રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાએ વાજતે-ગાજતે ભર્યુ નામાંકનપત્ર

રૂપાલા પરિવાર પાસે રૂા. 28.13 કરોડની સંપત્તિ, ત્રણ ફોજદારી કેસ

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 16 April, 2024 | 05:35 PM
પરસોતમભાઇ પાસે રૂ. 18.89 લાખ અને પત્ની સવિતાબેન પાસે રૂ. 9.13 લાખની હાથ પર રોકડ
સાંજ સમાચાર

► બીએસસી, બી.એડ. સુધીનો અભ્યાસ કરેલ છે : એક પણ વાહન પોતાના નામે નથી

► રૂા. 87,500ની વિદેશી બંદુક ધરાવે છે : ગાંધીનગરમાં 1.62 કરોડનો પ્લોટ

► ઇશ્વરીયા અને અમરેલીમાં કરોડોની કિંમતના જમીન-મકાન

રાજકોટ, તા. 16
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાએ આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશી સમક્ષ વાજતે ગાજતે પોતાનું નામાંકનપત્ર રજૂ કર્યુ હતું. તેની સાથે તેઓએ પોતાની આવક અને  સંપતિ જાહેર કરી સોગંદનામુ પણ રજૂ કર્યુ હતું. 

ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાએ નામાંકનપત્ર સાથે રજૂ કરેલા એફીડેવીડમાં પોતાની સ્થાવર અને જંગમ મિલ્કત જાહેર કરી છે. તે મુજબ રૂપાલા પરિવાર રૂા.28.13 કરોડના આસામી હોવાનું દર્શાવાયેલ છે. તેની સાથોસાથ પરસોતમભાઇ રૂપાલા સામે ત્રણ જેટલા ફોજદારી કેસ હોવાનો પણ ઉલ્લેખ જાહેરનામામાં કરવામાં આવેલ છે. 

પરસોતમભાઇ રૂપાલા પાસે રૂા.57964088 તેમજ તેમના પત્ની સવિતાબેન પાસે રૂા.57158798ની જંગમ મિલ્કત છે. જયારે સ્વપાર્જીત મિલ્કતમાં પરસોતમભાઇ પાસે રૂા. 33428809 અને તેમના પત્નીના નામે રૂા. 20061998ની મિલ્કત છે. આ ઉપરાંત પરસોતમભાઇની વારસાગત મિલ્કતમાં તેઓના નામે રૂા.2851490 અને તેમના પત્નીના નામે રૂા.2851490ની મિલ્કત છે.

પરસોતમભાઇ સામે ત્રણ જેટલા ફોજદારી કેસ ચાલુ વર્ષ દરમ્યાન  નોંધાયાનું પણ એફીડેવીડમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં ગોંડલ તાલુકા કોર્ટ, ગઢડા તાલુકા કોર્ટ અને રાજકોટ સીવીલ કોર્ટમાં આ કેસ નોંધાયા છે. જયારે પરસોતમભાઇ રૂપાલાના હાથ પર રૂા.1889486 અને તેમના પત્ની સવિતાબેનના હાથ પર રૂા.913858ની રોકડ છે.

આ ઉપરાંત  પરસોતમભાઇ રૂપાલાની અલગ અલગ બેંકોમાં રૂા.1886758 તેમજ તેમના પત્ની સવિતાબેનના નામે અલગ અલગ બેંકમાં રૂા.2691582ની થાપણ છે. આ ઉપરાંત પરસોતમભાઇ રૂપાલાએ વિમા કંપની અને પોસ્ટલ સેવિંગમાં રૂા. 21,16,540નું રોકાણ કરેલ છે. પરસોતમભાઇ રૂપાલા બીએસસી, બી.એડ. સુધીનો અભ્યાસ કરેલ છે. તેમની પાસે  એક પણ વાહન નથી. તેમના પત્નીના નામે પણ એક પણ વાહન નથી. 

આ ઉપરાંત પરસોતમભાઇ રૂપાલા પાસે રૂા.870589ના સોના-ચાંદીના દાગીના છે. જયારે તેમના પત્ની સવિતાબેન પાસે રૂા. 8811002ના સોના-ચાંદીના દાગીના છે. પરસોતમભાઇ રૂપાલા અમરેલીમાં કૃષિની 3 હેકટર જમીન ધરાવે છે. જેઓની બજાર કિંમત રૂા.2851490 થવા જાય છે. જયારે તેઓના નામે ઇશ્વરીયામાં પણ બીજી જમીન છે. જેની બજાર કિંમત રૂા.12794814 થવા જાય છે. જે બિનખેતી છે. આ બંને જમીન પરસોતમભાઇ રૂપાલાની માલીકીની છે. 

આ ઉપરાંત ઇશ્વરીયામાં તેઓ રૂા. 4348080ની કિંમતની જમીન ધરાવે છે. તેની સાથોસાથ તેઓના નામે ગાંધીનગરમાં પ્લોટ છે. જેની બજાર કિંમત રૂા.16285915 થવા જાય છે. આમ પરસોતમભાઇ રૂપાલા પાસે રૂા. 362802299 અને તેમના પત્ની સવિતાબેનના નામે રૂા.રર913488ની કિંમતના જમીન-મકાન છે. 

