www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટમાં પ્રજાના આરોગ્ય સાથે સતત ચેડા: લેબોરેટરીના રિપોર્ટમાં થતા ઘટસ્ફોટ

ટૂટી-ફૂટી, દૂધ- ઘી - પનીર સહિતના નમુના ફેઈલ જતા 11 લાખનો દંડ


મહારાષ્ટ્રના જલગાંવના નિર્લોસ એન્ટરપ્રાઈઝના ટૂટી-ફૂટીના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા પેઢી અને માલીકને રૂા.દોઢ-દોઢ લાખ, દાણાપીઠના ભુવનેશ દિપક ચંદ્રાણીને ત્યાંથી લેવાયેલ નયનદીપ ઘીના નમુના નાપાસ થતા પેઢી અને ઓનર્સને રૂા.અઢી-અઢી લાખ, તરઘડીમાંથી લેવાયેલ નંદગ્વાલ કાઉ-કુંજ ઘીના સેમ્પલ પણ ફેઈલ, વેપારીને રૂા.એક-એક લાખનો દંડ: અધિક કલેકટરની ફૂડ કોટમાં 8 કેસ ચાલી જતા દંડનીય કાર્યવાહી

સાંજ સમાચાર

રાજકોટ,તા.27
રાજકોટ શહેર-જિલ્લામાં પ્રજાજનોના આરોગ્ય સાથે સતત ચેડા થઈ રહ્યા છે તેનો ફૂડ સેમ્પલોના લેબોરેટરી રીપોર્ટમાં ઘટસ્ફોટ થઈ રહ્યો છે. અધિક કલેકટર ચેતન ગાંધીની ફુડ કોટમાં ચલાવાયેલા વિવિધ 8 કેસમાં જવાબદાર પેઢી અને ડીસ્ટ્રીબ્યુટર તેમજ વેપારીઓને રૂા.11 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે.

જેમાં મહારાષ્ટ્રના જલગાંવની નિર્લોષ એન્ટરપ્રાઈઝ નામની કંપનીના ટુટી ફુટીના નમૂના મ્યુનિ.કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ હતા જે લેબ તપાસ દરમ્યાન ફેઈલ જતા આ પેઢીને રૂા.દોઢ લાખ અને તેના માલીક ઉજજવલસિંઘને રૂા.દોઢ દોઢ લાખનો દંડ ફટરવામાં આવ્યો છે. તેમજ આ પેઢીના ડીસ્ટ્રીબ્યુટર રોમીલ અરૂણ કારીયાને રૂા.10 હજારનો દંડ કરવામાં આવેલ છે.

આવી જ રીતે રાજકોટના દાણાપીઠ વિસ્તારના ભુવનેશ દિપક ચંદ્રાણીને ત્યાંથી લેવાયેલ નયનદીપ પ્યાર ઘીના 15 કિલોના 12 સેમ્બલ લેબ ચકાસણી દરમ્યાન સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા આ વેપારી પેઢીને અઢી લાખ તેમજ તેના ઓનરને અઢી લાખ મળી કુલ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જયારે જેતપુરના ઉમરાળીના પ્રવિણ દેવશી ભુંડીયાને ત્યાંથી 160 લીટર દૂધના સેમ્પલ લેવામાં આવેલ હતા. તેના લેબ રીપોર્ટમાં વેજીટેબલ ઓઈલના કન્ટેન મળી આવતા આ વેપારીને રૂા.25 હજારનો તેમજ જેતપુરના ખટાણા દેવાયતભાઈ વસ્તાભાઈને ત્યાંથી 50 કિલો અને 30 કિલો બે અલગ અલગ પનીરના નમૂના લેવામાં આવેલ હતા જે પણ લેબ તપાસણીમાં નાપાસ જાહેર થતા અને તેમાં વેજીટેબલ ઓઈલના કન્ટેન મળી આવતા આ બન્ને કેસમાં રૂા.45 હજારનો દંડ કરવામાં આવેલ હતો.

આ ઉપરાંત ધમાલપર તરઘડીમાંથી મુકેશ શીવલાલ નથવાણીને ત્યાંથી નંદગ્વાલ પ્યોર કાઉ-કુંજ ઘીના 324 નંગના નમૂના તેમજ આ જ વેપારીને ત્યાંથી કુંજ-કાઉ ઘીના 15 કિલો ઘીના 10 ડબ્બાના નમૂના લેવામાં આવેલ હતા. આ બન્ને નમૂના ફેઈલ જતા આ વેપારીને એક એક લાખ મળી કુલ બે લાખનો દંડ ફટકરવામાં આવ્યો છે.

તેમજ રાજકોટના કોઠારીયા રોડ પર ભરતભાઈ ભુવા પાસેથી પણ દૂધનો નમૂનો લેવામાં આવેલ હતો. 30 લીટર દૂધના આ નમૂના લેવામાં આવેલ હતા. જે ફેઈલ જતા ભરતભાઈ ભુવા અને આ દૂધની પેઢીના માલીક પ્રતિક વિનુભાઈ વસાણીને રૂા.10-10 હજાર મળી કુલ રૂા.20 હજારનો દંડ ફટકારવામાં આવેલ હતો.

Print