રૂપાલા વિવાદના લબકારા: ઇડરમાં ભાજપના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી; કાળા વાવટા ફરક્યા

Gujarat, Saurashtra | 18 April, 2024 | 03:11 PM
ક્ષત્રિય સમાજના યુવાનો વિફર્યા: સુત્રોચ્ચારો-નારેબાજી સાથે વિરોધ
સાંજ સમાચાર

વડાલી, તા.18
ઇડરના દામોદર એરિયામાં બુધવારે લોકસભાની ચૂંટણી અનુલક્ષીને ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ઉમેદવાર અને સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં કાર્યક્રમ દરમિયાન ખુરશીઓ ઉછળી હતી. જ્યારે કેટલાક નારાજ ક્ષત્રિય યુવાનો દ્વારા કાળા વાવટા સાથે વિરોધ પ્રદર્શિત કરી સુત્રોચ્ચાર કર્યા હતા.

સાબરકાંઠા-અરવલ્લી લોકસભાની ચૂંટણી અંતર્ગત ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ મંગળવારે ઉમેદવારી પત્ર ભર્યા બાદ સાબરકાંઠામાં તાલુકા મથકે ચૂંટણી કાર્યાલય શરુ કરવાનો કાર્યક્રમ તૈયાર કર્યો હતો. જેના ભાગરૂપે ઇડરના દામોદર વિસ્તારમાં સવારે 11 વાગ્યે લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા અને ઇડર-વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઇ પટેલની ઉપસ્થિતિમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું.

ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઇ પટેલ, ચંદુભાઇ પટેલ, રાજુભાઇ પટેલ, પ્રેમલભાઇ દેસાઇ, અશ્ર્વિન પટેલ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. દરમ્યાન ક્ષત્રિય યુવાનો દ્વારા રૂપાલાના વાણી વિલાસને લઇ કાળા વાવટા સાથે કાર્યાલય આગળ વિરોધ પ્રદર્શિત કરીને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર સાથે ઉગ્ર વિરોધ દર્શાવતાં દોડધામ મચી હતી.

ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા અગાઉ સાબરકાંઠા બેઠક માટે ભીખાજી ઠાકોરને ટિકિટ અપાઇ હતી. પરંતુ તેમની ટિકિટ રદ કરીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવતાં વિરોધનો વંટોળ સર્જાયો હતો અને શોભનાબેનની ટીકીટ રદ કરવાની ભાજપના કાર્યકરો દ્વારા ઉગ્ર માંગ કરીને દેખાવો કરાતા હતા. પરંતુ મોવડી મંડળ દ્વારા શોભનાબેનને જાળવી રાખવામાં આવ્યા છે.

આ દરમિયાન રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રુપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ અંગે ટિપ્પણી કરતાં સમાજમાં રોષ વ્યાપ્યો છે. તેનો ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

છતાં ભાજપે રુપાલાની ટિકિટ જાળવી રાખતાં સોમવારે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. જેને લઇને પણ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બુધવારે સાબરકાંઠાના ઇડરમાં ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે વખતે ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનોએ ઉગ્ર વિરોધ નોંધાવતાં દોડધામ મચી ગઇ હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj