www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દૂધ ચોરીમાં 6 આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજુર


રાજકોટ રૂરલ એલસીબીની ટીમે જેતપુર પાસે હોટલ નજીક ચાલતું કૌભાંડ પકડી પાડ્યું હતું : બે ટેન્કર, એક બોલેરો પીકઅપ, દુધનો જથ્થો સહિત રૂા.24,47,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

સાંજ સમાચાર

રાજકોટ, તા.19
જેતપુર પાસેથી પકડાયેલ દૂધ ચોરીના બનાવમાં 6 આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજુર થયા છે. આરોપીઓ 10 હજાર લીટર દૂધમાંથી 500 લીટર દૂધ કાઢી લઈ પાણી ઉમેરી દેતા હતા. રાજકોટ રૂરલ એલસીબીની ટીમે જેતપુર પાસે હોટલ નજીક ચાલતું કૌભાંડ પકડી પાડ્યું હતું અને બે ટેન્કર, એક બોલેરો પીકઅપ, દુધનો જથ્થો સહિત રૂ.24,47,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જેતપુરના જેતલસર ગામ પાસે જૂનાગઢ રોડ પર આવેલ સોરઠ હોટેલના મેદાનમાંથી માહી દૂધ ડેરીમાં જુદીજુદી મંડળીઓમાંથી દૂધ ભરી લઈ જતાં ટેન્કરમાંથી દૂધ ચોરી થતી હતી.

જેમાં બે ટેન્કરના બે ડ્રાઈવર બલીરામ લાલબહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબ યાદવ, દૂધની ચોરી કરનાર હીરાભાઈ ગોવિંદભાઈ કલોતરા, અર્જુન રમેશભાઈ ભારાઈ અને જશભાઈ ગોવિંદભાઈ કલોતરા દૂધની ચોરી અને ભેળસેળનું નક્કી કરાવનાર બાલો ઉર્ફે ઘેલીયો પરબતભાઈ કોડિયાતર અને ચોરી માટે બંને પક્ષોને જગ્યા પુરી પાડનાર હોટેલનો ભોગવટો કરનાર ભીખુભાઈ ઘેલાભાઈ રામાણી સામે ગુનો દાખલ કર્યો હતો. દૂધ ભેળસેળ અને ચોરીમાં પકડાયેલ આરોપીઓ કેટલા સમયથી દૂધ ચોરી કરતા હતા? કોને કેટલા પૈસા મળતા હતા?

તેમજ હજુ આ ચોરીમાં બીજું કોણ સામેલ છે ? તે અંગેની તપાસ કરવા માટે એલસીબીએ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના ચાર દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

 

Print