www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જિલ્લાના 417માંથી 260 ગામો નર્મદા નીર આધારીત


સાંજ સમાચાર

જામનગર તા.1

જામનગર શહેર-જિલ્લામાં વરસાદનું આગમન થઈ ચુક્યું છે. ખેડુતો વાવણી કરવા લાગ્યા છે. છતાં ચોમાસાનો માહોલ બંધાતો ન હોવાથી જગતનો તાત પુરો નિશ્વિત થયો નથી. છતાં ગતવર્ષે સારો વરસાદ હોવાથી ગ્રામ્યમાં પાણીની સ્થિતિ વણસી નથી. છતાં જિલ્લાના 417 ગામોમાંથી 260 ગામો નર્મદાની લાઈન આધારિત બન્યા છે. બીજી તરફ જામનગર શહેરને અપાતા નર્મદાના નીરમાં બે-ત્રણ દિવસથી ધાંધીયા સર્જાયા છે. પરંતુ મહાનગરપાલિકા  ગાડું ગબડાવે છે.

સાંધા મારીને શહેરની પાણીની દૈનિક જરુરીયાત 140- 145 એમએલડી છે. જે પુરી કરવા મ્યુ. કોર્પોરેશનનો વોટરવર્કસ વિભાગ રણજીતસાગર, સસોઈ, ઉંડ-1 ડેમોમાંથી 25-25 એમલએલડી અને આજી-4માંથી 40 તથા નર્મદામાંથી દૈનિક 30 એમએલડી મળીને કુલ 145 એમએલડી પાણી મેળવે છે. ગત દિવસોમાં સસોઈ ડેમની જળ સપાટી ઘટતી જતી હોવાને કારણે નર્મદા નિગમ પાસેથી વધુ પાણી મેળવવા તંત્રએ વ્યવસ્થા ગોઠવ્યા બાદ નર્મદાનું દૈનિક 10-15 એમએલડી પાણી વધારીને 30-35 એમએલડી સુધી મળવા લાગ્યું હતું. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસમાં નર્મદાનું પાણી માત્ર 20 થી 25 એમએલડીની અંદર જ મળવા લાગતાં રોજ પાણીની ઘટ સર્જાતી જાય છે. જે પાણી વિતરણની નાજુક અને સંવેદનશીલ વ્યવસ્થા ઉપર અસર કરી શકે છે. તંત્ર હાલ જેમ-તેમ કરીને શહેરમાં પાણી વિતરણ કરે છે.

આ જ રીતે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ગ્રામ્યમાં નર્મદા મૈયાના જળ ઉપર 260 ગામો હાલ નભે છે. ગત માસના અંત ભાગે જિલ્લાના 4 ગામોએ ટેન્કરો ચાલુ કર્યા બાદ છેલ્લા બે-ત્રણ દિવસમાં લાલપુરના વિજયપુર ગામે ટેન્કરના ચાલતા 3 ફેરા પાણી પુરવઠા વિભાગે બંધ કરાવ્યા છે. કારણકે આ ગામે નર્મદાની લાઈનમાંથી પાણી મળતું થઈ ગયું છે. જો કે, હજી  જામજોધપુરના તરસાઈમાં ટેન્કરના દૈનિક 10 ફેરા, વસંતપુરમાં દૈનિક 3 ફેરા અને મેલાણમાં દૈનિક 6 ફેરા કરીને પાણી વિતરણ કરવાનું ચાલુ છે.

Print