www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કઠોળ પાકોનું ઉત્પાદન વધારવા ખેડુતોને કૃષિમંત્રીનો અનુરોધ

રાજયમાં કઠોળના 4800 કરોડના ઉત્પાદનની સામે રાજય સરકાર દ્વારા 907 મેટ્રીક ટનની ખરીદી : મંત્રી પટેલ


કલેકટર કચેરી ખાતે કેન્દ્રીય કૃષિમંત્રી ચૌહાણના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સ : કઠોળના મૂલ્યવર્ધન ઉત્પાદનની સમીક્ષા

સાંજ સમાચાર

રાજકોટ, તા. 21
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંત્રી રાઘવજીભાઈ પટેલએ જણાવ્યું હતું કે, ભારત સરકારના કૃષિ વિભાગ સાથે સંકલનમાં રહીને ગુજરાત સરકાર કઠોળ પાકોનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે.

રાજ્યના ખેડૂતોને ગયા વર્ષે ખુલ્લા બજારમાં કઠોળ પાકોમાં મૂલ્યવૃધ્ધિ અને અધિક ઉત્પાદન મળ્યું છે. રાજ્યમાં ન્યુનત્તમ સમર્થન મૂલ્યથી રૂ. 4800 કરોડના ઉત્પાદન સામે 907 મેટ્રિક ટનની ખરીદી રાજયસરકાર દ્વારા કરવામાં આવી છે.

ખેડૂતોને ખુલ્લા બજારમાં વધારે મૂલ્ય મળે તે માટે રાજ્યમાં ન્યુનત્તમ મર્યાદા 25 ટકાથી વધારીને 40 ટકા કરવાની રજૂઆત રાજ્ય સરકાર વતી મંત્રીશ્રીએ કરી હતી. આ તકે કઠોળના બીજ ઉત્પાદન વધારવાનો ભાર મુકાયો હતો. રાજ્યમાં કઠોળ પાક વધારવા તથા બીજની માંગ વધારવા રાજ્ય સરકારે આ વર્ષે સીડ રિપ્લેસમેન્ટ રેશિયો નામની યોજના અમલમાં મૂકી છે.

ગુજરાત રાજ્યમાં ગયા વર્ષે 55 હજાર મીની કિટનું વિતરણ લાભાર્થી ખેડૂતોને કરાયું હતું. નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન યોજના હેઠળ ગુજરાતમાં 30 કરોડની સિદ્ધિ ઉપલબ્ધ કરાઈ છે. કઠોળના પાકનું ઉત્પાદન વધારવા રાજ્યમાં "કૃષિ કર્મણ" એવોર્ડનું આયોજન થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સીટીઓએ કઠોળ પાકમાં રોગપ્રતિકારકની નવી 12 વેરાયટીનું સંશોધન કરીને ખેડૂતોને આપ્યું છે. આ વીડિયો કોન્ફરન્સમાં રાજયભરની કૃષિ યુનિવર્સિટીઓનો વૈજ્ઞાનિકો, ખેતીવાડી અધિકારીઓ, તથા અન્ય સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Print