીંગની દીવાલોમાં લાપી અસ્તર તથા કલર કામ કરવાનું બાકી છે. પાર્કીગમાં વાટાનું કામ બાકી છે. અગાસીમાં વાટાનું કામ બાકી છે. સિદ્ધેશ્વર ફલેટ્સના નામનું બોર્ડ લગાવી આપેલ નથી. લાદીકામ બાકી છે. કિચન તથા બાથરૂમનું કામ બાકી છે. બાથરૂમમાં પીઓપી લગાવી આપેલ નથી. સીડી રૂમમાં દરવાજો લગાવી આપેલ નથી.પાણીના ટાંકાની મોટર તથા પાણીની પાઈપનું કામ બાકી છે.ઈલેકિટ્રકની મોટર પાસે જાળી લગાવી આપેલ નથી.

ઉપર તથા નીચે સીડી લગાવી આપેલ નથી. આખા બિલ્ડીંગમાં વોશ એરિયામાં જાળી લગાવી આપેલ નથી. આખા બિલ્ડીંગમાં વોશ એરિયામાં વાટાનું કામ કરી આપેલ નથી. એન્ટ્રી ગેટનું કામ બાકી છે. બિલ્ડીંગમાં પ્લમ્બિંગનું કામ બાકી છે. નીચેના ટાંકામાં લાદી લગાવી આપેલ નથી ચોકડીનું કામ બાકી છે. ફાયરસેફટીનું કામ બાકી છે.

વપરાશ અંગેનું પ્રમાણપત્ર મેળવી આપેલ નથી વગેરે કામ કરેલ નથી.તેમજ ફાયર સેફટી અને વપરાશ અંગેનું પ્રમાણ પત્ર મેળવી આપેલ નથી.આમ ધી રીયલ એલ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) અધિનિયમ-2016 (જેને હવે પછી રેરા એકટ તરીકે સંબોધવામાં આવશે)ની કલમ-11(4)(એ)સાથે વાંચતા કલમ-14(3)અન્વયે ફરિયાદ દાખલ કરેલ છે.આક્ષેપોનો ઈન્કાર કરતા બચાવમાં પ્રમોટર જણાવે છે કે તેઓએ પ્રોજેકટને પુર્ણ કરી આપેલ અને રાજકોટ મહાનગપાલિકા તરફથી વપરાશ અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવેલ છે.

તેમજ પ્રમોટર સોસાયટીના એસોસિયેશનના નામનું રજીસ્ટર્ડ એસોસિએશન બનાવી આપેલ છે. ખાંતુ પણ ખોલાવી આપેલ છે. મેઈટેનન્સ ડિપોજીટની રકમ જમા કરાવી આપવાની રહે પરંતુ એલોટીઓએ મેઈટેનન્સ ડિપોજીટની રકમ નહી ચુકવી આપેલ હોવાનું સામાવાળા જણાવે છે અને એલોટીઓ સોસાયટીનો ચાર્જ સ્વિકારવા તૈયાર ન હોવાનું જણાવે છે.

ફરિયાદ રદ્દ કરવાની રજૂઆત છે.ફરિયાદ અંતે ફરિયાદ અંતે રેહાની ટીમે સ્થળ પરિક્ષણ કર્યું હતું.જે પછી બંને પક્ષની દલીલો ધ્યાને લઈ ફરિયાદી પક્ષના વકીલની દલીલો-પુરાવા માન્ય રાખી 60 દિવસમાં ફરિયાદમાં દર્શાવેલી ઘટતી તમામ કામગીરી જે થઈ નથી તે કરી આપવા બિલ્ડરને હુકમ કર્યો હતો.

હુકમ થતા જ બિલ્ડરે કલર કામ શરૂ કરાવી દીધું
રેરાના હુકમથી ચમત્કાર થયો હોય તેમાં આદેશ પછી બિલ્ડીંગમાં જે લાપી-કલરકામ બાકી હતું તેનું કામ શરૂ થઈ ગયાનું ફરિયાદીના એડવોકેટે જણાવ્યું હતું.ઉપરાંત હુકમ મુજબ અન્ય કામો પણ આગામી દિવસોમાં બિલ્ડરે કરી આપવું પડશે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj