www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જૂનમાં વરસાદની 18 ટકા ખાધ : વહેલું પહોંચેલુ ચોમાસુ ધીમુ પડી જતા ચિંતા


આગામી ચારેક દિવસમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ સહિતના રાજયોમાં સારો વરસાદ થવા આગાહી : દિલ્હીમાં વરસાદ 94 ટકા ઓછો પડયો : પૂર્વોત્તર રાજયોમાં ભારે વર્ષા-અન્ય ભાગોમાં ભારે ગરમી

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 20
રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે હવે ચોમાસુ પણ ચિંતા કરાવી રહ્યું છે. જુન મહિનામાં આજની સ્થિતિએ પુરા દેશમાં વરસાદ  18 ટકા ઓછો થયો છે. ગરમીથી સૌથી વધુ પ્રભાવિત ઉત્તર-પશ્ચિમી ભારતમાં 70 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 

બીજી તરફ દિલ્હી અને એનસીઆરમાં તો 94 ટકા ઓછો વરસાદ પડયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ  ચોમાસુ સિઝનમાં 1 થી 19 જુન વચ્ચે દેશમાં 86.7 મીલીમીટર વરસાદ પડે છે. આ વખતે આ વરસાદ 70.7 મીમી થયો છે. દક્ષિણ ભારતમાં આ દરમ્યાન સામાન્યથી 15 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

આ સિઝનમાં ચોમાસાએ મેના અંતમાં જ વહેલો પ્રવેશ કરી લીધો હતો. બે-ત્રણ દિવસમાં ચોમાસુ મહારાષ્ટ્રના અમુક ભાગો, છત્તીસગઢ, ઓરીસ્સા,  આંધ્રપ્રદેશના કાંઠા સુધી પહોંચે તેમ છે. બિહાર અને ઝારખંડ સુધી પણ આ વરસાદ પહોંચી શકે છે.

દરમિયાન ભારતમાં 1 જુનથી હવામાન પલ્ટો અને ચોમાસાના પ્રવેશની શરૂઆત બાદ વરસાદમાં હાલની સ્થિતિએ લગભગ 20 ટકા ખાધ દેખાઇ રહી છે. હવામાન
વિભાગે જણાવ્યું હતું કે આગામી ત્રણથી ચાર દિવસમાં આ અન્ય રાજયો સાથે પશ્ચિમ બંગાળની ખાડી, બિહાર અને ઝારખંડના ઘણા ભાગોમાં પણ ચોમાસુ પહોંચી શકે છે.

કેરળમાં  બે અને પૂર્વોત્તર રાજયોમાં 6 દિવસ વહેલું 30 જુને ચોમાસુ આવી ગયું હતું. કેરળ, કર્ણાટક, ગોવા, આંધ્રપ્રદેશ અને તેલંગણાના તમામ ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો, દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓડિસા, સિકકીમ, પૂર્વોતર રાજયોના મોટા ભાગોમાં 12 જુન સુધીમાં ચોમાસુ પહોંચી ચૂકયુ હતું.

આઇએમડીએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં પહોંચ્યા બાદ ચોમાસુ આગળ વધ્યું નથી. હવામાન વિભાગના અનુમાન મુજબ દેશભરમાં જુનમાં સરેરાશ વરસાદ સામાન્યથી ઓછો રહેશે.

દિલ્હીમાં હવામાન પલ્ટાયું : રાતથી ધીમો વરસાદ શરૂ : ભારે ગરમી વચ્ચે રાહત
આજે સવારે પણ રીમઝીમ વરસાદ : પાડોશી રાજયોમાં પણ ઠંડક 
નવી દિલ્હી, તા. 20

નવી દિલ્હી અને એનસીઆરમાં ભારે ગરમી વચ્ચે હવામાનનો મિજાજ બદલાયો છે. ગઇકાલે રાત્રે અનેક વિસ્તારોમાં  ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણ આહલાદક બની ગયું હતું. હવામાન વિભાગે આજે પણ વરસાદ પડવાની આગાહી કરી છે.  દિલ્હી સહિત અનેક રાજયોમાં ગરમીથી ખરાબ હાલત છે અને પહાડો સુધી લોકો હેરાન થયા છે ત્યારે આજે સવારથી દિલ્હી અને એનસીઆરમાં વાતાવરણ બદલાવા લાગ્યું છે.

રીમઝીમ વરસાદ વચ્ચે અનેક જગ્યાએ ભારે પવન ફુંકાયો હતો. પંજાબ, હરીયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને ઉતર રાજસ્થાનના અનેક ભાગોમાં ગઇકાલે પણ તાપમાન 43 થી 45 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. દિલ્હીમાં લુથી અનેક લોકોના મૃત્યુ પણ થયા છે. આ બાદ આજથી હવામાન બદલાઇ રહ્યું છે. 

દિલ્હી, નોઇડામાં આજે પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તરાખંડ, દેહરાદુન, સીમલા અને આસપાસના ભાગોમાં  હળવો વરસાદ શરૂ થયો છે. ઉત્તરપ્રદેશના અમુક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. 

દિલ્હીમાં ફૂટપાથ પર જીવતા 192  લોકોના ગરમીથી મોત : હાહાકાર
47 ડિગ્રી ઉપરના તાપમાનના કારણે બેઘર લોકોના જીવ ગયા : ભીષણ લૂનો પ્રકોપ
નવી દિલ્હી, તા. 20

કાળઝાળ ગરમીથી દિલ્હીની હાલત પણ ખરાબ છે અને તાપમાન 47 ડિગ્રીએ પહોંચી ગયું છે. હીટ સ્ટ્રોકના કારણે લોકો બીમાર અને મૃત્યુ પામ્યા હોવાના સતત અહેવાલો મળી રહ્યા છે. જે લોકો બેઘર છે અથવા ફૂટપાથ પર રાત વિતાવે છે તેમના માટે તો સ્થિતિ વધુ મુશ્કેલ છે. એક અહેવાલ અનુસાર, 11 થી 19 જૂન વચ્ચે દિલ્હીમાં ભીષણ લૂને કારણે 192 બેઘર લોકોના મોત થયા છે.

લૂને કારણે ઘરવિહોણા લોકોની સમસ્યાઓમાં ધરખમ વધારો થાય છે. ગરમીથી બચવા માટે આરોગ્ય સુવિધા, કુલર, એસી, પંખા ઉપરાંત ઘરવિહોણા લોકોને ગરમીથી સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે થાક, હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનનો સામનો કરવો પડે છે. તેમને આશ્રય આપવા માટે બનાવવામાં આવેલા આશ્રયસ્થાનો ઘણીવાર ક્ષમતા અને સુવિધાઓની દ્રષ્ટિએ ઓછા પડે છે. જેના કારણે હવામાનમાં થતા ફેરફારો તેમને સૌથી વધુ અસર કરે છે. ભારે ગરમી અને ઠંડીમાં સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે.

સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ નામના એનજીઓના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુનિલ કુમાર અલેડિયાએ જણાવ્યું હતું કે, 11થી 19 જૂન 2024 વચ્ચે દિલ્હીમાં તીવ્ર લૂના કારણે 192 બેઘર લોકોના મોત થયા છે. 2024માં મૃત્યુઆંક ગયા વર્ષની 11મી જૂનથી 19મી જૂન વચ્ચેના મૃત્યુની સરખામણીએ ઘણો વધારે છે. 80 ટકા અજાણ્યા મૃતદેહો બેઘર લોકોના છે.

 

Print