www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

T20 વર્લ્ડકપમાં ભારતની જીતના ‘ગુજરાતી થ્રી-સ્ટાર’ રણજી ટ્રોફીના મેચ રમશે


બુમરાહ, હાર્દિક તથા અક્ષર પટેલ ડોમેસ્ટીક ક્રિકેટ રમતા જોવા મળશે: રવિન્દ્ર જાડેજા પણ સૌરાષ્ટ્રવતી મેદાને ઉતરે તેવી શકયતા

સાંજ સમાચાર

વડોદરા,તા.2
ટી-20 વર્લ્ડકપમાં વિજેતા ભારતીય ટીમની ફાઈનલની જીતમાં મહત્વનો રોલ ભજવનાર બુમરાહ-હાર્દિક પંડયા અને અક્ષર પટેલ ગુજરાતી ત્રિપુટી છે.આવતા દિવસોમાં રણજી ટ્રોફી રમતી જોવા મળશે એટલુ જ નહિં ટી-20માંથી નિવૃતિ જાહેર કરનાર રવિન્દ્ર જાડેજા પણ રણજી ટ્રોફીના મેચ રમવા મેદાનમાં ઉતરશે.

ભારતીય ક્રિકેટ બોર્ડે ચાલુ વર્ષનાં પ્રારંભે જ સેન્ટ્રલ કોન્ટ્રાકટ ધરાવતા ક્રિકેટરો માટે ‘હેડબોલ’ની ડોમેસ્ટીક ટુર્નામેન્ટ રમવાનું ફરજીયાત કરતો આદેશ કર્યો હતો. છેલ્લા કેટલાંક વર્ષોથી અનુભવી અને સીનીયર ખેલાડીઓ રણજી સહીતની ડોમેસ્ટીક ટુર્નામેન્ટ રમવાનું ટાળતા હોવાનું ધ્યાને આવતા ક્રિકેટ બોર્ડે આ નિર્ણય લીધો હતો.

હાર્દિક પંડયા બરોડાની ટીમ વતી રમે તેવી શકયતા છે.બરોડા ક્રિકેટ એસોસીએશનની ક્રિકેટ સલાહકાર સમિતિનાં ચેરમેન કિરણ મોરેએ કહ્યું કે આંતર રાષ્ટ્રીય મેચોને કારણે હાર્દિકને ઘરેલુ ક્રિકેટ રમવાથી દુર રહેવુ પડે છે તેનો ભાઈ કુણાલ પંડયા ડોમેસ્ટીક ક્રિકેટ રમી શકે છે પરંતુ તેણે પણ કાઉન્ટી ક્રિકેટમાં કોન્ટ્રાકટ કર્યો છે. 2021 માં વિજય હઝારે ટ્રોફીમાં તે બરોડાની ટીમનો કેપ્ટન હતો ગત વર્ષે સૈયદ મુશ્તાકઅલી ટ્રોફીમાં પણ ટીમ વતી રમ્યો હતો.

હાર્દિક છેલ્લે 2018 માં બરોડા વતી મુંબઈ સામેનો રણજી મેચ રમ્યો હતો. ગુજરાત ક્રિકેટ એસોસીએશનના સેક્રેટરી અનિલ પટેલે કહ્યું કે બુમરાહ નવી સીઝનમાં ગુજરાતની ટીમ વતી ડોમેસ્ટીક ક્રિકેટ રમવા આતુર છે. આંતર રાષ્ટ્રીય મેચો તથા ઈજાને કારણે તે ઘરેલુ ક્રિકેટ રમી શકતો નથી હવે ભારતીય ટીમનાં કેલેન્ડર તથા ફીટનેસના આધારે ઘરેલુ ક્રિકેટમાં રમવાનું નકકી થશે.

અક્ષર પટેલ ગત સીઝનમાં ગુજરાત વતી રમ્યો હતો નવી સીઝનમાં પણ તે ઉપલબ્ધ રહે તેવી આશા છે. બુમરાહ ગુજરાત વતી છેલ્લે 2017 માં રણજી મેચ રમ્યો હતો.જયારે અક્ષર પટેલ 2023 માં રણજી ઉપરાંત વન-ડે તથા ટી-20 મેચ પણ રમ્યો હતો.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં પ્રમુખ જયદેવ શાહે કહ્યું કે રવિન્દ્ર જાડેજા આગામી રણજી સીઝનમાં સૌરાષ્ટ્રની ટીમમાં સામેલ થાય તો અન્ય ખેલાડીઓને પણ પ્રેરણા મળશે. ગત વર્ષે 2023 માં તે સૌરાષ્ટ્ર વતી રણજી રમ્યો હતો.

Print