www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

♦10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર ઉજવવામાં આવ્યો

ગાંધીનગરમાં 20થી વધુ સ્થળ ઉપર 60,000 નાગરિકોએ કરી યોગ દિવસની ઉજવણી


♦એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય યોગ સુત્ર સાથે ગુજરાત સહિત સમગ્ર વિશ્વ યોગમય બન્યું : મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા

સાંજ સમાચાર

રાજકોટ:તા 21 
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે આંતરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આજે એક પૃથ્વી, એક સ્વાસ્થય યોગ સુત્ર સાથે ગુજરાત સહિત સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે.

યોગને વિશ્વ ફલક પર નામના અપાવવા અને માત્ર ભારત નહીં પરંતુ વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળે, યોગ અપનાવવાથી તંદુરસ્તી જળવાઈ રહે તેવા ઉમદા આશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યુનાઇટેડ નેશન્સની મહાસભામાં વર્ષ 2014માં 21 મી જૂનને ’આંતરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે મનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો અને યુનાઇટેડ નેશન્સની મહાસભાએ આ પ્રસ્તાવનો સ્વીકાર કરી, 21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ નકકી કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા ગાંધીનગરના મેયર મીરાબેને જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની સતત એક અઠવાડિયાની મેહનતના પરિણામ સ્વરૂપે ગાંધીનગરમાં 20થી વધુ સ્થળ ઉપર અંદાજિત 60,000થી વધુ નાગરિકો દ્વારા યોગ દિવસની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, યોગને જીવનનો ભાગ બનાવવાના આ ભગીરથ કાર્યમાં ગાંધીનગરની અનેક સામાજિક સંસ્થાઓએ અમારી સાથે ખભે ખભો મિલાવીને સદકાર્ય કર્યું છે. યોગ એ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. યોગથી કોઈપણ દવા વગર રોગોને દૂર કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ દરરોજ 20 થી 30 મિનિટ યોગ કરે છે, તો તેનું શરીર દિવસભર થાકતું નથી અને સ્ફૂર્તિ રહે છે. માનસિક તાણ અને હાયપરટેન્શન જેવા રોગો શરીરમાંથી દૂર રહે છે એટલે જ આજે આખુ વિશ્વ યોગને સહર્ષ સ્વીકારે છે.

યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગરના ધારાસભ્ય  રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, સ્થાયી સમિતિ ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા, નાયબ મ્યુનિસિપલ કમિશનર જે.એમ.ભોરણિયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર કે.જી.ચૌધરી, મહાનગરપાલિકાના સૌ પદાધિકારીઓ- અધિકારી, બ્રહ્મકુમારી સહિત વિવિઘ સંસ્થાઓના કાર્યકર્તાઓ, ગાંધીનગરના યોગ પ્રેમી નાગરિકો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા.

Print