રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ‘સાંજ સમાચાર’ની મુલાકાતે

બહેન-દિકરી-પ્રજાના સ્વાભિમાનની લડાઇ ‘લડવા આવ્યો છું:’ પરેશ ધાનાણી

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 17 April, 2024 | 04:42 PM
◙ મોંઘવારી-બેકારી-મોંઘુ શિક્ષણ-ભૂમાફીયા- કાયદો વ્યવસ્થા જેવી પાયાની સમસ્યાને ઉકેલવાને બદલે ભાજપને સત્તાનું અભિમાન
સાંજ સમાચાર

◙ ભાજપે ધાકધમકી-સત્તાના દુરૂપયોગ સાથે કટોકટી જેવી હાલત સર્જી દીધી છે: કોંગ્રેસ પ્રજાને ‘પીડા મુક્તિ’ અપાવશે

◙ મુળભૂત સમસ્યા ભુલાવીને વર્ગ વિગ્રહના આધારે જીત મેળવવાનું ભાજપનું ષડયંત્ર હોવાનો આરોપ

રાજકોટ, તા.17
દેશની તમામ દિકરી-બહેનો-મહિલાઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડતા વિધાનો અને 20-20 દિવસથી આંદોલન છતાં ભાજપે ઉમેદવાર બલ્યા નથી ત્યારે વ્યકિતગત કે ક્ષત્રીયને બદલે પ્રજાના સ્વાભિમાનની લડાઇ લડવા માટે રાજકોટ આવ્યો હોવાનો હુંકાર પરેશ ધાનાણીએ કર્યો છે. દેશમાં પરિવર્તનની દિશા નક્કી કરવામાં રાજકોટ નિમિત્ત બનવાનો દાવો કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં.

રાજકોટની લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા-ધારાસભ્ય એવા પરેશ ધાનાણીએ આજે ‘સાંજ સમાચાર’ની શુભેચ્છા મુલાકાત દરમ્યાન સ્પષ્ટ કર્યું હતું કે છેલ્લા બે દાયકામાં કોંગ્રેસે ઘણું આપ્યું છે અને કૌટુંબિક-સામાજિક જવાબદારીઓને કારણે લોકસભાની ચૂંટણી નહીં લડવાનું અગાઉ જ નેતાગીરીને જણાવી દીધું હતું પરંતુ હવે મહિલાઓ તથા પ્રજાના સ્વાભિમાનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે અને સતાના અહંકારમાં ભાજપ પ્રજાકિય સ્વાભિમાનને કચડી રહ્યો છે ત્યારે ના છૂટકે ચૂંટણીના મેદાનમાં આવું પડ્યું છે અને તેમાં ‘જંગ જીતીને ઝપવાનો’ નિર્ધાર છે.

ભાજપ પર વેધક પ્રહાર કરતાં તેઓએ કહ્યું કે ભાજપ ઉમેદવારે બહેન-દિકરી-મહિલાઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડતા વિધાનો કર્યા છે તે સામે 20-20 દિવસથી આંદોલન ચાલતું હોવા છતાં ભાજપ નેતાગીરી તેમના સમર્થનમાં છે. પ્રજાની એક માત્ર માંગ ન સ્વીકારીને ‘મૂક સંમતિ’ આપ્યાની છાપ છે. આ સમગ્ર ઘટનાક્રમ વર્ગ વિગ્રહ  ઉભો કરવાના ષડયંત્રનો ભાગ છે અને તે રોકવાના ઇરાદા-ઉદ્ેશ સાથે રાજકોટથી ચૂંટણી જંગમાં ઝુકાવવાનું નક્કી કર્યું છે.

રાજકોટનો ચૂંટણી જંગ રૂપાલા સામે નથી કે ભાજપ સામે અથવા કોઇપણ પક્ષો સામે નથી પરંતુ સ્વાભિમાન માટેની લડાઇ છે. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ડો. બાબા સાહેબ આંબેડકર જેવા રાષ્ટ્રીય નેતાઓએ દેશની બંધારણીય લોકશાહીના આધારે આપેલા પ્રજાકીય અધિકાર-સ્વાભિમાનનો જંગ છે.

ભાજપ દ્વારા મુળભૂત મુદાએ સમસ્યાઓ ભૂલાવીને વર્ગવિગ્રહના આધારે રાજકીય રોટલા શેકવા અને સત્તા હાંસલ કરવાનું ષડયંત્ર બનાવવામાં આવ્યું છે. મોંઘવારી, મંદી, બેરોજગારી, કાયદો વ્યવસ્થા, ભૂ-જમીન માફીયા, મોંઘા શિક્ષણ જેવા મૂળ પ્રશ્ર્નોને હાંસિયામાં ધકેલી દઇને સત્તાના અભિમાન સાથે રાજકીય ખેલ નાખવામાં આવી રહ્યો છે. આ માટે એનફોર્સમેન્ટ ડીરેેક્ટોરેટ, સીબીઆઇ, પોલીસ જેવી સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને પ્રજાકીય અવાજ પણ દબાવી દેવામાં આવી રહ્યો છે. કટોકટી જેવી હાલત સર્જી દેવામાં આવી છે અને લોકોને ભ્રમિત કરીને અથવા ધાકધમકીના જોરે મત મેળવવામાં આવી રહ્યા છે.

સત્તાનો દુરુપયોગ કરીને ‘ભાજપના નેતાઓ તગડા થવાની સામે સામાન્ય લોકો-પ્રજા કમજોર’ થઇ રહ્યાનો આરોપ લગાવતા પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપનો ખેસ પહેરનારને ભ્રષ્ટાચારનો પીળો પરવાનો મળી જાય છે. ત્યારે સામાન્ય લોકો સ્વાભિમાનનો રોટલો ખાતો થાય, ગૃહિણી-મહિલાઓને રસોડાની મોંઘવારીમાં રાહત મળે, શિક્ષિત સહિતના બેરોજગાર નવયુવાનોને રોજગારી માટે અને સર્વાંગી વિકાસ થાય તથા મુળભૂત પ્રશ્નો દૂર કરવાના ઉદેશ સાથેનો આ જંગ રહેશે. સત્તા પક્ષથી પીડીત પ્રજાના અવાજને વાચા આપવાની તથા લોકશાહી બચાવવા સાથે દેશના ભવિષ્યને બચાવવાની આ લડાઇ છે.

કોંગ્રેસના નેતાએ એવો દાવો કર્યો હતો કે આ વખતે પ્રજા મતરૂપી શસ્ત્રની ધારથી ભાજપનો અહંકાર ભાંગી નાખશે અને ભાજપને મુળ સ્થાન બતાવી દેશે. પરિવર્તન સાથે કોંગ્રેસને જીત અપાવશે.

પરેશ ધાનાણીની આ મુલાકાત દરમ્યાન કોંગ્રેસના શહેર પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ નેતા ભીખુભાઇ વારોતરીયા, પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા, જસવંતસિંહ ભટ્ટી, વશરામ સાગઠીયા, ગોપાલ અનડકટ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

પાંડવોએ માત્ર પાંચ ગામ માંગ્યા હતા, ક્ષત્રિયોએ એક જ માંગણી કરી છે; મહાભારતનું પુનરાવર્તન થશે
દેશમાં પરિવર્તન માટે રાજકોટની બેઠક નિમિત બનશે

રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણીએ વિજયના વિશ્વાસ સાથે મહાભારતનું પુનરાવર્તન થવાનો રણટંકાર કર્યો હતો. કૌરવો અભિમાનમાં રાચતા હતા. પાંડવોને પાંચ ગામ આપવાનો પણ ઇન્કાર કરી દીધો છે. ક્ષત્રિયોએ પણ એક જ માગણી કરી હતી કે રૂપાલાની ટીકીટ રદ કરો. 20-20 દિ’થી ચાલતા આંદોલનનું કોઇ પરિણામ આવ્યું નથી જ્યારે હવે મહાભારતનું પુનરાવર્તન થવાનું નિશ્ચિત છે. આ યુદ્ધમાં વિરાટ કૌરવસેનાને પાંડવોએ હરાવી દીધી હતી. રાજકોટની પ્રજા પણ ભાજપનો અહંકાર ભાંગી નાખશે અને મતરૂપી શસ્ત્રથી જવાબ આપશે.

તેઓએ એમ કહ્યું કે ભાજપની સત્તા લાલસા અને અભિમાન માત્ર રાજકોટ પુરતી સીમિત નથી. દેશવ્યાપી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં પરિવર્તન થવાનું નિશ્ચિત  છે અને પરિવર્તનની આ દિશા નક્કી કરવામાં રાજકોટની બેઠક નિમિત બનશે.

લોકસભા ચૂંટણીમાં પ્રચારનો નગારે ઘા કરવા પૂર્વેથી જ પરેશ ધાનાણી ટ્વિટ-સોશ્યલ મીડિયા પર સ્વાભિમાનના જંગ તથા યુધ્ધ એ જ કલ્યાણ-મહાભારતના સંદેશાઓ રજુ કરતા રહ્યા છે. તેઓએ કહ્યું કે સોશ્યલ મીડિયાના તમામ ટ્વિટ પોતે જ કરે છે. પોતાને વાંચન-લેખનનો ઘણો શોખ છે.

 

રાજકોટ સહિત ગુજરાતભરમાં ભાજપમાં ‘આંતરિક દાવાનળ’: ધાનાણીની ધણધણાટી
ભાજપના કાર્યકરે સાફ કરેલી ખુરશી પર વિપક્ષમાંથી ઘુસેલા બેસી જાય છે

પરેશ ધાનાણીએ એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપમાં જબરદસ્ત આંતરિક દાવાનળ ધગધગી રહ્યો છે. પાયાના કાર્યકરો-આગેવાનોમાં પ્રચંડ નારાજગી છે. ભાજપના કાર્યકરોએ સાફ કરેલી ખુરશી પર વિપક્ષમાંથી લેવાયેલા-ઘુસેલા નેતાઓ બેસી જાય છે. માત્ર રાજકોટ જ નહીં અમરેલી, મહેસાણા, વલસાડ સહિતના ભાગોમાં જબરો આંતરિક અસંતોષ છે. સરપંચથી માંડીને સાંસદ અને કોર્પોરેશનથી માંડીને કેન્દ્ર સુધી ભાજપનું શાસન હોવા છતાં પ્રજાની અપેક્ષા પૂર્ણ થતી નથી. ભાજપ લોકોના સશક્તિકરણ માટે નહીં પરંતુ સશક્તિકરણ જ કરે છે. બેરોજગાર યુવાનોને નોકરી નથી મળતી સગાવાદના આધારે બેકારોનું આઉટ સોર્સિંગ કે ફીક્સ-પેના નામે શોષણ કરવામાં આવે છે.

 

હું તમારો જવતલીયો ભાઇ છું
પરેશ ધાનાણીના આશ્વાસન બાદ ક્ષત્રિય બહેનોનું છડેચોક સમર્થન
અમે લડત લડી અંતર મનથી થાકી ગયા છીએ: ક્ષત્રિય બહેનો
રાજકોટ, તા.17

રાજકોટ લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ રાજકોટથી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. તેઓએ સૌ પ્રથમ આશાપુરા માતાજીના મંદિરે જઇ માતાજીના આશિર્વાદ મેળવ્યા હતા. જ્યાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પરેશ ધાનાણીના  ઓવારણા લીધા હતા. કેટલીક ક્ષત્રિય બહેનો ભાવુક પણ બની ગઇ હતી.

આ તકે પરેશ ધાનાણીએ ક્ષત્રિય બહેનોને ન્યાય અપાવવા અંગે આશ્વાસન આપ્યું હતું અને કહ્યું કે હું તમારો જવતલીયો ભાઇ છું ચિંતા ન કરતા હું તમારી સાથે છું. આ સાંભળી ક્ષત્રિય બહેનો ભાવુક થયા હતા. ક્ષત્રિય બહેનોએ જણાવ્યું કે, અમે હવે લડત લડી અંતરમનેથી થાકી ગયા છીએ. અત્યાર સુધી અમે કોઇ પક્ષ સાથે જોડાયેલ ન હતા તેમજ કોઇ પક્ષ વિરુધ્ધ ન હતા પરંતુ પરેશભાઇના આશ્વાસને અમને ભાવુક કરી દીધા છે. અમે પરેશભાઇને ભાઇ માન્યા છે આથી બહેન ભાઇને સપોર્ટ શા માટે ન કરે? આગામી દિવસોમાં પરેશભાઇને છડેચોકે સમર્થન જાહેર કરીશું.

ઘરની બે દિકરી કરતાં દેશની કરોડો મહિલાના સ્વાભિમાનને પ્રાથમિકતા
કોંગ્રેસ  નેતાએ કહ્યું કે કૌટુંબિક જવાબદારીને કારણે પાંચ વર્ષ ચૂંટણીથી દુર રહેવાનું નક્કી કર્યું હતું. ઘરની બે દિકરીઓને પરણાવવા સુધીની જવાબદારી છે પરંતુ જ્યારે દેશની લાખો કરોડો બહેનો-દિકરીઓનાં સ્વાભિમાન પર ઘા થયો હોય ત્યારે ઘરની બે દિકરીની જવાબદારીની ચિંતા કરવાને બદલે દેશહિત માટે ચૂંટણી લડવાનું નકકી કર્યું છે.

શામ-દામ-દંડ-ભેદની નીતિથી ભાજપ પક્ષપલ્ટો કરાવે છે: જનતા જવાબ આપશે
ચૂંટણી પૂર્વે અર્જુન મોઢવાડિયાથી માંડીને અર્જુન ખાટરીયા સુધીના નેતાઓએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ પહેર્યા સંબંધી સવાલ પર કોંગ્રેસના નેતાએ કહ્યું કે ભાજપ શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને નેતાઓનો પક્ષપલ્ટો કરાવી રહ્યો છે પરંતુ પ્રજા બધુ જાણે છે. ભાજપનો સત્તાનો અહંકાર ભાંગશે અને મતરૂપી શસ્ત્રની ધારથી જવાબ આપશે, પરિવર્તન સર્જશે.

ચૂંટણીમાં જીતીશ અને પ્રજાનો ‘સાથી’ બનીને રાજકોટમાં જ રહીશ
પરેશ ધાનાણીએ કહયું કે સ્વાભિમાન-લોકશાહી બચાવવાના આ જંગમાં વિજય મળવાનો વિશ્વાસ છે. ભાજપના ઉમેદવારની જેમ પોતે પણ અમરેલીથી ચૂંટણી લડવા રાજકોટ આવ્યા છે. રાજકોટની બેઠક પર પરિવર્તન થઇને જ રહેશે. પ્રજાની લાગણી-સમર્થન મળી રહ્યા છે છતાં પરિણામ ગમે તે આવે પોતે આવનારા સમયમાં પ્રજાના સાથી બનીને રાજકોટમાં જ રહેશે. લોકસભા ચૂંટણી લડવાનું જાહેર કરતા પૂર્વે પોતે એમ કહ્યું કે પોતે કોંગ્રેસના ઉમેદવારના ‘સારથી’ બનશે પરંતુ હવે મેદાને જંગમાં ઉતરવા સાથે હવે ‘પ્રજાના સાથી’નો રોલ નિભાવશે અને કાયમી ધોરણે રાજકોટની પ્રજાની પડખે રહેશે.

19મીએ ઉમેદવારી નોંધાવીશ
કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાના અંતિમ દિવસે અર્થાત તા.19મી એપ્રિલે ઉમેદવારી નોંધાવવાનું પરેશ ધાનાણીએ કહ્યું હતું. આ તકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના પ્રદેશ-સ્થાનિક નેતાઓ-આગેવાનો-કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj