www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પંચાયત ચોકમાં લિફ્ટ હેઠળ દબાઈ જતા 3 વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત


હેવલોક એપાર્ટમેન્ટનો બનાવ, ગ્રાઉન્ડ ફ્લોર પર રમતા રમતા દરવાજો ખોલી બાળકી નીચેના ખાડામાં જતી રહી, ઉપરથી લિફ્ટ આવતા કમકમાટીભર્યું મોત થયું

સાંજ સમાચાર

♦મૃતક બાળકી મેરીનાનો પરિવાર મૂળ નેપાળનો વતની, તેમના પિતા વિમલ હજુ 6 માસ પહેલા જ અહીં રહેવા આવેલા : એકની એક પુત્રીના મોતથી કુટુંબ શોકમાં ગરકાવ

રાજકોટ, તા.27
પંચાયત ચોકમાં એક બિલ્ડીંગની લિફ્ટ હેઠળ દબાઈ જતા 3 વર્ષની બાળકીનું મોત થયું હતું. હેવલોક એપાર્ટમેન્ટનો આ બનાવ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર રમતા રમતા દરવાજો ખોલી બાળકી નીચેના ખાડામાં પડી ગઈ હતી. ઉપરથી લિફ્ટ આવતા કમકમાટીભર્યું મોત થયું હતું. મૃતક બાળકી મેરીનાનો પરિવાર મૂળ નેપાળનો વતની છે. તેમના પિતા વિમલ હજુ 6 માસ પહેલા જ અહીં રહેવા આવેલા હતા. એકની એક પુત્રીના મોતથી કુટુંબ શોકમાં ગરકાવ થયો છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મેરીના વિમલભાઈ કારકી (ઉં.વ.3, રહે.પંચાયત ચોક, શિવશક્તિ મેઈન રોડ, હેલલોક એપાર્ટમેન્ટની પાર્કિંગની ઓરડીમાં) સવારે 10.30 વાગ્યા આસપાસ હેવલોક બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રમતી હતી ત્યારે રમતા રમતા તે લિફ્ટના બંધ દરવાજા સીધી પહોંચી ગઈ હતી. લિફ્ટ ઉપરના માળે ગઈ ત્યારે બાળકીએ નીચેનો દરવાજો ખોલતા લિફ્ટના ખાડામાં પડી ગઈ હતી. ત્યારબાદ ઉપરથી લિફ્ટ નીચે આવતા બાળકી લિફ્ટ હેઠળ દબાઈ ગઈ હતી. બાળકીએ ચીસ પાડતા ફ્લેટમાં રહેતા લોકોને જાણ થતાં તુરંત જ લિફ્ટ ઉપર લેવા પ્રયત્નો કર્યા હતા.

પણ લિફ્ટ ઉપર ન જતી હોય, મિકેનિકલને બોલાવેલ. બાળકીના પિતા વિમલ કારકીએ કહ્યું કે, હું કામ પર ગયો હતો. મારી પત્ની ક્રિષ્ના પણ કામ પર હતી. કોઈ ફ્લેટ ધારકે મને ફોન કરી જાણ કરી કે, મારી બાળકી લિફ્ટ નીચે ફસાઈ છે. હું તુરંત ત્યાં પહોંચ્યો. ત્યારે લિફ્ટ મિકેનિકલ આવેલ. તેણે લિફ્ટ ઉપર લીધી ત્યારે મારી દીકરી લિફ્ટના ખાડામાં નીચે બેભાન લોહીલુહાણ હાલતમાં પડી હતી.

કોઈએ 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી હતી. તેના ડોકટરે મારી દીકરીને તપાસી મૃત જાહેર કરી હતી. અન્ય પરિવારજનોએ જણાવ્યું લિફ્ટ ઉપર હતી છતાં દરવાજો ખુલ્લો હતો, અથવા તો રમતા રમતાં બાળકીએ ખોલી નાખ્યો હતો. દરવાજો કેમ ખુલ્યા એ પ્રશ્ન છે. તેને લિફ્ટમાં ખામી કહીં શકાય. આ દંપતિ હજુ પાંચેક મહિના પહેલા જ અહીં રહેવા આવ્યા હતા. પિતા ચોકીદારી કરે છે.

બનાવથી એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં પણ ગમગીની છવાઈ ગઈ છે. યુનિવર્સિટી પોલીસે કાગળો અને સ્થળ પંચનામું કરી મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ પહેલા પણ રાજકોટમાં લિફ્ટમાં ફસાતા અથવા લિફ્ટમાં ખામીના કારણે મોટા થયાના બનાવો બની ચુક્યા છે. આ અંગે હવે ગંભીરતાથી સુરક્ષા અને વિચારવાનો સમય આવી ગયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

♦અગાઉ સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં  બે બાળકીના મોત થયા હતા
રાજકોટ : ગત તા.17ના રોજ રૈયા ગામ નજીક શિલ્પન ઓનેક્સ બિલ્ડીંગમાં નેપાળી પરિવારની બે દીકરીઓના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા મોત થયા હતા. બાળકીઓના નામ પ્રકૃતિ ગોકુલભાઈ ચાંદ અને મેનુકા પ્રકાશભાઈ સિંઘ હતું. બંને બાળકીઓ ત્રણ-ત્રણ વર્ષની હતી. તે પહેલાં એક બિલ્ડીંગના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના કારણે નેપાળી પરિવારના પુત્રનું મોત નીપજ્યું હતું. આવા બનાવો અટકવા જરૂરી છે.

 

 

Print