www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નોંધપાત્ર વરસાદના પગલે સૌરાષ્ટ્રના 16 ડેમોમાં 0.5 થી 13 ફુટ નવા નીર ઠલવાયા


રાજકોટ જિલ્લાના ફોફળમાં 7.28 અને મોજમાં 5 ફુટ તેમજ જામનગરના ફોફળ-2માં 13.25 અને સસોઈમાં 12.63 ફુટ તેમજ મોરબીના ઘોડાધ્રોઈમાં પોણો અને મચ્છુ-2માં 0.5 ફુટ નવા પાણીની આવક નોંધાઈ

સાંજ સમાચાર

રાજકોટ,તા.27
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસુ બરોબરનું જામી ગયુ છે અને સર્વત્ર છેલ્લા કેટલાક દિવસોથી સારો એવો વરસાદ પડી રહ્યો છે. વરસાદની સાથોસાથ સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના જુદા જુદા જીલ્લાના ડેમોમાં પણ નવા નીરની નોંધપાત્ર આવક થઈ રહી છે.

ગઈકાલે જ રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર અને સુરેન્દ્રનગર જીલ્લામાં પડેલા સારા વરસાદને પગલે કુલ 16 ડેમોમાં 0.5 થી 13 ફુટ જેવા નવા નીરની નોંધપાત્ર આવક થવા પામી છે. રાજકોટ જીલ્લાના ચાર ડેમોમાં મોરબી જીલ્લાના ત્રણ ડેમોમાં જામનગર જીલ્લાના સાત ડેમોમાં અને સુરેન્દ્રનગર જીલ્લાના બે ડેમોમાં નવા પાણીની આવક થવા પામી હતી.

દરમ્યાન રાજકોટ સિંચાઈ વિભાગના ફલડ સેલના જણાવ્યા મુજબ રાજકોટ જીલ્લાના મોજ, ફોફળ, આજી-1 અને ન્યારી-2 ડેમમાં નવા પાણીની આવક થવા પામી છે. સૌથી વધુ ફોફળ ડેમમાં 7.28 ફુટ અને મોજ ડેમમાં પાંચ ફુટ નવુ પાણી છેલ્લા 24 કલાકમાં ઠલવાયુ હતું. આ ઉપરાંત આજી-1 ડેમમાં 0.10 ફુટ અને ન્યારી-2 ડેમમાં 0॥ ફુટ નવુ પાણી આવેલ હતું.

આ ઉપરાંત મોરબી જીલ્લાના મચ્છુ-2, ઘોડાધ્રોઈ અને બ્રાહ્મણી-2 ડેમમાં પણ નવા પાણીની આવક થવા પામી હતી. ખાસ કરીને મચ્છુ-2 ડેમમાં 0॥ ફુટ, ઘોડાધ્રોઈ ડેમમાં પોણો ફુટ અને બ્રાહ્મણી-2 ડેમમાં પોણો ફુટ નવા પાણીની આવક થઈ હતી તેમજ જામનગર જીલ્લાના ફુલઝર-1, ફોફળ-2, ઉંડ-3, વાડીસંગ, ફુલઝર(કોબા), ઉમિયાસાગર અને સસોઈ-2 ડેમમાં નવા પાણીની આવક થવા પામી હતી.

ફલડ સેલ અનુસાર ફોફળ-2 ડેમમાં સૌથી વધુ 13.25 ફુટ નવુ પાણી છેલ્લા 24 કલાકમાં ઠલવાયુ હતું. આ ઉપરાંત ફુલઝર-1માં 0.33, ઉંડ-3માં 6.89, વાડીસંગમાં 4.50, ફુલઝર(કોબા)માં 4.10, ઉમિયાસાગરમાં 1 અને સસોઈ-2 ડેમમાં 12.63 ફુટ નવુ પાણી આવવા પામ્યું હતું. જયારે સુરેન્દ્રનગર લીંબડી ભોગાવો-2(વડોદ) ડેમમાં 0.16 ફુટ નવા પાણીની આવક થવા પામી હતી.

Print