www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

યુપીમાં BSP નેતાની 4440 કરોડની સંપતિ ટાંચમાં


યુનિવર્સિટી બિલ્ડીંગ અને જમીન ઈડીના કબ્જામાં: અબ્દુલ વહીદ ટ્રઝર સામે કાર્યવાહી

સાંજ સમાચાર

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) એ યુપીના સહારનપુરમાં એક યુનિવર્સિટીની આશરે રૂા.4440 કરોડની ઈમારત અને જમીન ટાંચમાં લીધી છે. ઉતરપ્રદેશના ભૂતપૂર્વ બીએસપી એમએલસી મોહમ્મદ ઈકબાલ અને તેના પરિવાર વિરુદ્ધની મની લોન્ડરીંગ તપાસના ભાગરૂપે આ મોટી કાર્યવાહી કરાઈ હતી, એમ ઈડીએ શુક્રવારે જણાવ્યું હતું.

કેન્દ્રીય તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ હેઠળ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કર્યા પછી ગ્લોકલ યુનિવર્સિટીની ઈમારત અને 121 એકર જમીન ટાંચમાં લેવાઈ હતી. આ મિલકતો અબ્દુલ વહીદ એજયુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નામે નોંધાયેલી છે. ટ્રસ્ટનું નિયંત્રણ અને સંચાલન મોહમ્મદ ઈકબાલ અને તેના પરિવારના સભ્યોના હાથમાં છે.

ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટ, ઈકબાલ અને તેના પરિવારના સભ્યો સામેની કાર્યવાહી ગેરકાયદેસર ખાણકામના કેસ સાથે સંબંધીત છે. ભૂતપૂર્વ એમએલસી ફરાર છે અને તે દુબઈમાં હોવાનું માનવામાં આવે છે. તેના ચાર પુત્રો અને ભાઈ સામે અનેક પોલીસ કેસ દાખલ થયેલા છે અને તેઓ જેલમાં બંધ છે.

ઉતરપ્રદેશના સહારનપુર જિલ્લામાં સેન્ડ માઈનિંગ લીઝના ગેરકાયદેસર રિન્યુએલની તપાસ માટે સીબીઆઈએ કેટલાંક સરકારી અધિકારીઓ અને અજાણ્યા વ્યક્તિ સામે દિલ્હીમાં કેસ દાખલ કરેલો છે. ઈડીએ આ કેસને આધારે મની લોન્ડરીંગની કાર્યવાહી કરી હતી.

ઈડીએ જણાવ્યું હતું કે, આ તમામ ખાણકામ કંપનીઓ મોહમ્મદ ઈકબાલ ગ્રુપની માલિકીની છે. આ કંપનીઓ સહારનપુર અને તેની નજીકના વિસ્તારોમાં નિરંકુશ બનીને ગેરકાયદેસર ખાણકામ કરતી હતી.

Print