www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ અગ્નિકાંડમાં 100 પાનાનો રીપોર્ટ સરકારને સુપ્રત: જુદા જુદા વિભાગોની બેદરકારી પર પ્રકાશ પડાયો: રાજકારણીઓના રોલ વિશે મૌન?


સીટના વડા સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સભ્યોએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રીપોર્ટ સોંપ્યો: બનાવને ‘એફએસએલ આર્કિટેક’ કરાયાનો નિર્દેશ: કોર્પોરેશન-ફાયર બ્રીગેડ, ટાઉન પ્લાનીંગ, પોલીસ, માર્ગ-મકાન જેવા વિભાગોની લાપરવાહીનો સંકેત: બે ડઝન અધિકારીઓની પૂછપરછ: હજુ તપાસ ચાલુ જ છે-સુભાષ ત્રિવેદી

સાંજ સમાચાર

રાજકોટ, તા.21
રાજકોટમાં 27 લોકોનો ભોગ લેનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની તપાસ માટે રચાયેલી  સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્વારા 100 પાનાનો તપાસ રીપોર્ટ આજે સરકારને સોંપી દેવામાં આવ્યો છે. કોર્પોરેશન સહિત જુદા-જુદા વિભાગોની બેદરકારી વિષે આંગળી ચીંધવામાં આવ્યા હોવા ઉપરાંત ગંભીર નિર્દેશો કરવામાં આવ્યા છે. જો કે હજુ તત્કાલીન સીનીયર સહિતના કેટલાક અધિકારીઓના નિવેદનો પૂછપરછ બાકી હોવાથી તપાસ ચાલુ જ રાખવામાં આવનાર છે.

અગ્નિકાંડની તપાસ માટે સીનીયર આઇપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ ટીમની રચના કરવામાં આવી હતી તેના દ્વારા બે ડઝન જેટલા અધિકારીઓની પૂછપરછ કરવા ઉપરાંત નિવેદન નોંધવામાં આવ્યા હતા અને તેના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. સીટના સભ્યો આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા અને 100 પાનાનો રીપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો હતો. 

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક બાદ સીટના વડા સુભાષ ત્રિવેદીએ વાતચીતમાં જણાવ્યું હતું કે રીપોર્ટ 100 પાનાનો છે. બે ડઝન અધિકારીઓના પૂછપરછમાં નિવેદનો સામેલ છે. ઘટનાનું એફએસએલ આર્કીટેક્ કરાવવામાં આવ્યું છે. દરેકે દરેક પાસાનો અભ્યાસ કરીને તપાસમાં આવરી લેવામાં આવ્યા છે. જુદા જુદા વિભાગોની બેદરકારી સામે આવી છે. 

તેમણે ચોખવટ કરી કે ગેમઝોનના પ્રારંભ વખતે અને ત્યારપછીના અગ્નિકાંડ સુધીના ઘટનાક્રમ દરમ્યાન ફરજ પરના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. કેટલાક અધિકારીઓની પૂછપરછ બાકી છે એટલે હજુ સીટની તપાસ ચાલુ જ રહેશે. 

ગેમઝોનમાં પેટ્રોલના જથ્થા વિશે તેઓએ કહ્યું કે 20 લીટરથી વધુનો જથ્થો હોય તો જ ગુનો બને છે. ગેમઝોનમાં ચાલતી સ્પોર્ટસ કાર માટે સંચાલકો કેરબામાં પેટ્રોલ ચલાવતા હતા વિવિધ લોકોની પૂછપરછમાં આવું બહાર આવ્યું છે. તપાસમાં કોઇ કચાસ રાખવામાં આવી નથી અને કોઇપણ જવાબદારોને છોડવામાં નહીં આવે.

ગેમઝોનમાં બર્થડે પાર્ટીમાં અધિકારીઓની હાજરી વિશે તેઓએ કહ્યું કે માર્ચ મહિનામાં યોજાયેલી બર્થ-ડે પાર્ટીમાં અધિકારીઓની હાજરી હતી. સુત્રોના કહેવા પ્રમાણે 100 પાનાના રીપોર્ટમાં ફાયર બ્રીગેડ ટાઉન પ્લાનીંગ લાયસન્સ બ્રાંચ, પોલીસના વિભાગો અને માર્ગ-મકાન વિભાગની બેદરકારી વિષે પ્રકાશ પાડવામાં આવ્યો છે.

ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા વિશે હજુ તપાસ ચાલુ હોવાના સંકેત અપાયા છે. સીટ દ્વારા તપાસ દરમ્યાન ચાર આઇએએસ તથા એક આઇપીએસ અધિકારીની પૂછપરછ કરવામાં આવી હતી. જુદા- જુદા વિભાગોની બેદરકારી અને ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ વચ્ચે કોઇપણ પદાધિકારી કે રાજકારણીના નામ રીપોર્ટમાં છે કે કેમ તે વિષે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી ત્યારે પદાધિકારીઓને ક્લીનચીટ આપવામાં આવી છે કે કેમ તે વિષે રહસ્ય સર્જાયું છે. 

Print