www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

6.80 લાખ મોબાઈલ કનેકશન શંકાસ્પદ; રી-વેરીફીકેશનનો આદેશ


60 દિવસમાં ખરાઈની કાર્યવાહી પૂર્ણ કરવા ટેલીકોમ કંપનીઓને સરકારની સુચના: બોગસ દસ્તાવેજોથી મેળવ્યાની અને ફ્રોડ-દેશવિરોધી પ્રવૃતિમાં ઉપયોગ થતો હોવાની શંકા

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.24
બનાવટી નામો-દસ્તાવેજોના આધારે મોબાઈલ સીમકાર્ડ મેળવીને ગુનાહિત-દેશવિરોધી પ્રવૃતિમાં તેનો ઉપયોગ કરાયાના કિસ્સા બાદ સમગ્ર પ્રક્રિયા અતિ કડક બનાવાયા વચ્ચે હવે સરકારે 6.80 લાખ મોબાઈલ જોડાણની ફેરચકાસણી કરવાનો આદેશ આપ્યો છે. આ કનેકશન બનાવટી દસ્તાવેજોથી મેળવાયા હોવાની શંકા છે. ઓનલાઈન ફ્રોડ રોકવાની ઝુંબેશના ભાગરૂપે આ કદમ ઉઠાવવામાં આવ્યું છે.

ટેલીકોમ વિભાગ દ્વારા એમ કહેવાયુ છે કે, ફેર ખરાઈની પ્રક્રિયા 60 દિવસમાં પૂર્ણ કરવા કહેવાયુ છે. બોગસ દસ્તાવેજો કે છેતરપીંડીથી આ સિમકાર્ડ નંબર મેળવવામાં આવ્યા હોવાનુ માલુમ પડશે તે તુર્ત રદ કરી નાખવામાં આવશે. 6.80 લાખ મોબાઈલ કનેકશન શંકાસ્પદ છે અને બોગસ દસ્તાવેજો કે વાસ્તવિક ઓળખ છુપાવીને મેળવાયા હોવાની શંકા છે.

ટેલીકોમ મંત્રાલય દ્વારા તમામ મોબાઈલ કંપનીઓને તાત્કાલીક ધોરણે રી-વેરીફીકેશનની કામગીરી હાથ ધરવાની સુચના આપી છે. 60 દિવસમાં મોબાઈલ નંબરગ્રાહકોની ઓળખ મેળવવા કહેવાયુ છે. ખરાઈ શકય ન બન્યાના સંજોગોમાં આ નંબરો-જોડાણ કાપી નાખવામાં આવશે.

બોગસ દસ્તાવેજો કે બનાવટી રીતે લેવાયેલા મોબાઈલ કનેકશન પકડવા માટે સંચાર સાથી- ચક્ષુ જેવા મોડયુલમાં આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓનલાઈન ફ્રોડ રોકવા માટે કેન્દ્ર સરકાર વિવિધ મંત્રાલયો વચ્ચે સંકલીત કાર્યવાહી કરાવી રહી છે.

ટેલીકોમ વિભાગના કહેવા પ્રમાણે વિવિધ વિભાગો વચ્ચે સંકલન તથા આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ બનાવટી મોબાઈલ કનેકશન પકડવામાં મહત્વનો રોલ ભજવી શકે છે. સાઈબર ક્રાઈમ તથા નાણાંકીય ફ્રોડમાં ટેલીકોમ સ્ત્રોતોના ગેર ઉપયોગને રોકવા માટે કેટલાંક મહિનાઓથી સરકારે ડીજીટલ ઈન્ટેલીજન્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યુ જ છે.

સંબંધીત પક્ષકારો વચ્ચે સંકલન સાધવામાં આવ્યું છે. ટેલીકોમ વિભાગ દ્વારા જ ડીજીટલ ઈન્ટેલીજન્સ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું હતું. ટેલીકોમ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ, બેંકો-નાણાં સંસ્થાઓ તથા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ અને ઓળખ સ્થાપિત કરતી એજન્સીઓને પણ સામેલ કરવામાં આવી છે.

તમામ એજન્સીઓ આ પ્લેટફોર્મને એસેસ કરી શકે છે અને શંકાસ્પદ બાબતો વિશે એકબીજાને માહિતી આપી શકે છે. સામાન્ય નાગરિકો આ પ્લેટફોર્મ એસેસ કરી શકતા નથી.

Print