રૂપાલાએ ફોર્મ ભરીને તેનું કામ કર્યું: ક્ષત્રિયો હવે પોતાનું કાર્ય કરશે: પી.ટી. જાડેજાનો ગર્ભિત ઇશારો

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 16 April, 2024 | 04:13 PM
ક્ષત્રિય સમાજે મોટું મન રાખવાની અપીલ ફગાવી: કોઇ સમર્થનમાં હોય તો નામ જાહેર કરવા રૂપાલાને પડકાર
સાંજ સમાચાર

રાજકોટ, તા.16
રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવીને ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ પોતાનું કામ કર્યું છે અને તેનો વિરોધ કરી રહેલો ક્ષત્રિય સમાજ હવે પોતાનું કામ કરશે તેવો ગર્ભિત ઇશારો ક્ષત્રિય અગ્રણી અને સમાજની કોર કમીટીના સભ્ય પી.ટી. જાડેજાએ કર્યો છે.

તેઓએ વાતચીતમાં કહ્યું કે મુખ્યમંત્રી સાથેની મોડી રાતની બેઠક નિષ્ફળ ગઇ હતી. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગને વળગી રહ્યો હતો. આજે રૂપાલાએ ફોર્મ ભરી દીધું છે. તેમણે પોતાનું કામ કર્યું છે. હવે ક્ષત્રિય સમાજ પોતાનું કામ કરશે. 19મી પછી આંદોલનનો પાર્ટ-ટુ શરૂ થશે અને તેની રણનીતિ સમાજની કોર કમીટીની બેઠકમાં ઘડાશે.

રૂપાલાની ટીકીટ રદ નહીં કરીને ભાજપ જીદ પર હોવાની ટકોર કરવાની સાથોસાથ તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે સમાજને ભાજપ સાથે કોઇ વાંધો નથી. વડાપ્રધાન મોદીનો ચાહક છે એટલું જ નહીં પાટીદાર કે અન્ય કોઇ સામે સામાજીક લેવલે પણ કોઇ વાંધો નથી. એક માત્ર રૂપાલાનો વિરોધ છે અને કોઇનો વ્યકિતગત નહીં પરંતુ સમગ્ર સમાજનો છે અને એટલે જ ટીકીટ રદ કરવાની માંગ અડગ છે.

ઉમેદવારી નોંધાવવા પૂર્વે રૂપાલાએ ક્ષત્રિય સમાજનું સમર્થન મળવાનો દાવો કરીને મન મોટું રાખીને અપીલ કરી છે તે વિશે પી.ટી. જાડેજાએ કહ્યું કે ક્ષત્રિય સમાજ રૂપાલાને મદદ નહીં કરે છતાં પણ રૂપાલા સમર્થન હોવાનો દાવો કરતા હોય તો નામ જાહેર કરે.

ક્ષત્રિય સમાજના રૂપાલા સામેના આ આંદોલનમાં ‘પડદા પાછળ’ કોઇ ન હોવાની ચોખવટ કરતા તેઓએ કહ્યું કે આ સમાજની જ લડાઇ છે. સંકલન સમિતિનું વલણ સરકાર પ્રત્યે ‘કુણું’ પડવાની ચર્ચા થાય છે તે બોગસ છે. જઓ આવું હોત તો સમાધાન થઇ ગયું હોત.

રાજકોટના મહાસંમેલનમાં લાખો લોકો ઉમટ્યા હતા. જમવા, ફુડપેકેટ, ડોમ કે કોઇ સગવડતા ન હોવા છતાં સ્વયંભૂ હાજરી હતી અને તે જ રૂપાલા સામે સમાજના આક્રોશની સાબિતીરૂપ હતી. સંમેલનમાં પણ સમાજના લોકોએ ‘વિશ્ર્વાસઘાત ગણાય’ તેવા કોઇ નિર્ણય નહીં લેવાની લાગણી દર્શાવી હતી. આ સંજોગોમાં સમાજની લાગણી અને સ્વમાનને કોઇ આંચ નહીં આવવા દેવાય. સમાજની સમિતિમાં કોઇ રાજકીય માણસ નથી અને સમાજના જ હિતમાં નિર્ણય લેશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj