www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સોરઠ જળબંબાકાર : સર્વત્ર પાણી.. પાણી : જનજીવન-વાહન વ્યવહાર પ્રભાવિત

વંથલીમાં 15 ઇંચ વરસાદ : જિલ્લામાં શાળા - કોલેજો બંધ


વિસાવદર 14, જુનાગઢ શહેર-ગ્રામ્ય 12, કેશોદ 10, માણાવદર 9, મેંદરડા 8, ભેંસાણ-માળીયા હાટીના 7, માંગરોળ 5, ઓઝત, મધુવંતી નદીઓમાં ઘોડાપુર : માણાવદર-કુતિયાણાના 15 ગામો સંપર્કવિહોણા થયા : બાંટવાનો ખારો, વિલિંગ્ડન, રસાલા ડેમ ઓવરફલો : જુનાગઢ-પોરબંદર હાઇવે માર્ગ ખુલ્લો થતા રાહત : સરાડીયા ગામમાં ખેતરો ધોવાયા : નુકસાન

સાંજ સમાચાર

જુનાગઢ, તા. 2
ગઇકાલે સવારે 6થી સવારે 6 દરમ્યાન છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વંથલીમાં 15 ઇંચ ખાબકતા જળબંબાકાર થઇ જવા પામતા ખેતરો પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યા છે.

ઓઝત, ઉબેણ, મધુવંતી છલકાય જવા પામ્યા છે. બારે મેઘ ખાંગા હોય તેમ 24 કલાકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી છે. વિસાવદર અને જંગલ વિસ્તારમાં આભ ફાટયું હોય તેમ 24 કલાકમાં બીજા ક્રમે 14 ઇંચ વરસાદ ખાબકયો છે. વિસાવદરની ઓઝત નદીમાં ઘોડાપુર આવતા એક ઝાટકે પાણીનો પ્રશ્ન હલ થઇ જવા પામ્યો છે. 

માણાવદરમાં ગઇકાલ સવારના 8થી સવારના 8 દરમ્યાન 9 ઇંચ વરસાદ નોંધાયો છે જેમાં બાંટવા ખારા ડેમ, માણાવદરનો રસાલા ડેમ છલકાયો છે. બાંટવા ખારા ડેમના ગઇકાલે 6 દરવાજા ખોલી નાખવામાં આવતા ભલગામ, કોડવાવ, રેવદ્રા સહિતના ગામડાઓ પુરના પાણીમાં વિખુટા પડી જવા પામ્યા હતા.

ઉપરાંત ઓસમના ડુંગરમાં ભારે  ધોધમાર વરસાદ ખાબકતા સરાડીયાની ધુંધવી નદીના ઘોડાપુર સરાડીયા ગામે ફરી વળ્યા છે. સરાડીયા બસ સ્ટેશનથી આગળ જુનાગઢ-પોરબંદર સ્ટેટ હાઇવે ગઇકાલથી બંધ થઇ જવા પામ્યો હતો. બાંટવા ખારા ડેમના દરવાજા ખોલી નાખતા ખારા ડેમ નીચેના બેઠા પુલમાં વાહન વ્યવહાર બંધ થઇ જવા પામ્યો હતો.

જે આજે વહેલી સવારે જુનાગઢ-પોરબંદર વાહન વ્યવહાર સરાડીયાથી આગળ મેલના વાયા (પુલ)માં પાણી ઓસરતા પૂર્વવત થઇ જવા પામ્યો છે. ગઇકાલે આખો દિવસ પોરબંદર હાઇવે જુનાગઢનો બંધ થઇ જવા પામ્યો હતો. 

ઉપરવાસ ભાદર નદીમાં ઓછા વરસાદના કારણે આ વખતે સરાડીયા સ્ટેટ હાઇવેની દુકાનોમાં પાણી અંદર ઘુસ્યા ન હતા જેથી રાહતનો શ્વાસ લીધો છે. સાંબલીયા, ઘેડ પંથકના બાંટવા, મૈયારી, પાદરડી, અમીપુર, બગસરા સહિતના ઘેડ પંથકમાં જળબંબાકાર થઇ જતા વાહન વ્યવહાર બંધ થઇ જવા પામેલ હતો.

સરાડીયાથી આગળ મરમઢ, દેશીગાથી આગળ રત્નાગર નદી બે કાંઠે વહી રહી છે જેના કારણે ઘેડ પંથકના રસ્તાના ગામડાઓનો સંપર્ક આજે બીજા દિવસે પણ તુટી જવા પામ્યો છે. જુનાગઢ બાંટવા, સમેગાની એસ.ટી. બસ  સમેગા ખાતે અટવાઇ જવા પામી છે. ભારે વરસાદના કારણે બાંટવા ખારા ડેમના દરવાજા ખોલતા સમેગા ગામ કોડવાવ ચોતરફથી દરિયામાં ફેરવાઇ જતા એસ.ટી. બસ સમેગા ખાતે ગઇકાલે અટવાઇ જવા પામી છે.

બાંટવા, મોડદરનો રોડ પણ આજે બીજજા દિવસે પણ બંધ પડયો છે. ગરેજ, બળેજના રોડ પર પાણી ફરી વળતા આ રોડ પર વાહન વ્યવહાર બંધ થઇ જવા પામ્યો છે. 
જુનાગઢનો વિલિંગ્ડન ડેમ બે કાંઠે વહી રહ્યો છે. સોનરખ નદી, કાળવો બે કાંઠે વહી જતા કાળવાના પાણી ફરી  લક્ષ્મીનગર, આલ્ફા સ્કુલ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકો ગત વર્ષની યાદ તાજી થવા પામી હતી. 

નરસિંહ મહેતા સરોવર અને દામોદર કુંડમાં નવા નીર સીઝનના પ્રથમવાર આવવા પામ્યા છે. નરસિંહ મહેતા સરોવરનું રિનોવેશન બે વર્ષથી ચાલુ હોય આ વર્ષે પ્રથમવાર નરસિંહ મહેતા સરોવરમાં પાણી ભરાયું છે.  

ઘેડ પંથકમાં ઉપરાંત ઓઝત નદીના કાંઠાના વિસ્તારોમાં માટીના પારાનું ધોવાણ થવા પામ્યાનું જાણવા મળી રહ્યું છે. મધુવંતી નદીમાં ભારે પુરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાઇ થઇ જવા પામ્યા છે. 

વંથલીમાં ભારે વરસાદના કારણે સાંતલપુર, મેઘપુર, નાવડા, પીપલાણા સહિતના ગામડાઓ ઉપરાંત ટીકર ગામડાઓ બેટમાં ફેરવાઇ જવા પામ્યા છે. આજે સવારથી મેઘરાજાએ વિરામ લીધો છે.

 ભારે વરસાદને પગલે જુનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આજ ર જુલાઇએ જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સાથે જ સ્ટાફને હેડ કવાર્ટર ન છોડવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

Print