ત્રણ દાયકા પહેલા બાંધકામ શાખામાં આસી.ઇજનેર તરીકે જોડાયેલા સાગઠીયા બાદમાં ટાઉન પ્લાનીંગ બ્રાન્ચના ‘કાયમી અધિકારી’ બની ગયા : સૌનો પ્રેમ જીતવાનો રેકોર્ડ

ટીપી શાખામાં બે દાયકાથી સાગઠીયાનું રાજ : ભાજપે TPOની ખુરશીનો ‘દસ્તાવેજ’ કરી દીધો!

Local | Rajkot | 03 July, 2024 | 04:24 PM
વિપક્ષનું નેતાપદ છીનવી લીધા બાદ શાસકોએ ‘ફિકસીંગવાળુ ’ ઇન્ટરવ્યુ લીધુ : કમિશ્નરે પાસ કર્યા અને પદાધિકારીઓએ માર્ક આપ્યા : ઇનહાઉસ ભરતીની પ્રથાએ કાળી ટીલી લગાવી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 3

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં સૌથી વધુ વર્ષ કલાસ-1ના ઇન્ચાર્જ ટીપીઓ તરીકે ફરજ બજાવનારા એમ.ડી.સાગઠીયાની ભરતી પૂર્વે નિયમોમાં ખાસ ફેરફાર કરીને માત્રને માત્ર આ પસંદગીના વર્ગ-1ના ગેઝેટેડ અધિકારીની ભરતી થાય તેવી તમામ વ્યવસ્થાઓ રાજકોટથી માંડી ગાંધીનગર બેસતા ભાજપના શાસકો અને નેતાઓએ કર્યાનું બહાર આવ્યું છે. કોર્પો.માં લગભગ ર9 વર્ષથી ફરજ બજાવતા સાગઠીયા કોર્પો.ની બાંધકામ શાખામાં આસી.ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા અને બાદમાં બે દાયકાથી ટીપી શાખામાં ‘કાયમી’ થઇ ગયા હતા!

ભાજપના પાંચ વર્ષના શાસનમાં પ્રથમ અઢી વર્ષની ટર્મમાં તેઓની પસંદગી થઇ હતી. આ સમયે મેયર તરીકે ડો.પ્રદીપ ડવ, ડે.મેયર તરીકે ડો.દર્શિતબેન શાહ, સ્ટે.ચેરમેન તરીકે પુષ્કર પટેલ, શાસક નેતા તરીકે વિનુભાઇ ઘવા હતા. તેઓની પસંદગી સમિતિએ કમિશ્નરની ચોઇસ પર ઓકેનો સિકકો મારી દીધો હતો. એકટ મુજબ વિપક્ષી નેતા ઇન્ટરવ્યુમાં બેસી શકે છે. પરંતુ શાસકોએ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીનું આ પદ અને ચેમ્બર છીનવી લીધા બાદ  થોડા દિવસોમાં જ ઇન્ટરવ્યુ ગોઠવાયો હતો તે ઉલ્લેખનીય છે. 

એમ.ડી.સાગઠીયા 12 વર્ષથી એટલે કે 1 એપ્રિલ, ર01રથી ઇન્ચાર્જ ટીપીઓ તરીકે ફરજ બજાવતા હતા. આ ટીપીઓની ફુલટાઇમ જગ્યા ત્યારે જ ભરવામાં આવી કે જયારે તેઓને જ નિમણુંક આપવાનું નકકી થયું! આ માટે ખાસ ઇનહાઉસ ભરતી કરાઇ હતી એટલે કે બહારના કોઇ અધિકારી અરજી કરી ન શકે તેવો નિયમ બહાર પડાયો હતો. આ વખતે અરજી કરનાર પણ આ એક માત્ર અધિકારી હતા. તા.6-7-23ના રોજ મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસક નેતા, ચીફ ઓડિટરની સિલેકશન કમીટીને પૂર્વ કમિશ્નરે એમ.ડી.સાગઠીયાનું નામ ફાઇનલ કરીને મોકલ્યું હતું. આ પૂર્વે થોડા દિવસે જ શાસકોએ વિપક્ષોનું નેતા પદ અને ચેમ્બર છીનવી લીધા હોય, વિપક્ષી નેતાને પાપમાં ભાગીદાર થવામાંથી છેટુ રહી ગયું હતું. શાસકોના ઇન્ટરવ્યુ બાદ વર્ગ-1ના ગેઝેટેડ અધિકારીની નિમણુંક જનરલ બોર્ડમાં 19-7-23ના રોજ ઠરાવ પાસ કરી લેવામાં આવ્યો હતો. વળી, આ પદ માટે 45 વર્ષની મર્યાદા ભુલીને પપ વર્ષના અધિકારીને તક આપવા પણ કાગળ પર ગોઠવણ કરાઇ હતી.

