www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મક્કા ગયેલા 577 હજયાત્રિકોના ભીષણ ગરમીથી મૃત્યુ : તાપમાન 51.8 ડિગ્રી


સૌથી વધુ યાત્રાળુ ઇન્ડોનેશીયાના : ભારે તાપના કારણે ટપોટપ મોત : બે હજાર લોકો સારવાર હેઠળ

સાંજ સમાચાર

મકકા, તા. 19
સાઉદી અરેબિયાના મક્કામાં 12 જૂનથી 19 જૂન સુધીની હજ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 577 હજયાત્રીકોના મોત થયા છે. તેનું કારણ સાઉદી અરેબિયામાં પ્રચંડ ગરમી હોવાનું કહેવાય છે. સાઉદીના મક્કામાં તાપમાન 52 ડિગ્રી પર પહોંચ્યું છે.

દર વર્ષે વિશ્વભરમાંથી મુસ્લિમો હજ માટે સાઉદી અરેબિયાના મક્કા પહોંચે છે. હજ પાંચ દિવસ લે છે અને ઈદ ઉલ-અડહા અથવા બકરીઈદ સાથે સમાપ્ત થાય છે. સાઉદી અરેબિયા દરેક દેશ પ્રમાણે હજ ક્વોટા તૈયાર કરે છે.

આમાં ઈન્ડોનેશિયાનો ક્વોટા સૌથી વધુ છે. આ પછી પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ અને નાઈજીરિયા આવે છે. આ સિવાય ઈરાન, તુર્કી, ઈજીપ્ત, ઈથોપિયા સહિત અનેક દેશોમાંથી હજયાત્રીઓ આવે છે. હજ યાત્રીઓ પહેલા સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેર પહોંચે છે. ત્યાંથી તેઓ બસ દ્વારા મક્કા શહેરમાં જાય છે.

સાઉદી અરેબિયામાં હજ કરવા ગયેલા 14 જોર્ડનના યાત્રીઓ ભારે ગરમીને કારણે મૃત્યુ પામ્યા હતા. જોર્ડનના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે હજ યાત્રા દરમિયાન અન્ય 17 યાત્રાળુઓ ગુમ થયા હતા. જો કે મંત્રાલય આ અંગે સાઉદી અધિકારીઓના સતત સંપર્કમાં છે.

ઈરાને પણ અહેવાલ આપ્યો છે કે તેના પાંચ યાત્રાળુઓ હજ યાત્રા દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જો કે, તેણે મૃત્યુના કારણની પુષ્ટિ કરી ન હતી. સાઉદી અરેબિયાએ પણ હજુ સુધી જીવ ગુમાવનારાઓ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. સાઉદી આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ અલ-અબ્દુલઅલીએ જણાવ્યું હતું કે રવિવારે 2,760 યાત્રાળુઓને સનસ્ટ્રોક અને હીટસ્ટ્રોકનો ભોગ બન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંખ્યા વધવાની શક્યતા છે. આ સાથે તેમણે યાત્રિકોને બપોરે બહાર ન નીકળવા અપીલ કરી હતી અને પોતાને હાઇડ્રેટેડ રાખવા જણાવ્યું હતું.

હજ માટે આવતા યાત્રિકો પર ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાઉદીમાં 2 હજાર હજયાત્રીઓની સારવાર ચાલુ છે. ઇજિપ્તના વિદેશ પ્રધાને મંગળવારે જણાવ્યું હતું કે તેઓ સાઉદી સત્તાવાળાઓ સાથે મળીને ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે. સાઉદી અરેબિયાએ કહ્યું કે ગરમીના કારણે બીમાર પડેલા લગભગ 2 હજાર હજયાત્રીઓની સારવાર કરવામાં આવી રહી છે.

17 જૂને મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મક્કામાં ક્લાઈમેટ ચેન્જની ભારે અસર થઈ રહી છે. અહીંનું સરેરાશ તાપમાન દર 10 વર્ષે 0.4 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે.

ગત વર્ષની શરૂઆતમાં હજ પર ગયેલા 240 હજયાત્રીઓના મોત થયા હતા. આમાંના મોટાભાગના ઇન્ડોનેશિયાના હતા. સાઉદીએ તમામ પ્રવાસીઓને છત્રીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ સિવાય તેમને સતત પાણી પીવા અને સૂર્યપ્રકાશથી બચવા માટે કહેવામાં આવી રહ્યું છે.

જો કે, હજની મોટાભાગની વિધિઓ દિવસ દરમિયાન કરવામાં આવે છે, જેમાં અરાફાત પર્વતની દુઆનો સમાવેશ થાય છે. આ માટે યાત્રાળુઓએ લાંબો સમય બહાર તડકામાં રહેવું પડે છે. યાત્રાળુઓએ કહ્યું કે હજ દરમિયાન તેઓ ઘણીવાર બીમાર યાત્રાળુઓને રસ્તાની સાઈડમાં જોતા હોય છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. હજ રૂટ પર એમ્બ્યુલન્સનો સતત ધસારો રહે છે. આકરી ગરમીવચ્ચે હજયાત્રીઓ છત્રીઓ સાથે હજ માટે જતા જોવા મળ્યા હતા.

 

Print