www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટમાં 20 વર્ષથી 65 વર્ષ સુધીના 50 બહેનોએ પાણીમાં ઉભા રહી-તરીને એકવા યોગા કર્યા : રાજયભરનો અનોખો કાર્યક્રમ


રાજકોટ મહાપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી : ત્રણ મેદાન, ગાંધી મ્યુઝીયમમાં ચૂંટાયેલા લોકો, નેતાઓ, યોગ સંસ્થાના પ્રતિનિધિઓની હાજરી : તન-મનથી તંદુરસ્ત રહેવા આપી ટીપ્સ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 21
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.21મી જુનના રોજ 10માં વિશ્વ યોગ દિવસ નિમિતે સવારે 6 કલાકે શહેરના પાંચ સ્થળો શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ રેસકોર્ષ, નાનામવા ચોક ખાતેનું મેદાન, ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર, સાધુ વાસવાણી રોડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

સાધુ વાસવાણી રોડના જીજાબાઇ મહિલા સ્નાનાગારમાં 20 વર્ષથી 65 વર્ષ સુધીના 50 મહિલાઓએ પાણીમાં એકવા યોગ કર્યા હતા. સતત 45 મીનીટ સુધી બહેનોએ વિવિધ આસનો ઉપરાંત પાણીમાં ઉભા રહી, બેસી, ઉંધા સુઇને 45 મીનીટ સુધી યોગ કર્યા હતા અને અંતમાં પ્રાણાયામ અને ધ્યાન ધર્યુ હતું જે યોગા પુરા ગુજરાતમાં માત્ર રાજકોટ ખાતે થતા હોય, આકર્ષણરૂપ બન્યા હતા.  મુખ્યમંત્રીના નડાબેટના કાર્યક્રમનું યોગદિનની ઉજવણીમાં પ્રસારણ કરવામાં આવ્યું હતું. 

શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાર્યકારી મેયર નરેન્દ્રસિંહ પી. જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા યોગ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરિયા,પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમિશનર દેવાંગ દેસાઈ, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, કોર્પોરેટરો, અધિકારીઓ, આર્ટ ઓફ લીવીંગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. 

ઈસ્ટ ઝોનમાં ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા યોગ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, કોર્પોરેટરો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, બ્રહ્માકુમારી સંસ્થાના યોગ ટ્રેનરો તથા વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ હતા. શ્રી રેખા દીદીએ તન-મનની તંદુરસ્તી માટે યોગ કેટલા આશીર્વાદરૂપ છે તે વિશે વર્ણન કર્યું હતું. સ્વાગત પ્રવચન કોર્પોરેટર પરેશભાઈ આર. પીપળીયાએ કર્યું હતું. 

વેસ્ટ ઝોન, નાના મૌવા ચોક પાસેના મેદાનમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથીરીયા, કોર્પોરેટરો ચેતનભાઈ સુરેજા, ડો.દર્શનાબેન પંડ્યા, અશ્વિનભાઈ પાંભર વગેરે અને પતંજલી યોગ સંસ્થાના યોગ ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે સ્ટે.કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સામાજીક અગ્રણી અનુપમભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેને તમામ લોકો નિયમિતપણે યોગ કરી તન-મનથી તંદુરસ્ત રહે તેના પર ભાર મુકયો હતો.

શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર સાધુ વાસવાણી રોડ ખાતે મહિલાઓ દ્વારા સ્નાનાગારમાં એક્વા યોગાનું  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  સ્વાગત પ્રવચન કરતા શાસકપક્ષ નેતા લીલુબેન જાદવએ એકવા યોગાથી થતા ફાયદા તથા મહિલા સશક્તિકરણ વિષે જણાવેલ હતું.

રાજકોટના જુદા જુદા ત્રણ મેદાનો અને ગાંધી મ્યુઝીયમ તથા મહિલા સ્વીમીંગ પુલ ખાતે આજે યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જે પ્રસંગે ઉપસ્થિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નેતાઓએ પણ આજે યોગા કર્યા હતા. ગાંધી મ્યુઝીયમમાં યોગાનો વિશિષ્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. (તસ્વીર : દેવેન અમરેલીયા/પંકજ શીશાંગીયા)

 

 

Print