પરસોતમભાઇ રૂપાલા પાસે વિદેશી બંદુક પણ છે. જેની કિંમત રૂા. 87,500 છે. પરસોતમભાઇએ પોતાના વ્યવસાયમાં ખેતી, વ્યાજ અને જાહેર જીવન દર્શાવ્યું છે. પરસોતમભાઇ રૂપાલાએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશી સમક્ષ ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલા  એફીડેવીટમાં તેમના અને તેમના પત્નીના નામે રહેલી સ્થાવર-જંગમ મિલ્કતની વિગતો રજૂ કરી હતી.

પરસોતમભાઇએ  ચૂંટણી અધિકારી પ્રભવ જોશી સમક્ષ ફોર્મ રજૂ કર્યુ ત્યારે તેઓની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઇ બાવળીયા, ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, ભરતભાઇ બોઘરા, રમેશભાઇ ટીલાળા, રામભાઇ મોકરીયા, મોહનભાઇ કુંડારીયા, સાંસદ કેશરીદેવસિંહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ય હતા.

        કલેકટર કચેરીમાં માનવસાંકળ રચી રૂપાલાને એન્ટ્રી
►જિલ્લા ચૂંટણી અધિકારીના જાહેરનામાનું પાલન ન થયું
ભાજપના દિગ્ગજોએ કલેકટર કચેરીમાં જ મીડિયાને આપી બાઇટ : પાંચથી વધુ વ્યકિતઓને કલેકટર ચેમ્બરમાં પ્રવેશ

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારોના નામાંકનપત્રક માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા અગાઉથી જ જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું હતું જે મુજબ નામાંકનપત્ર રજૂ કરતા સમયે કલેકટર ચેમ્બરમાં માત્ર પાંચ વ્યકિતઓ અને ત્રણ કારને કલેકટર કચેરી ગ્રાઉન્ડમાં પ્રવેશ અપાશે તેવું જાહેર કરાયું હતું. 

પરંતુ આજે ભાજપના ઉમેદવાર રૂપાલાના નામાંકનપત્ર સમયે જિલ્લા ચૂંટણી અધિકારીના આ જાહેરનામાનું પાલન થવા પામેલ ન હતું. કલેકટરની ચેમ્બરમાં પાંચથી વધુ વ્યકિતઓને પ્રવેશ આપવામાં આવેલ હતો આ ઉપરાંત અનેક ગાડીઓ નામાંકનપત્ર સમયે કલેકટર કચેરીના ગ્રાઉન્ડમાં એન્ટ્રી લીધી હતી. 

તેની સાથોસાથ અનેક દિગ્ગજોએ કલેકટર કચેરીના પરીસરમાં જ મીડિયા કર્મચારીઓને બાઇટ આપી હતી. કલેકટર ચેમ્બરમાં નામાંકનપત્ર સમયે અધિક કલેકટર ચેતન ગાંધીએ પાંચથી વધુ વ્યકિતઓને ચેમ્બરની બહાર જવા આજીજી કરી હતી. પરંતુ કોઇ મહાનુભાવો માન્યા ન હતા. આ ઉપરાંત રૂપાલાએ નામાંકનપત્રક ભરતા સમયે કલેકટર કચેરીમાં એન્ટ્રી લેતા જ તેઓને માનવ સાંકળ રચી એન્ટ્રી આપવામાં આવી હતી. 

► કલેકટરને કિલ્લેબંધી : દરવાજા બંધ કરાયા
આઇકાર્ડ બતાવ્યા બાદ જ પ્રવેશ : ચેમ્બરની બહાર ધકકામૂકકી 
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાએ આજે તેમના ટેકેદારો અને ભાજપના હોદ્દેદારોની વિશાળ ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરી  દાવેદારી નોંધાવી હતી. આ પ્રસંગે ચાપતા પગલારૂપે પોલીસ દ્વારા કલેકટર કચેરીને કિલ્લેબંધી કરી તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. 

પોલીસના ધાડેધાડા ઉતરી પડી કલેકટર કચેરીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ હતો. કલેકટર કચેરીના દરવાજા મુલાકાતીઓ માટે પણ બંધ કરી દેવામાં આવેલ હતા. કલેકટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને મીડિયા કર્મચારીઓને આઇકાર્ડ બતાવ્યા બાદ જ પ્રવેશ અપાયો હતો. દરમ્યાન રૂપાલા કલેકટરની ચેમ્બરમાં ફોર્મ ભરવા જતા ચેમ્બરની બહાર ધકકામૂકકીના દ્રશ્યો સર્જાયા હતા.

►રૂપાલાએ 12.39ના વિજય મુહૂર્તના બદલે 11.21 કલાકે લાભ ચોઘડીયામાં ફોર્મ રજૂ કર્યુ
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાએ આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશી સમક્ષ 1ર.39 કલાકના વિજય મુહૂર્તના બદલે 11.21 કલાકે લાભ ચોઘડીયામાં પોતાનું ઉમેદવારીપત્રક રજૂ કરી ઉમેદવારી નોંધાવી હતી. 

આ પ્રસંગે કલેકટર કચેરી ખાતે ભાજપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉમટી પડયા હતા. જોકે  કલેકટર કચેરીમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના ધાડેધાડા અગાઉથી જ ઉતારી દેવામાં આવેલ હતા.  રૂપાલાના નામાંકન પત્રક સમયે કલેકટરની ચેમ્બરમાં રૂપાલા સાથે 9 મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj