www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જ્યોર્જિયામાં અકસ્માતના કેસમાં અધધ 162 મિલિયન ડોલરનું વળતર


ફોલ્ટીવાનની દુર્ઘટનામાં સાત મહિલાના મોત થયા હતા.....

સાંજ સમાચાર

જ્યોર્જિયા,તા.2
જ્યોર્જિયાની ગ્વિનેટ કાઉન્ટીમાં ત્રણ વર્ષ પહેલા થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં રેકોર્ડ 162 મિલિયન ડોલરમાં સેટલમેન્ટ થયું છે. આ અકસ્માતમાં સાત મહિલાના મોત થયા હતા જ્યારે નવ અન્ય લોકો ઘાયલ થયા હતા.

24 એપ્રિલ 2021ના રોજ થયેલા અકસ્માતમાં I-85 પર દોડી રહેલી વાન પલ્ટી ખાધા બાદ આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. તમામ મૃતક મહિલાઓ તેમજ વાનમાં સવાર અન્ય લોકો એડિક્શન રિકવરી ગ્રુપ હોમના મેમ્બર હતા અને અકસ્માત થયો તે દિવસે એક મિટિંગમાં સામેલ થવા માટે વાનમાં જઈ રહ્યા હતા.

આ કેસમાં મૃતકો તેમજ ઘાયલોના પરિવારજનોએ જે સંસ્થામાં તે લોકો રહેતા હતા તેના પર તેમજ પેસેન્જર વાનના મેકર પર અને વાન ચલાવી રહેલી મોનિકા એલિઝાબેથ સહિતના લોકો સામે લોસ્યૂટ ફાઈલ કર્યા હતા.બંને પક્ષો વચ્ચે 162 મિલિયન ડોલરમાં સમાધાન થયું છે અને જ્યોર્જિયાના ઈતિહાસમાં સિંગલ વ્હીકલ એક્સિડન્ટમાં આટલી મોટી રકમમાં સમાધાન થયું હોય તેવો આ પહેલો કિસ્સો છે.અકસ્માતનો ભોગ બનેલી વાનમાં કુલ 16 લોકો સવાર હતા, જેની મહિલા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો હતો.

કોર્ટમાં ફાઈલ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર ફરિયાદ પક્ષે અકસ્માતનો ભોગ બનેલી વાનની ડિઝાઈન પર સવાલ ઉઠાવી તેને બનાવનારી કંપની પર દાવો માંડ્યો હતો. તેમનો દાવો હતો કે વાનની ડિઝાઈન ભયજનક અને અનસ્ટેબલ હતી, જેના કારણે લેન ચેન્જ કરતી વખતે વાન પલ્ટી ખાઈ ગઈ હતી અને ગાર્ડરેલને અથડાયા બાદ સળગી ગઈ હતી.

એટલું જ નહીં, વાનનું મેઈન્ટેનન્સ પણ યોગ્ય રીતે કરવામાં નહોતું આવ્યું તેવો આરોપ પણ ફરિયાદ પક્ષે મૂક્યો હતો.આ 162 મિલિયન ડોલરની રકમમાંથી 16 ફરિયાદીઓને વળતર પ્રાપ્ત થશે.

Print