ભાજપ પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે લોકોને સમસ્યાઓમાં ધકેલે છે

રાજકોટવાસીઓના ખોળામાં માથુ મુકયુ છે; પરેશ ધાનાણીએ ‘તાકાત’ દેખાડી

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 19 April, 2024 | 05:39 PM
ભાજપનો અહંકાર ભાંગી જશે; લોકોના સ્વાભિમાન તથા લોકશાહીનુ જતન કરવાનુ વચન: વિજયનો વિશ્વાસ
સાંજ સમાચાર

► ફોર્મ ભરતા પુર્વે વિશાળ સભામાં ભાજપ પર ચાબખા: જીતેગા ભાઈ જીતેગા, પરેશભાઈ જીતેગા’ના નારા લાગ્યા: ક્ષત્રિય-કરણી સેનાના આગેવાનોની હાજરી

►લોકોએ એકી અવાજે ધાનાણીને રાજકોટથી લડવા તેડાવ્યા છે, હવે જીતાડશે: શક્તિસિંહ ગોહિલ

રાજકોટ તા.19
રાજકોટની લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર પરેશ ધાનાણીએ વિજયનો વિશ્વાસ દર્શાવ્યો હતો. રાજકોટવાસીઓના ખોળામાં માથુ મુકયુ છે, મતદારો ભરોસો મુકશે અને ભાજપના અહંકારને ઓગાળી નાખશે તેવો હુંકાર કર્યો હતો.

વિધાનસભાના પુર્વ વિપક્ષી નેતા એવા પરેશ ધાનાણીએ બપોરે વિજયમુર્હુતમાં ઉમેદવારી નોંધાવતા પુર્વે ધાર્મિક સ્થળોએ દર્શન કરવા ઉપરાંત ગાંધીજી-સરદાર પટેલ-આંબેડકરની પ્રતિમાઓને વંદન કર્યા બાદ બહુમાળી ભવન ચોકમાં શક્તિપ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પુર્વ પ્રમુખ જગદીશ ઠાકોર તથા સિદ્ધાર્થ પટેલની હાજરીમાં યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં આગેવાનો-કાર્યકરો ઉમટયા હતા.

રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજ કરણીસેનાના આગેવાનોએ પણ હાજરી આપીને કોંગ્રેસને સમર્થન આપવાનો સંકેત આપ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ કહ્યું કે અનેકવિધ સમસ્યાઓથી પીડાતી પ્રજાની વેદના-પીડાને દુર કરીને સ્વાભિમાન અર્પવા અને પ્રજાને સલામ કરવા આવ્યો છું. રાજકોટના રણમેદાનમાં ભાજપના અહંકારને ઓગાળવા આપ્યો છે. મને પુરો વિશ્વાસ છે કે રાજકોટના મતદારોનું અભિયાન જાગશે અને સંગઠીત રીતે જીત અપાવશે.

તેમણે કહ્યું કે લોકશાહીને જીવંત રાખવા, બંધારણને ટકાવવા તથા લોકોના સ્વાભિમાન માટેની આ લડાઈમાં પોતે રાજકોટવાસીઓના ખોળામાં માથુ મુકી દીધુ છે, ભરોસો છે કે લોકોના આશિર્વાદ મળશે અને ચુંટણીમાં જીત અપાવશે. પોતે કયારેય લોકોનો વિશ્વાસ તૂટવા નહીં દયે. લોકોએ જીતાડવાનો સંકલ્પ લઈ જ લીધો છે. છતાં લોકોને મારા વચનમાં દમ ન લાગે તો માથુ વાઢી નાખે તો વાંધો નથી.

તેઓએ એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપ પ્રજાની સમસ્યાઓનું નિવારણ કરવાને બદલે લોકોને સમસ્યાઓમાં ધકેલે છે. ભાજપનો અહંકાર આ વખતે ઓગળી જશે અને લોકોએ જ ભાજપને હરાવવાનું નકકી કર્યુ છે.

તેમણે કહ્યું કે દિકરીઓની આંખોમાં આંસુ જોયા છે ત્યારે હવે અહંકારી માછલી (ભાજપ)ની આંખ વિંધવાનો વખત છે. ભાજપનુ વર્ગવિગ્રહનું કાવતરુ સફળ નહીં થાય. સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ કરી દીધો છે અને રાજકોટવાસીઓ જીતાડશે તેવો વિશ્વાસ છે.

ભાજપનો સૂર્ય સોળેકળાએ હોવા છતાં પ્રજાની સમસ્યાઓ દુર થઈ નથી. ભાજપમાંથી રાજકોટ મુક્તિ ઝંખે છે. આ વખતની લડાઈ અહંકાર અને સ્વાભિમાનની હોવાનુ જાહેર કર્યુ હતું. આ તકે જીતેગા ભાઈ જીતેગા, પરેશ ધાનાણી જીતેગાના નારા લાગ્યા હતા.

ધાનાણી સભા સ્થળે પહોંચતા તેમનુ કુમકુમ તિલક તથા પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યુ હતું. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહનું પણ પાઘડી પહેરાવીને સ્વાગત કર્યુ હતું. આ તકે શક્તિસિંહ ગોહિલે એમ કહ્યું કે લોકશાહીમાં લોકો મહાન હોય છે. લોકો સરકાર ચુંટે છે પરંતુ વર્તમાન શાસકો પ્રજા-ખીસ્સામાં હોય તેમ અભિયાનની રીતે વર્તન કરીને લોકશાહીનું અપમાન કરી રહી છે. રાજકોટવાસીઓને એક અવાજે પરેશ ધાનાણીને રાજકોટથી ચુંટણી લડવા તેડાવ્યા છે અને હવે વિજયતિલક કરશે તેવો વિશ્વાસ છે.

► ફોર્મ-સભા પૂર્વે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ મંદિરમાં દર્શન કર્યા: ગાંધીજી સરદાર પટેલ : ડો.આંબેડકરની પ્રતિમાને પણ વંદના કરી
       વહેલી સવારથી પરેશ ધાનાણી સાથે આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા: કલા ગાંધીનાં ડેલામાં મહાત્મા ગાંધીને વંદન કર્યા

રાજકોટ લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે વિજય મુર્હૂતમાં ઉમેદવારી ફોર્મ રજૂ કર્યુ હતું.કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે ફોર્મ જાહેર સભા પૂર્ણે દિવાનપરામાં વિશ્વકર્મા મંદિરમાં દર્શન કર્યા હતા.બાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીની પ્રતિમાને વંદન કરી સિવિલ હોસ્પિટલ ચોકમાં ડો.બાબા આંબેડકરની પ્રતિમાને વંદન કર્યા બાદ કલા ગાંધીનાં ડેલાની મુલાકાત મહાત્મા ગાંધીને પણ વંદન કર્યા હતાં.

પરેશ ધાનાણી આજે ઉમેદવારી ફોર્મ અને જાહેર સભાનાં સંબોધન પુર્વે કોંગ્રેસના આગેવાનો સાથે મંદિરોમાં દર્શન સાથે મહાત્મા ગાંધી સહિતના મહાપુરૂષોની પ્રતિમાને વંદન કરી રાજકોટની જનતાના પણ આર્શીવાદ મેળવ્યા હતા. ઉમેદવાર પરેશ ધાનાણી સાથે કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપ-કોંગ્રેસ પક્ષ વચ્ચે ચુંટણી જંગ જામશે. જેમાં બંને ઉમેદવારો અમરેલીનાં વતની છ સાથે તેઓ અગાઉ વિધાન સભાની ચૂંટણીના જંગમાં પણ સામસામે લડી ચુકયા છે.

અગાઉ પરસોત્તમ રૂપાલાને હરાવનાર પરેશ ધાનાણીને ફરી કોંગ્રેસ હાઈ કમાન્ડે રાજકોટમાંથી ઉતારતા બંને હરીફ ઉમેદવારો વચ્ચે કાંટે કી ટકકરનો જંગ જામ્યો છે. ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ રોષીત છે. નારાજ છે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ સર્વે સમાજને સાથે રાખી દેવ મંદિરોમાં દર્શન સાથે મહાનુભાવોની પ્રતિમાઓને વંદન કરી જાહેર સભાને સંબોધી વિજય મુર્હૂતમાં ઉમેદવારી ફોર્મ રજૂ કર્યુ છે.

► કોંગ્રેસને જીતાડવાના જંગમાં ‘ગરમી’ કેવી? સભા સ્થળ ભરચક્ક થતાં જમીન પર જ ‘આસન’
રાજકોટમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવતા પૂર્વે બહુમાળી ભવન ચોકમાં જાહેરસભા સંબોધી હતી. રાજકીય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આગેવાનો-કાર્યકરોની મોટી હાજરી થવાની ગણતરીએ જોરદાર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી છતાં સભા સ્થળે જગ્યા ખુટી પડી હોય તેમ કાર્યકરો જમીન નીચે બેસી ગયા હતા. આકરા ઉનાળાથી ધરતી ધગબગતી હોવા છતાં તેની ચિંતા કર્યા વિના કોંગ્રેસને જીતાડવાનું પ્રણ લીધું હોય તેમ જમીન પર જ આસન જમાવી દીધું હતું. 

► કોંગ્રેસની સભામાં પાણીના જગ ખાલી થતાં કાર્યકરો પરેશાન
રાજકોટ લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવારની બહુમાળી ભવન ખાતે યોજાયેલી જાહેરસભામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઉપસ્થિત જનમેદની માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ છીપાવવા પાણીના જગ મુકવામાં આવ્યા હતા, પરંતુ ગરમીના લીધે પાણીનો ઉપાડ થતાં એક સમયે જગ ખાલી થઈ જતા તરસ છીપાવવા કાર્યકરો હેરાન થયા હતા. જો કે થોડી મીનીટોમાં તાત્કાલીક પાણી ભરેલા વધુ જગની વ્યવસ્થા કરવામાં આવતા કાર્યકરોએ રાહત અનુભવી હતી.

► ‘ચાલુ સભામાં વિજ રૂકાવટ’: સૌ અકળાયા
બહુમાળી ચોકમાં કોંગ્રેસની સભામાં એકાએક વિજ પુરવઠો ખોરવાતા ભાષણમાં વિઘ્ન આવ્યું હતું. ઉપસ્થિત લોકો પણ ગરમીમાં અકળાયા હતા. જો કે, ગણતરીની મીનીટોમાં જ જનરેટરનો વિજ પુરવઠો શરુ થઇ જતાં રાહત થઇ હતી. પરંતુ ચાલુ સભામાં વિજ રૂકાવટ ચર્ચાનો વિષય બની હતી. આ મામલે વિજતંત્રના અધિકારીએ એમ કહ્યું કે સભા માટે તંત્ર પાસે વિજ જોડાણ મંગાયું નહતું પાર્ટીએ જ વ્યવસ્થા કરી હશે અને ફોલ્ટ આપ્યો હશે તેમ માની શકાય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj