www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચૂંટણી પુર્વે વેપાર - ઉદ્યોગકારોમાં મોટો ઉહાપોહ સર્જનારા નિયમ રદ થવા વિશે અનિશ્ચિતતા

MSMEને 45 દિવસમાં પેમેન્ટનો નિયમ રદ નહીં થાય? કેન્દ્રને ‘પોઝીટીવ ફીડબેક’ મળ્યા


નવા બજેટમાં નિયમ રદ કરવા સરકારે બાહેંધરી આપી હતી પરંતુ પેમેન્ટ કાયદાથી નાના એકમોને લીકવીડીટી સહિતના મામલે રાહત મળ્યાનો સરકારને રીપોર્ટ

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.19
એમએસએમઈ- નાના એકમોને 45 દિવસમાં પેમેન્ટ કરવાનુ ફરજીયાત બનાવતા લાગુ થયેલા નવા કાયદા સામે રાજકોટ-ગુજરાત સહિત દેશભરના ઉદ્યોગકારોમાં ભારે વિવાદ બાદ નિયમ પાછો ખેંચવાની બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે એવુ જાહેર કર્યુ છે કે નાના ઉદ્યોગોએ નિયમને વધાવ્યો છે અને પોઝીટીવ ફીડબેક આપ્યા છે. આ સંજોગોમાં કાયદો રદ થવા વિશે શંકા વ્યક્ત થવા લાગી છે.

કેન્દ્ર સરકારના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે એમએસએમઈ ક્ષેત્રને રાહત આપવા માટે તેની પાસેથી ખરીદી કરનારાઓને 45 દિવસમાં પેમેન્ટ ફરજીયાત કરવાના કાયદા વિશે નાના ઉદ્યોગોએ હકારાત્મક પ્રતિક્રિયા આપી છે. આ નિયમને કારણે નાના એકમોને સમયસર પેમેન્ટ મળવા લાગ્યા છે અને નાણાકીય રોટેશન સરળ બન્યુ છે. કાર્યકારી મૂડી માટે ધિરાણ પર આધાર રાખવાનુ ઓછુ થયુ છે. લીકવીડીટી મોરચે પણ રાહત થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એમએસએમઈને લગતા આયકર નિયમોમાં કરાયેલા આ બદલાવથી વેપાર ઉદ્યોગ જગતમાં જબરો દેકારો બોલી ગયો હતો. નવા નિયમ હેઠળ એમએસએમઈ એકમને 45 દિવસમાં પેમેન્ટ નહીં કરનાર વેપારી કે ઉદ્યોગકારને હિસાબીવર્ષમાં આવક બાદ ન મળવાની અને આ રકમ પર ટેકસ ચુકવવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત પેનલ્ટીની પણ જોગવાઈ કરવામાં આવી હતી.

ગુજરાત સહિત દેશભરના વેપારઉદ્યોગોમાં વ્યાપાર વ્યવહારમાં પેમેન્ટના જુદા-જુદા ધારાધોરણો પ્રવર્તતા હોય છે. ટેકસટાઈલ્સ ક્ષેત્રમાં ચારથીછ મહિને પેમેન્ટનું ધોરણ હોય છે. આ જ રીતે કેમીકલ્સથી માંડીને જુદા-જુદા ક્ષેત્રોના અલગ ધારાધોરણો હોય છે. નવા નિયમ લાગુ થતા મોટી કંપનીઓએ એમએસએમઈ એકમો પાસેથી ખરીદી અટકાવીને નવા ઓર્ડર આપવાનુ બંધ કરી દીધાનો ઉહાપોહ થયો હતો.

ગુજરાત સહિતના રાજયોના વેપાર ઉદ્યોગકારો દ્વારા કેન્દ્ર સરકારમાં રજુઆત કરીને નિયમ પાછો ખેંચવા રજુઆત કરવામાં આવી હતી. કાયદાકીય ફેરફાર બજેટમાં જ શકય હોવાથી નવી સરકારના ગઠન સુધી રાહ જોવાની બાંહેધરી આપવામાં આવી હતી.

હવે આવતા મહિને રજુ થનારા સામાન્ય બજેટમાં નિયમ હટવાનો આશાવાદ હતો તેવા સમયે કેન્દ્ર સરકારને નાના એકમો તરફથી પોઝીટીવ ફીડબેક મળ્યાનુ જાહેર કરાતા નિયમ રદ થવા વિશે શંકા વ્યક્ત થવા લાગી છે. આ સંજોગોમાં ફરી વખત ઉહાપોહ થવાની ભીતિ છે.

Print