જોકે અગાઉ ટીઆરપી અગ્નિકાંડમાં કોઇ પણ જવાબદાર હોય તેમની સામે કાર્યવાહી કરવા અને પોતાની કોઇ પણ ભૂમિકા સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવા મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ મેયર પ્રદીપ ડવ, પૂર્વ ચેરમેન પુષ્કર પટેલ, પૂર્વ ધારાસભ્યો, હોદ્દેદારો તૈયારી દર્શાવી ચૂકયા છે તે ઉલ્લેખનીય છે.સ્થાનિક સ્વરાજયની સંસ્થા પાસે ઘણા સ્વતંત્ર અધિકારો હોય છે. તેનો ઉપયોગ કરીને ભુતકાળમાં પણ આસી. કમિશ્નર સહિતના અધિકારીઓની ઇનહાઉસ ભરતી કરવામાં આવી છે તે ઉલ્લેખનીય છે. 

ટીપીઓ સાગઠીયાની ભરતી ગેરકાયદે હોવાની ચર્ચા વચ્ચે 10 વર્ષ સુધી મનસુખ સાગઠીયા ઇન્ચાર્જ તરીકે કામ કરત રહ્યા હતા. જે તે સમયે પૂર્વ વિપક્ષી નેતા અને હાલના કોંગી પ્રમુખ અતુલ રાજાણીએ આટલો લાંબો સમય કઇ રીતે ઇન્ચાર્જને ટીપીઓનો ચાર્જ ચાલુ રખાયો તેની સતત રજુઆત કરી હતી. આ બાદ તેમને કાયમી કરવામાં ભાજપના ટોચના નેતાઓની ભૂમિકા પણ શંકામાં આવી ગઇ છે. સૌ પહેલા તો આ ફિકસીંગ માટે ભરતીના નિયમો જ ફેરવી નંખાયાનું બહાર આવ્યું છે. પરંતુ તંત્ર ઇનહાઉસ ભરતી સહિતની પ્રક્રિયા માટે નિયમ બદલાવી શકતી હોય છે.
 તેનો લાભ લઇને સાગઠીયાને આ હોદ્દા પર કાયમી કરી દેવાયા હતા. 

ટાઉન પ્લાનીંગ ઓફિસરની ભરતી માટે પદાધિકારીઓએ સાગઠીયાનો ઇન્ટરવ્યૂ લીધો હતો. તથા ઉંમરના ધારાધોરણ પણ નેવે મૂકી દેવાયા હતા. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. રાજકોટના ઈતિહાસમાં કોઈ ભ્રષ્ટ અને કલાસ-વન અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકતો છે. એસીબીએ તપાસ શરૂ કરતાં 2012ની સાલથી લઈ 2024ની સાલ દરમિયાન સાગઠીયાએ તેની દેખીતી આવક કરતાં ભ્રષ્ટ રીતરસમો અપનાવી રૂ.10.55 કરોડની અપ્રમાણસર મિલકતો એકત્રિત કર્યાનું બહાર આવતાં ગુનો દાખલ કર્યો હતો અને રીમાન્ડમાં વધુ  ધડાકાભડાકા થાય તેમ છે.

►પૂર્વ ટીપીઓ સાગઠીયાને મળવા ગયો નથી : સીસીટીવી ચેક કરી લો : કોર્પોરેટર હિરેન ખીમાણીયાની સ્પષ્ટ વાત

દરેક જગ્યાએ સીસીટીવી કેમરા હોય છે : કોઇ પણ જગ્યાએ ચકાસણી કરવા જાતે માંગણી કરી

રાજકોટ, તા. 3
મનપાના સસ્પેન્ડ થયેલા અને એસીબીની રીમાન્ડ પર રહેલા પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠીયાને ત્યાંથી ગઇકાલે કરોડોનો દલ્લો મળ્યા બાદ હવે ઉંડી પુછપરછ શરૂ થઇ છે ત્યારે આ અધિકારીને લોકઅપમાં મળવા ગયાના અહેવાલ ચર્ચામાં આવતા વોર્ડ નં.1ના ભાજપના કોર્પોરેટર હિરેન ખીમાણીયાએ આ વાતને તદન ખોટી ગણાવી સાચી વાત જાહેર કરવા સામેથી પડકાર ફેંકયો છે.
પોલીસ લોકઅપમાં પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરા અને કોર્પોરેટર હિરેન ખીમાણીયા સાગઠીયાને મળ્યાની વાત ચર્ચાવા લાગી હતી. આ અંગે આજે કોર્પોરેટરે ‘સાંજ સમાચાર’ને જણાવ્યું હતું કે તેઓ કયારેય લોકઅપમાં અધિકારીને મળવા ગયા નથી. આ વાતમાં કોઇ તથ્ય નથી. દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા જ હોય છે. ખુદ પોલીસે કેમેરા ચકાસીને સત્ય જાણવું જોઇએ. નજીકના સીસીટીવી કેમેરામાંથી પણ રેકોર્ડિંગ મળે તો તે પણ ચકાસવાની માંગણી તેમણે ખુદ કરી છે. પૂર્વ ટીપીઓ સાથે તેમને કોઇ સંપર્ક નથી. તેઓ મળવા ગયાની વાત કઇ રીતે ઉડી તે પણ જાણતા નથી. છતાં વિવાદ થતા હિરેન ખીમાણીયાએ સામેથી આ ચર્ચા અંગે તપાસ કરવા સૂચન કર્યુ છે. આ રીતે તેઓએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાની હિંમતભરી વાત પણ કરી દીધી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj