બહુ મોટા પ્રચાર યુદ્ધ, મહત્વના મુદ્દા વગરની ચૂંટણીમાં વિવાદો જ રહ્યા કેન્દ્રમાં: વધુમાં વધુ મતદાન માટે મહેનત

સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો પર કાલે મતદાન; રાજકોટ ‘હોટ સીટ’

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 06 May, 2024 | 11:31 AM
સુરેન્દ્રનગર - જામનગરમાં પણ રાજકીય ગરમી : બે કેન્દ્રીય મંત્રીના ભાવિ પર નજર : જ્ઞાતિઓનાં ગણિત પર ફોકસ : ભાવનગરમાં ભાજપ - આપ વચ્ચે ટકકર
સાંજ સમાચાર

રાજકોટ, તા.6
સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની આઠ બેઠકની ચૂંટણીનાં મતદાન આડે હવે ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે મોટા રાજકીય પ્રચાર-ઝંઝાવાતી સભાઓના સતત પ્રસંગો વગર અગાઉની ચૂંટણી કરતાં આ વખતે પ્રચાર-એકંદરે ઠંડો રહ્યો છે. વડાપ્રધાનની સભા સિવાય મોટા પ્રચારકો આવ્યા નથી તો કાલે મંગળવારે સવારે 7 થી સાંજે 7 દરમ્યાન ભારે ગરમી વચ્ચે મતદારોનાં ઉત્સાહ ઉપર તમામ નેતાઓ પક્ષની નજર છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વખતે રાજકોટથી ક્ષત્રિય સમાજનો જાગેલો રોષ હોટ ઈસ્યુ બની રહ્યો છે. ભાજપના પરસોતમભાઈ રૂપાલાના વિધાન સામે શરૂ થયેલો વિરોધ રાજય વ્યાપી બન્યો અને છેલ્લા દિવસ સુધી ચાલુ રહ્યો. રાજકોટ ઉપરાંત જામનગર, સુરેન્દ્રનગરમાં આ મુદ્દાની ખાસ્સી અસર રહી છે.

સૌરાષ્ટ્રમાં બે કેન્દ્રીય મંત્રી પોતાના મત વિસ્તારથી બહાર ચૂંટણી લડી રહ્યા છે રાજકોટથી પરસોતમ રૂપાલા અને પોરબંદરથી ડો.મનસુખ માંડવીયાને પાર્ટીએ ટીકીટ આપી છે.સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં ભાજપ અને આપ વચ્ચે ટકકર છે. એ સિવાય ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારો ચૂંટણી લડે છે.

કચ્છ, જામનગર, અને જુનાગઢમાં વર્તમાન સાંસદો ત્રીજી વખત ચૂંટણી લડે છે. રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડવા આવતા અમરેલીનાં બે માથા વચ્ચે રાજકોટમાં ટકકર થઈ છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં બે વખતથી ભાજપ તમામ બેઠક જીતે છે.આ વખતે વિવાદ સિવાય કાંઈ નવા મુદ્દા નથી આથી મતદારોના મિજાજ પર સૌની નજર છે. ભાજપે મોદી, રામ મંદિર અને વિકસીત રાષ્ટ્રનાં નામે મત માગ્યા છે તો કોંગ્રેસે વચનો આપવા સાથે વિવાદોનો પણ લાભ લીધો છે.

સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠક 2 1.50 કરોડથી વધુ મતદારો છે.ગત ચૂંટણીમાં 59 ટકા જેટલુ મતદાન થયુ હતું. ભાજપને જીત અને જોઈતી લીડ માટે 70 ટકા નજીક મતદાનની જરૂર છે.

કુલ 92 ઉમેદવારો મેદાનમાં છે ત્યારે વિવાદો અને વિરોધના લાભ કોને મળે છે? શું મતદાન માત્ર રાષ્ટ્રવાદના નામે ચાલશે? તે વાત મતદારોના મનમાં છુપાયેલી રહી છે. હાલ તો બન્ને પક્ષો વધુમાં વધુ મતદાન માટે પ્રયાસો કરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર-કચ્છના મુખ્ય ઉમેદવારો

રાજકોટ:   ► પરસોતમ રૂપાલા (ભાજપ કડવા પટેલ)

                  ► પરેશ ધાનાણી:(કોંગ્રેસ-લેઉવા પટેલ)

જુનાગઢ:   ► રાજેશ ચુડાસમા (ભાજપ-કોળી)

                  ► હીરાભાઈ જોટવા (કોંગ્રેસ-આહીર)

જામનગર:► પુનમબેન માડમ (ભાજપ-આહીર)

                  ► જે.પી.મારવીયા (કોંગ્રેસ-લેઉવા પટેલ)

♦ અમરેલી:  ►ભારત સુતરીયા (ભાજપ-લેઉવા પટેલ)

                  ► જેનીબેન ઠુમ્મર (કોંગ્રેસ-લેઉવા પટેલ)

પોરબંદર: ► ડો.મનસુખ માંડવીયા (ભાજપ-લેઉવા પટેલ)

                  ► લલીત વસોયા (કોંગ્રેસ-લેઉવા પટેલ)

ભાવનગર:►નિમુબેન બાંભણીયા (ભાજપ-કોળી)

                  ► ઉમેશ મકવાણા (આપ-કોળી)

સુરેન્દ્રનગર►  ચંદુભાઈ શિહોરા (ભાજપ-ચુંવાળીયા કોળી)

                  ► ઋત્વિક મકવાણા: (કોંગ્રેસ-તળપદા કોળી)

કચ્છ:        ► વિનોદ ચાવડા (ભાજપ-દલિત)

                  ► નિતેશ લાલણ (કોંગ્રેસ-દલીત)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj