www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સતત પાંચમાં દિવસે 0.5 થી 1 ઈંચ વરસાદ


વિસાવદર - થાન - રાજુલામાં પોણોથી એક ઈંચ: ધરમપૂર - કપરાડામાં એક ઈંચ: ધારી - બાબરામાં 0.5 ઈંચ મેઘકૃપા: ખેડૂતો ખૂશ

સાંજ સમાચાર

રાજકોટ,તા.19
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઈકાલે પાંચમાં દિવસે પણ છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. જૂનાગઢનાં વિસાવદરમાં-1, વલસાડનાં ધરમપૂર અને કપરાડામાં એક-એક, થાનમાં-1 તથા અંકલેશ્વરમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.જયારે પાલિતાણામાં 0.5 ઈંચ, વેરાવળમાં 0.5 ઈંચ, વરસાદ વરસી ગયો હતો.

ઉપરાંત અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય તેમ વરસાદ વરસી રહયો છે ત્યારે ગઈકાલે ભીમ અગિયારસના દિવસે પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. 

બાબરા પંથકમાં ગઈકાલ પડેલા વરસાદ બાદ ગઈકાલે સતત ત્રીજા દિવસે અગિયારસનું મુહૂર્ત સાચવતાં હોય તેમ મેઘરાજાએ પધરામણી કરી હતી. બાબરાનાં ચમારડી,વલારડી, પીર ખીજડિયા, ઈંગોરાલા સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. બાબરા પંથકમાં પડ્યો હતો. સારો વરસાદ વરસી જતાં જગતનો તાત થયો રાજીનો રેડ થઈ જવા પામ્યો હતો.

ધારી ગીર પંથકમાં ગઈકાલે ભીમ અગિયારસના દિવસે સીઝનના પ્રથમ વરસાદનું આગમન થયું હતું. ધારી શહેર સાથે ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હોય તેમ ધારી ગીરના ખોખરા, સરસીયા, હરીપરા ગામમાં વરસાદ પડ્યો હતો. ચોમાસાના પ્રથમ વરસાદની શરૂઆતથી બાળકો વરસાદી વાતાવરણની મજા માણી હતી. જયારે ધારીપંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

રાજુલા પંથકના ગઈકાલે વાતાવરણમાં પલ્ટો આવતાંની સાથે જ રાજુલા શહેર સહિત રાજુલાના ડુંગર, માંડરડી, ઝાપોદર, આગરીયા સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. કાગડોળે રાહ જોતા ખેડૂતોમાં વરસાદથી હાશકારો થવા પામેલ છે.અને અસહ્ય ગરમી બાદ વાતાવરણ ઠંડક પ્રસરી જવા પામેલ છે. જાફરાબાદ પંથકના કાસ્ટલ બેલ્ટ ઉપર પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાથે જાફરાબાદ તાલુકાના લોર, પીછડી, ટીમ્બી, ફાચરીયા ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો.

લોર ગામની ધાતલ નદી અને દલી નદીમાં પૂર આવતાં આ બે નદીઓ વહેતી થઈ જવા પામી હતી. અમરેલી શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અમરેલી તાલુકાના ચક્કરગઢ, દેવભૂમિદેવળીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જયારે  દેવભૂમિ દેવળીયાની નદીમાં આવ્યું પૂર આવ્યું હતું. અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ ખાતે ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજુલામાં 16 મી.મી., કુંકાવાવમાં 10 મી.મી., બાબરામાં 10 મી.મી., ધારીમાં 1 મી.મી., વરસાદ નોંધાયો હતો.

જયારે જામનગરમાં ભેજના કારણે અસહ્ય બફારાથી લોકો ત્રસ્ત બન્યા હતાં. મહત્તમ તાપમાન આંશિક વધીને 36.5 ડિગ્રી રહ્યું હતું.ખાસ કરીને બપોરના સમયે આકરા  તાપનો અનુભવ લોકોએ કર્યો હતો.જો કે આજે પવનની ગતીમાં વધારો થતાં લોકોએ રાહત અનુભવી હતી

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 74 ટકા રહેતા બફારો યથાવત રહ્યો હતો. મહત્તમ તાપમાનમાં 36.5 ડિગ્રી નોંધાયો હતો. લઘુતમ તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું હતું.જામનગરમાં વરસાદી વાદળોની આવન-જાવન વચ્ચે  સવારે 8 વાગ્યે પૂરા થતા ચોવિસ કલાક દરમિયાન આંશિક ઘટાડા - સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 74 ટકા રહ્યું હતું.તો પવનની ગતીમાં વધારો થતાં લોકોએ રાહત અનુભવી હતી.

શહેરમાં ભેજના આટલા વધુ પ્રમાણના પગલે બફારો યથાવત રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં આંશિક વધીને મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી અને અડધા ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની 13.6 કિમીની રહેવા પામી હતી.

Print