રાજયમાં સરેરાશ 59.51%% મતદાન નોંધાયું, 2019માં 64.51% હતું : 5% ઓછા મત પડયા

ગુજરાતમાં ઓછા મતદાનથી કોને લાભ, કોને નુકસાન ? તર્ક-વિતર્કોનો દૌર

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 08 May, 2024 | 11:26 AM
વલસાડમાં સૌથી વધુ 72.24 ટકા અને અમરેલીમાં સૌથી ઓછું 49.22 ટકા : એક માત્ર બનાસકાંઠામાં 2019 કરતા મતદાનની ટકાવારીમાં વધારો બાકીના તમામ મતક્ષેત્રોમાં મતદાન ઘટયું
સાંજ સમાચાર

રાજકોટ, તા. 8
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર યોજાયેલું ચૂંટણી મતદાન સરેરાશ 59.49 ટકા થયું છે. જે 2019ની તુલનાએ 5 ટકા જેટલું નોંધપાત્ર પ્રમાણમાં ઓછું રહેતા રાજકીય પક્ષો અને વિશ્લેષકો સ્તબ્ધ બન્યા છે. ઓછા મતદાનથી કોને લાભ અને કોને નુકસાન ? તે વિશેની અટકળો જોર પકડવા લાગી છે. ભાજપ તમામ બેઠકો જીતવાની હેટ્રીક કરશે કે કોંગ્રેસ ગાબડુ પાડશે તે વિશે પણ તર્ક-વિતર્કો વ્યકત થવા લાગ્યા છે.

ગુજરાતની 25 બેઠકોનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. ચૂંટણી પંચ દ્વારા મોડી રાત્રે મતદાનનો આંકડાકીય રીપોર્ટ જારી કરવામાં આવ્યો હતો જે મુજબ રાજયમાં 59.51% ટકા મતદાન નોંધાયુ છે. રાજયમાં સૌથી વધુ 72.24 ટકા મતદાન વલસાડની બેઠક પર નોંધાયુ છે જયારે ઓછું સૌરાષ્ટ્રની અમરેલી બેઠકમાં થયું છે. જયાં આંકડો 20 ટકાને પણ આંબી શકયો નથી. 

ઓછા મતદાન પાછળ અનેકવિધ કારણોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે તેમાંથી સૌથી મોટુ કારણ પ્રચંડ ગરમી અને હિટવેવનું હોવાનું માની શકાય છે. રાજયના મોટા ભાગના વિસ્તારોમાં મંગળવારે મતદાનના દિવસે સૂર્યકોપ વરસ્યો હતો. રાજકોટ, અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોમાં તાપમાન 41 થી 43 ડિગ્રીની રેન્જમાં રહ્યું હતું.

અમદાવાદમાં તો પારો 43 ડિગ્રીને પણ વટાવી ગયો હતો. આકરી ગરમીએ મતદાન પર મોટી અસર કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે રાજકીય પક્ષો અને ચૂંટણી પંચના ભરચક પ્રયાસોના પગલે સવારથી જ મતદારો મતદાન માટે પહોંચી ગયા હતા. સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધીમાં 37 ટકા જેવું મતદાન થઇ ગયું હતું પરંતુ ત્યારપછીની કલાકોમાં 21 ટકા જ નોંધાયું હતું.

આ સિવાય ક્ષત્રિય આંદોલન જેવા અન્ય કારણો પણ ઓછા મતદાન માટે જવાબદાર રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે અંતિમ આંકડામાં હજુ સામાન્ય ફેરફાર થઇ શકે છે. 

આદિવાસી વસ્તીનું મોટુ પ્રમાણ ધરાવતા વલસાડ, ભરૂચ, બારડોલી, છોટા ઉદેપુર અને બનાસકાંઠામાં મતદાનમાં  જોરદાર ઉત્સાહ માલુમ પડયો હતો અને સારા એવા પ્રમાણમાં મતદાન નોંધાયુ હતું. જોકે આ વિસ્તારોમાં પણ 2019ની સરખામણીએ પ્રમાણમાં મતદાન ઓછું જ રહ્યું છે. ખાસ કરીને સવારના ભાગોમાં મતદાનનો ઉત્સાહ ઘણો વધુ હતો અને મતદાન મથકોએ મતદારોની લાઇનો લાગી હતી. 

રાજયમાં વલસાડમાં સૌથી વધુ 72.24 ટકા મતદાન નોંધાયું હતું ત્યાં 2019માં 75.48 ટકા મતદાન હતું. રાજયના લગભગ તમામ મતક્ષેત્રોમાં મતદાનની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે. સૌથી ઓછું મતદાન અમરેલીમાં 49.22 ટકા રહ્યું હતું. જયાં 2019માં 55.97 ટકા મતદાન નોંધાયુ હતું.

રાજયના એક માત્ર સંસદીય ક્ષેત્રમાં 2019 કરતા વધુ મતદાન નોંધાયું હતું. બનાસકાંઠામાં 2019માં 65.03 ટકા મતદાન હતું જે આ વર્ષે વધીને 68.44 ટકા નોંધાયું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj