કાલે રાજકોટ લોકસભા બેઠકના 2236 બુથો પર મતદાન, તમામ તૈયારીઓ પૂર્ણ: મથકોમાં મોબાઈલ પ્રતિબંધ, કામદારોને સવેતન રજા નહી આપનારા સામે ગુનો દાખલ થશે-કલેકટર પ્રભવ જોશી

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 06 May, 2024 | 06:09 PM
સંવેદનશીલ 1036 મથકો પર બાજ નજર રખાશે: માઈક્રો ઓબ્ઝર્વર તૈનાત થશે, વીડીયોગ્રાફી કરાશે
સાંજ સમાચાર

► હીટવેવ સામે ખાસ પગલા: તમામ બુથો પર ORS, પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા

► 200 જેટલા એરકુલર મૂકાશે: સ્લીપ વિતરણની 98% કામગીરી પૂર્ણ

► રોકડ, સોનાના દાગીના સહિત છ કરોડનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ તા.6
 રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા માટે તંત્ર સજજ બની ગયું છે. આવતીકાલે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી 2236 જેટલા મતદાન મથકો પર મતદાન થશે તેમ કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ આજે કલેકટર કચેરી ખાતે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

શહેર પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવ તેમજ જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કોન્ફરન્સમાં કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટ લોકસભા વિસ્તારમાં 98% જેટલી મતદાર સ્લીપનું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવેલ છે. આવતીકાલે મતદાનના દિવસે કારખાનેદારો, ઉદ્યોગગૃહો, વેપારીઓ સહિતની સંસ્થાઓમાં કામદારોને સવેતન રજા આપવાની રહેશે. કામદારો-કર્મચારીઓને સવેતન રજા નહીં આપનારા સામે ગુનો દાખલ કરવામાં આવશે.

 રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના 1036 જેટલા મતદાન મથકોને આ વખતે સંવેદનશીલ જાહેર કરવામાં આવેલ છે. આ મતદાન બુથો ઉપર માઈક માઈક્રો ઓબ્ઝર્વરો તૈનાત કરાશે. તેની સાથોસાથ આવા મતદાન મથકોની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. હીટવેવ સામે વહીવટી તંત્ર સામે ખાસ પગલા લેવામાં આવેલ છે. જેમાં તમામ બુથો પર ઓઆરએસ, પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત 200 જેટલા બુથો પર એરકુલર પણ મુકવામાં આવેલ છે.

રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં વધુને વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પુરતા પ્રયાસો કરવામાં આવેલ છે. તેની સાથોસાથ ચૂંટણી આચારસંહિતાનું પણ ચૂસ્તપણે પાલન કરવામાં આવેલ છે.

લોકસભાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ અત્યાર સુધીમાં રોકડ, સોના ચાંદીના દાગીના સહિતનો રૂા.6 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આ ઉપરાંત રાજકોટ શહેર અને જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસની સાથે પેરામીલીટ્રી ફોર્સના જવાનોએ પોઝીશન લઈ લીધી છે. લોકસભા બેઠક વિસ્તારમાં પેરા મીલીટ્રી ફોર્સના જવાનો દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેઓએ અંતમાં મતદારોને વધુને વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

► ફરીયાદ કરવા માટે ખાસ હેલ્પલાઈન
રાજકોટ: મતદારો ચૂંટણી અંગેની ફરીયાદો કરી શકે તે માટે ખાસ હેલ્પલાઈન કાર્યરત કરવામાં આવી છે. જેમાં જીલ્લા કક્ષાના કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નં.1950 છે. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800-230-0322 છે. મતદારો આ નંબર ઉપર સંપર્ક કરી જરૂરી માહિતી માર્ગદર્શન મેળવી શકે છે. તેની સાથોસાથ ફરીયાદ પણ પહોંચાડી શકે છે.

► 51 શોપીંગ-મેડીકલ સ્ટોર, પેટ્રોલપંપ દ્વારા મતદારો માટે અવસર ડિસ્કાઉન્ટ જાહેર
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી પર મતદારો વધુને વધુ મતદાન કરે તે માટે 51 શોપીંગ-મેડીકલ સ્ટોર, પેટ્રોલપંપ દ્વારા મતદારો માટે અવસર ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ શહેરમાં ઈમ્પીરીયલ હોટેલ, હોટલ ભાભા ડાઈનીંગ હોલ, હોટલ ભાભા કીંગસ્ટોન તરફથી 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત થઈ છે જયારે અડીંગો રેસ્ટોરન્ટ દ્વારા સાત ટકા ઉપરાંત એસ્ટ્રોન કાફે, સેમસંગ એસેસરીઝ સ્ટોર તરફથી સેમસંગ એસેસરીઝ પર 7 ટકા ડિસ્કાઉન્ટ તથા અંબાણી ફોન એસ્ટ્રોન ચોક તરફથી તમામ મોબાઈલ એસેસરીઝ પર મતદાતાઓ માટે 10 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.
આવી જ રીતે જામકંડોરણા ખાતે આવેલ ન્યારા પેટ્રોલપંપ તેમજ વૈભવ ફોર્ચ્યુન, ગીતાંજલી, કલ્યાણ કૃપા, રામદૂત, દ્વારકાધીશ તથા સોમેશ્ર્વર પેટ્રોલપંપ દ્વારા ઓઈલ પર સાત ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરાયુ છે જયારે જામકંડોરણામાં શામ, જનતા, શિવશક્તિ, શ્રી વલ્લભ, બાલાજી, શિવ સત્યમ વગેરે મેડીકલ સ્ટોર દ્વારા સાત ટકા અવસર ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ વિશાળ મેગા મોલ જેતપુર દ્વારા પણ આ મોલમાં આવનાર મતદાતાઓને એક-એક બોલપેન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

► ચૂંટણી કાર્ડ સિવાય મતદાન માટે ઓળખના 12 વૈકલ્પિક પુરાવા માન્ય
રાજકોટ; રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં આવતીકાલે મતદાન થનાર હોય મતદારો વધુને વધુ મતદાન કરે તેના પર ભાર મૂકી કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે જો મતદાર પાસે ચૂંટણીકાર્ડ ઉપલબ્ધ ન હોય તો, 12 પુરાવાઓ પરથી પણ મતદારો મતદાન કરી શકે છે.

જેમાં આધારકાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક, પોસ્ટ ઓફીસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઈુસ્યુરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનટીઆર અન્વયે આરજીઆઈ દ્વારા આપવામાં આવતા સ્માર્ટકાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટો સાથેના પેન્શન ડોકયુમેન્ટસ, કેન્દ્ર રાજય સરકાર જાહેર ક્ષેત્ર અને લીમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઈસ્યુ કરેલા ફોટો સાથેના સર્વિસ ઓળખ પત્રો, સાંસદો, ધારાસભ્યો અને વિધાન પરીષદને ઈસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, તેમજ વિકલાંગતા આઈડી કાર્ડનો સમાવેશ થાય છે.

► સરકારી કર્મચારીઓનું બેલેટ પેપરથી 75% મતદાન
    15 હજારથી વધુ કર્મચારીઓ દ્વારા કરાયું મતદાન

રાજકોટ: લોકસભાની ચૂંટણીનું આવતીકાલે મતદાન થનાર છે. તે પૂર્વે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવેલ હતું. આ અંગે જીલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓનું બેલેટ પેપરથી 75% જેટલું મતદાન થવા પામેલ છે. 15 હજારથી વધુ કર્મચારીઓ દ્વારા આ મતદાન કરવામાં આવેલ છે.  અહીં એ ઉલ્લેખનિય છે કે ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફ માટે તાલીમના સ્થળો પર જ બેલેટ પેપરથી જ મતદાનની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં 15 હજારથી વધુ કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવેલ છે.

► 60 મોબાઈલ વાન દ્વારા સતત પોલીસ પેટ્રોલીંગ કરાશે
ડીસીપી કક્ષાના 30 અધિકારીઓને સોંપાતી વિશેષ જવાબદારી: પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ

રાજકોટ: રાજકોટ લોકસભા બેઠકની ચૂંંટણીનું આવતીકાલે મતદાન થનાર છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે વિશેષ રૂપથી પગલા લેવાયા છે જેમાં 60 જેટલી મોબાઈલ વાન દ્વારા સતત પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવશે તેમ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું.

પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે આ પોલીસ પેટ્રોલીંગ માટે ડીસીપી કક્ષાના 30 જેટલા અધિકારીઓને વિશેષ રૂપથી જવાબદારી સોપવામાં આવી છે. મતદાનમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે તકેદારીના પગલા લેવામાં આવેલ છે. રાજકોટ સીટી વિસ્તારમાં ઉભી કરાયેલ ચેક પોસ્ટો દ્વારા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ તંત્ર દ્વારા પણ આ ચૂંટણી અંગેની તૈયારીઓ પરીપૂર્ણ કરાયેલ છે.

► જીલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બીંગ
22 જેટલી ચેકપોસ્ટો દ્વારા વાહનો પર ચાંપતી નજર: જીલ્લા પોલીસવડા રાઠોડ

રાજકોટ: રાજકોટ લોકસભાની ચૂંટણી સંદર્ભે જીલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બીંગ કરવામાં આવેલ છે. કાયદો વ્યવસ્થાની જાળવણી માટે ચાંપતા પગલા લેવામાં આવેલ છે. જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 15000 જેટલા લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવેલ છે. આ ઉપરાંત જીલ્લામાં 22 જેટલી ચેકપોસ્ટો ચૂંટણી જાહેરનામા બાદ કાર્યરત કરાયેલ હોય આ ચેકપોસ્ટો પર તૈનાત કરાયેલા કર્મચારીઓ દ્વારા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં પોરબંદર અને વાંકાનેર વિધાનસભા વિસ્તાર પણ લાગુ પડે છે. આ ઉપરાંત હિરાસર પાસેથી સુરેન્દ્રનગર જીલ્લાની હદ શરૂ થાય છે. રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં પોલીસ કર્મચારીઓની સાથે હોમગાર્ડ તેમજ અર્ધ લશ્કરી દળોને પણ ફરજ સોંપવામાં આવી છે. આઠ જેટલી અર્ધ લશ્કરી દળોની કંપનીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તૈનાત કરવામાં આવી છે.


 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj