www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘આ કામ અમારામાં ન આવે’ : ચાલુ વરસાદમાં ખાડામાં ફસાયેલી કારના ચાલકને કોર્પોરેશન તંત્રનો ઉડાવ જવાબ


150 ફુટ રોડ પર સબ-વે બાજુમાં ત્રણ કાર રોડમાં ઉતરી ગઇ : માલિકોએ રૂા. 1500ના સ્વખર્ચે વાહન બહાર કઢાવવું પડયું

સાંજ સમાચાર

► ભૂગર્ભ ગટરની કામગીરી બાદ પડેલા માટીના ઢગલામાં વાહનો ખૂંપી ગયા : મનપા તંત્રને ફોન કરતા જવાબદારીની  ફેંકાફેંકી કરી
રાજકોટ, તા.24
ગઇકાલથી રાજકોટમાં મેઘમેહર જોવા મળી હતી. તદ્પરાંત આજે સવારે પણ શહેરમાં વરસાદ ખાબક્યો હતો. શહેરમાં અસહય બફારા બાદ વરસાદની એન્ટ્રી થતાં લોકોએ વરસાદની મોજા માણી હતી. પરંતુ મેઘરાજાના આગમનની સાથોસાથ તંત્રની પણ પોલ ખુલી ગઇ હતી. વરસાદ પડતાની  સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી છતી થઇ હતી. શહેરમાં એક ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા તેમજ માટી બેસી જતાં અનેક વાહનો ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

જેમાં શહેરના 150 ફૂટ રીંગ રોડ પાસે આવેલ અમૃત સાગર પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ સબ-વે કોફી સેન્ટરની બહાર પાર્ક થયેલ 3 ગાડીઓ રસ્તામાં અંદર સરકી ગઈ હતી. કોફી સેન્ટર માલિકએ ’સાંજ સમાચાર’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા મારા કોફી સેન્ટરની સામે ગટરનું કામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન મ્યુ. કોર્પોરેશનને જાણ કરતા ગટરનું કમાં પૂર્ણ કરી માત્ર ધૂળ નાખીને નીકળી ગયા હતા. આથી ગઇકાલે પડેલ વરસાદને પરિણામે ત્યાં મોટો ખાડો પડી ગયો હતો

 મારા સહિત મારા કોફી સેન્ટરમાં આવેલ બીજા લોકોની એમ કુલ 3 ગાડીઓ રસ્તામાં અંદર સરકી ગઈ હતી. ત્યાર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરિયાદ વિભાગનો સંપર્ક કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ’આ કામ અમારામાં ન આવે’ તેમ કહીને ઊડતો જવાબ આપ્યો હતો. તે ખાડામાં માત્ર કાર જ ફસાઈ હતી, તે કારમાં બીજું કોઈ વ્યક્તિ ન હતું. જો તે કારમાં કોઈ વ્યક્તિ હોત તો જાનહાનિ થઈ શકે તેમ હોત. 

આથી અમે અમારા સ્વખર્ચે ટોઈંગવાન બોલાવી એક કારના 1500 રૂપિયા ભરીને કારને બહાર કઢાવી હતી. આ રીતે કોર્પોરેશનનો સંપર્ક કર્યો હોવા છતાં યોગ્ય જવાબ મળ્યો ન હતો અને ભૂગર્ભ ગટરની ચાલી રહેલી કામગીરીનું યોગ્ય નિરાકરણ ન થતાં કાર રસ્તામાં અંદર સરકી ગઈ હતી. હાલ આ ખાડાના રીપેરીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 

શહેરમાં રવિવારથી મેઘ મંડાણ થયા છે. ત્યારે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. મહુડી, 150 ફૂટ રોડ, નાના મવા સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે વરસાદની સિઝન શરૂ થતા જ મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

 

Print