ક્ષમા વીરસ્ય ભૂષણમના ક્ષાત્રધર્મને સાર્થક કરી ક્ષત્રિય સમાજ ભાજપાને સમર્થન આપી ઉદારતા દાખવે : ક્ષત્રિય સમાજના અગ્રણીઓની હૃદયપૂર્વક અપીલ

Gujarat, Lok Sabha Election 2024 | 05 May, 2024 | 02:36 PM
ક્ષત્રિય સમાજને ત્યાગ અને બલિદાનની પ્રતીતિ કરાવવા ભાજપાના પ્રદેશ અગ્રણીઓની ક્ષત્રિય સમાજને હૃદય પૂર્વકની અપીલ કરી કરતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ,આઈ.કે.જાડેજા, મહેન્દ્રસિંહ સરવૈયા, બળવંતસિંહ રાજપૂત, પ્રદીપસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, કેસરીદેવસિંહ ઝાલા, હકુભા સહિતના આગેવાનો
સાંજ સમાચાર

ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વર્ષની સંસ્કૃતિના પુનર્જાગરણ સાથે કલમ 370 ની નાબૂદીનો સંકલ્પ સાકાર થતા રાષ્ટ્રીય અખંડિતતાની સિદ્ધિ પણ સાકાર થઈ છે. આગામી વર્ષોમાં પણ સમગ્ર વિશ્વમાં ભારતને 'વિશ્વ ગુરુ' બનાવવાની શરૂ થયેલી પ્રક્રિયામાં શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપવા ભારતીય જનતા પાર્ટીના તમામ ક્ષત્રિય આગેવાનોએ ક્ષત્રિય સમાજને હૃદય પૂર્વકની અપીલ કરી છે.

આ તમામ ક્ષત્રીય આગેવાનોને જણાવ્યું છે કે શ્રી પુરુષોત્તમ રૂપાલાજીના નિવેદનથી દુઃખ અને આઘાત ક્ષત્રિય સમાજને લાગ્યા છે એટલો જ આઘાત ભાજપના ક્ષત્રિય આગેવાનો અને કાર્યકર્તાઓને પણ લાગ્યો છે. સૌના આઘાતની આ લાગણીને તુરત જ ધ્યાનમાં લઈને ખરા દિલથી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ એક કરતાં વધુ વખત પોતાના વિધાન બદલ દિલગીરી વ્યક્ત કરી ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે. શ્રી રૂપાલાએ એમ પણ કહ્યું છે કે -'ભૂલ મેં કરી છે; તો તેની સજા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને શા માટે કરો છો?'એમ કહીને પણ શ્રી રૂપાલા એ વારંવાર માફી માંગી છે ત્યારે રાષ્ટ્રહિતમાં ક્ષત્રિય સમાજે પણ ઉદારતા દાખવી 'ક્ષમાં વિરસ્ય ભૂષણમ'ના ક્ષત્રિય ધર્મને સાર્થક કરી માફી આપી પોતાની ગૌરવવંતી પરંપરા સાથે ત્યાગ અને બલિદાનની ભાવનાની પણ પ્રતીતિ કરાવવી જોઈએ.

ભારતીય જનતા પક્ષના ક્ષત્રિય સમાજના પ્રદેશ અગ્રણીઓ સર્વ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ. કે. જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, માંધાતા સિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા (રાજ્ય સભા સભ્ય) બળવંતસિંહ રાજપૂત (મંત્રીશ્રી), જયદ્રથસિંહ પરમાર, મહેન્દ્રસિંહ સરવૈયા ( પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ), કિરીટસિંહ રાણા (ધારાસભ્ય), ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)), (ધારાસભ્ય) સી. કે. રાઉલજી, (ધારાસભ્ય)અરુણ સિંહ રાણા( ધારાસભ્ય) વિરેન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય)તથા શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા (ધારાસભ્ય)એક સંયુક્ત નિવેદનમાં ક્ષત્રિય સમાજને અપીલ કરતા જણાવ્યું છે કે ભાજપાની ગુજરાત અને કેન્દ્રની સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોમાં દેશ અને રાજ્યના અન્ય સમાજની સાથે ક્ષત્રિય સમાજનું પણ યશસ્વી પ્રદાન રહ્યું છે. આ વિકાસ પ્રક્રિયા આગામી દાયકાઓમાં પણ ચાલુ રહેવાની છે ત્યારે ક્ષત્રિય સમાજ પોતાની ગૌરવવંતી પરંપરાને જાળવીને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને જ પોતાનો બહુમૂલ્ય મત આપીને સમર્થન આપે તેવી અમારા સૌની હૃદય પૂર્વકની ક્ષત્રિય સમાજને અપીલ છે.

આ તમામ ક્ષત્રિય અગ્રણીઓએ જણાવ્યું છે કે આગામી સમયમાં ભારત વિશ્વમાં સન્માન સાથે વિશ્વની ત્રીજી મહા સત્તા બનવા જઈ રહ્યું છે. આ સંજોગોમાં દેશ અને સનાતન ધર્મની રક્ષા એ આપણા સૌનું કર્તવ્ય રહ્યું છે. આપણા સૌના સહકારથી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સમગ્ર ભારત વર્ષને ગૌરવ અપાવવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે આપણે સૌ આગામી લોકસભાની ચૂંટણીમાં તેમને સંપૂર્ણ સહયોગ આપી આ પ્રક્રિયામાં સહભાગી બનીએ, તે આપણા સૌનું રાષ્ટ્રીય કર્તવ્ય છે.

જે લોકો પોતાને વિધિવત આમંત્રણ છતાં પણ શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ન જાય, જેના માટે આ દેશના શૂરવીર રાજવીઓ, ક્ષત્રિયોએ બલિદાન આપ્યા એવા આપણા સનાતન ધર્મનું સતત નુકસાન કરીને માત્ર તૂષ્ટીકરણની નીતિમાં રાચનારાઓને ક્યારેય મત ન અપાય, કલમ 370 ની નાબૂદીનો વિરોધ, સી.એ.એ.ના કાનૂન નો વિરોધ, ત્રિપલ તલ્લાક નાબૂદીના કાનૂનનો વિરોધ, સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના સમયમાં શાહબાનુ કેસના સંદર્ભમાં અપનાવાયેલું વલણ, રામ જન્મભૂમિ કેસને વિલંબમાં નાખવાનો તત્કાલીન યુ.પી.એ સરકારનો અભિગમ, શ્રી રામના અસ્તિત્વને નકારી તેમને કાલ્પનિક પાત્ર કહેવાની નીતિ- પુષ્ટીકરણની નીતિના આ બધા વરવા ઉદાહરણો આ દેશની જનતાએ અનેક વખત જોયા છે ત્યારે આ તૂષ્ટિકરણની રાજનીતિ કરનારા આ દેશના રાજકારણીઓને આપણો ક્ષત્રિય સમાજ આ ચૂંટણીઓમાં પોતાનો કિંમતી મત આપી કેવી રીતે સમર્થન આપી શકે? એવો પ્રશ્ન પણ પ્રદેશ ભાજપના ક્ષત્રિય અગ્રણીઓએ ક્ષત્રિય સમાજને કર્યો છે.

આ અગ્રણીઓએ એમ પણ જણાવ્યું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન શ્રી રાહુલ ગાંધીએ પણ હમણાં જ પોતાના વિવાદિત નિવેદન દ્વારા આ દેશની રાજવી પરંપરા અને રાજા રજવાડાઓનું હળહળતું અપમાન કર્યું છે એ જ રીતે ભાવનગર લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કે જેમને કોંગ્રેસનું પણ સમર્થન છે,તેઓએ પણ ઈરાદાપૂર્વક રાજા રજવાડાઓનું અપમાન કર્યું છે. આ મહાનુભાવે પોતાના વિધાન બદલ માફી માગવાની પણ બિલકુલ સ્પષ્ટ ના પાડી છે ત્યારે અમને સૌને એ વાતનું દુઃખ છે કે આપણે એટલે કે ક્ષત્રિય સમાજ આ બંનેની માફી મંગાવી શક્યા નથી !! જ્યારે શ્રી રૂપાલાએ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે પણ ક્ષત્રિય સમાજની હૃદય પૂર્વક બે હાથ જોડીને માફી માગી છે ત્યારે ક્ષત્રિય ભાઈઓએ પણ ક્ષમા વીરસ્ય ભૂષણમની પોતાની યશસ્વી અને ગૌરવ વંતી પરંપરા અને સ્વભાવને સાર્થક કરવાનો આ અમૂલ્ય અવસર છે.

છેલ્લા દસ વર્ષમાં શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, વિજ્ઞાન, ઉદ્યોગ, સંરક્ષણ, વિદેશનીતિ, સર્વ સમાવેશકતા સાથે પ્રત્યેક નાગરિકનો વિકાસ, આર્થિક સુધારણા, હેલ્થ કેર રિફોર્મ, શિક્ષણ સુધારણા અને આંતરરાષ્ટ્રીય પ્રભુત્વ સાથે દેશને સમગ્ર વિશ્વમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. આગામી વર્ષોમાં પણ આ જ વિકાસ પ્રક્રિયા વધુ તેજ ગતિએ આગળ વધવાની છે ત્યારે આ ચૂંટણીઓમાં ક્ષત્રિય સમાજ ઉદારતા દાખવી ભાજપાના ઉમેદવારોને જ મત આપી આ દેશને, આપણી ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાના આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવામાં પોતાનું મહામૂલુ પ્રદાન આપશે, તેવી શ્રદ્ધા ભારતીય જનતા પક્ષના ક્ષત્રિય સમાજના પ્રદેશ અગ્રણીઓએ વ્યક્ત કરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj