રોયલપાર્ક સ્થા. જૈન સંઘમાં પૂ. પારસમુનિ મ.નું પ્રેરક પ્રવચન

ગુણદોષ બધામાં હોય, સારૂ જોવાનો પ્રયાસ કરો

Local | Rajkot | 19 April, 2024 | 03:42 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા. 19
ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક ગુરુદેવ પૂજ્ય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબ નાં સુશિષ્ય સદગુરુદેવ પૂજ્ય શ્રી પારસમુનિ મહારાજ સાહેબે તારીખ 19-4નાં શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન સંઘ,સી.એમ.શેઠ પૌષધ શાળા રાજકોટમાં આગમિક રહસ્ય બતાવતા ફરમાવેલ કે શ્રમણ ભગવાન મહાવીર ફરમાવે છે કે આત્માને ઓળખો, આત્મવત્ બનો, જ્યાં સુધી શરીર પર નજર હશે, દૃષ્ટિ બહાર હશે ત્યાં સુધી આત્માને ઓળખી શકાશે નહીં. શરીરને જોવાનું બંધ થઇ જશે, શરીરનો ખ્યાલ નહીં આવે. શરીરથી ઉપર ઉઠીશું તો આત્માનાં દર્શન થઇ શકશે. માણસ સ્વસ્થ હોય ત્યાં સુધી શરીરનો ખ્યાલ આવતો નથી. વિક્ષિપ્ત હોય ત્યારે જ શરીરનો ખ્યાલ આવે છે. બહારની દૃષ્ટિને અંદર વાળવી એનું નામ આત્મજ્ઞાન.

યુધિષ્ઠિરને કોઇ માણસ ખરાબ લાગતો નહોતો અને દુર્યોધનને કોઇ માણસ સારો દેખાતો નહોતો. જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. સારા માણસને બધું સારું દેખાય અને ખરાબ માણસને બધું ખરાબ દેખાય. ગુણ-દોષ બધામાં હોય છે. સારું જોવાનો પ્રયાસ કરવો જોઇએ. માણસને આપણે બહારના દેખાવથી માપીએ છીએ એટલે કેટલીક વખત થાપ ખાઇ જઇએ છીએ. ઉપનિષદમાં એક કથા છે.

સમ્રાટ જનકે એક વખત પંડિતોની મોટી સભા બોલાવી હતી. બધા પંડિતો અને જ્ઞાનીઓને નિમંત્રણો મોકલ્યા હતા. જનકની ઇચ્છા હતી કે પરમ સત્યનાં સંબંધમાં કાંઇક નવું જાણવા મળે. આ સંબંધમાં જે પંડિત કાંઇ નવો પ્રકાશ પાડશે તેમને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આમંત્રણ જેમને અપાયું હતું તેઓ પ્રકાંડ પંડિતો હતા, જેને લોકો જાણતા હતા. જેમના પાંડિત્યની ચર્ચા થતી હતી અને જે વાદવિવાદમાં કુશળ હતા. પંડિતો વચ્ચે મોટી ખરાખરીની સ્પર્ધા હતી. એક માણસને આ સભામાં આમંત્રણ આપવામાં આવ્યું નહોતું પરંતુ તે અભ્યાસી, જાણકાર અને ખરો જ્ઞાની હતો. તેનું નામ હતું અષ્ટાવક્ર. તેના શરીરનાં આઠે અંગ વાંકા હતાં. જનકના દરબારમાં અંદર આવ્યા. તેને જોઇને બધા પંડિતો ખડખડાટ હસવા લાગ્યા. તેની ચાલ જોઇને અને તેની કુરૂપતાને જોઇને કોઇપણ માણસને હસવું આવી જાય. બધા હસવા લાગ્યા તો અષ્ટાવક્ર પણ ખડખડાટ હસવા લાગ્યા. 

જનક મહારાજાએ પૂછ્યું: અષ્ટાવક્ર આ બધા લોકો શા માટે હસે છે તે તો હું સમજી શક્યો. પરંતુ આપ શા માટે હસો છો તે મને સમજાતું નથી? 
અષ્ટાવક્રે કહ્યું: હું એટલા માટે હસ્યો કે તમે આ ચમારોની સભાને પંડિતોની સભા કહો છો. આ બધા ચમાર છે. તેમને માત્ર શરીર અને ચામડું દેખાય છે. હું બહારથી વાંકો છું પણ આ બધા અંદરથી વાંકા છે. તેમની પાસેથી સત્ય પ્રગટ થવાની આશા રાખવી એ રેતીમાંથી તેલ કાઢવાની કોશિશ કરવા જેવું છે. આ બધું જોઇને મને હસવું આવી ગયું. 

આપણે પણ કોઇ પણ માણસને કેવી રીતે જોઈએ છીએ? તેના બહારી દેખાવ પરથી અંદાજ કાઢીએ છીએ. કોઇએ સારા કપડાં પહેર્યાં હોય, સારી સારી વાતો કરતો હોય, સ્માર્ટ દેખાતો હોય તેને સારો માણસ માની બેસીએ છીએ. આપણે માણસના દેખાવથી, રૂપથી અને તેની પાસે રહેલી ધનદોલતથી તેને માપીએ છીએ. આપણી દૃષ્ટિ બહારનું જુએ છે. અંદરનું કશું જોઇ શકતી નથી. દરેક માણસના ચહેરા પર બીજો એક ચહેરો લાગેલો હોય છે. આ ચહેરો માણસે માણસે બદલાતો જતો હોય છે. તેના અસલી ચહેરાને આપણે જોઇ શકતા નથી. એટલે માણસો એકબીજાને ઓળખવામાં થાપ ખાઇ જાય છે. પછી પસ્તાવો કરે છે કે આ માણસને મેં આવો ધાર્યો નહોતો. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj