www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દારૂ પીવાના પૈસા ઘટતા યસ બેંકના કર્મીએ ઓરનેટ-વન બિલ્ડીંગમાંથી ચોરી કરી’તી


મવડી પ્લોટમાં રહેતો કાર્તિક સાવલીયા ચોરેલ લોખંડના ઢાંકણા અને જાળી વેંચવા જાય તે પહેલાં જ રૈયાધારમાંથી ઝડપી લીધો: તમામ મુદામાલ જપ્ત: ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી.ડોડીયા અને ટીમની કામગીરી

સાંજ સમાચાર

રાજકોટ તા.27
બિગબજારની સામે સિલ્વર સ્ટોન મેઈન રોડ પર આવેલ ઓરનેટ-વન બિલ્ડીંગમાંથી લોખંડનું ઢાંકણુ અને જાળી ચોરી થવાના બનાવમાં ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસમાં ઝંપલાવી રૈયાધારમાંથી ચોરાઉ મુદામાલ સાથે કાર્તિક સાવલીયાને દબોચી લઈ રૂા.39600નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપી તે જ બિલ્ડીંગમાં આવેલ યસ બેંકમાં નોકરી કરે છે અને દારૂ પીવાના પૈસા ઘટતા ચોરી કર્યાનું કબુલ્યુ હતું.બનાવ અંગે રૈયાધારમાં સ્લમ કવાર્ટરમાં રહેતા હાર્દિકભાઈ હરીભાઈ પરમાર (ઉ.22) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ બીગબજારની સામે

સિલ્વરસ્ટોન મેઈન રોડ પર આવેલ ઓરનેટ-વન નામની બિલ્ડીંગમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ગઈ તા.24ના તેઓ ઓરનેટ નામની બિલ્ડીંગમાં હાજર હતા ત્યારે લોકોને બિલ્ડીંગના સીકયુરીટી ગાર્ડ ગગનભાઈ વિશ્ર્વકર્માએ તેમને કહેલ કે બિલ્ડીંગના બેઝમેન્ટમાં આવેલ ટાંકી પરનું લોખંડનું ચોરસ ઢાંકણું અને તેની બાજુમાં આવેલ લોખંડની બે જાળી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ ગયો હોવાની વાત કરી હતી.

બાદમાં તેઓએ બિલ્ડીંગમાં લાગેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં ગત તા.21ના સવારના સમયે કોઈ અજાણ્યો શખ્સ લોખંડનું ઢાંકણુ અને લોખંડની બે જાળી ચોરી કરી જતો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં તે અંગે આસપાસમાં તપાસ કરતા કોઈ જાણ ન મળતા કોઈ અજાણ્યો શખ્સ રૂા.9600નો મુદામાલ ચોરી કરી નાસી છુટયાની ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગેની ફરિયાદ પરથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ વી.ડી.ડોડીયા અને ટીમે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન હેડકોન્સ્ટેબલ દીપક ચૌહાણ, રાજેશ જળુ અને કોન્સ્ટેબલ અશોક ડાંગરને મળેલ ચોકકસ બાતમીના આધારે રૈયાધાર વિસ્તારમાં લોખંડના ઢાંકણા અને જાળીઓ વેચવા જઈ રહેલા કાર્તિક કેશવજી સાવલીયા (ઉ.27) રહે. જયનારાયણ સોસાયટી શેરી નં.1, બાપા સીતારામ ચોક, મવડી પ્લોટ ને ઝડપી લઈ 29 કિલોનુ લોખંડનું ઢાંકણુ તેમજ બે જાળી મળી રૂા.39600નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પુછતાછમાં ચોરી કરેલ મુદામાલ તેને ઓરનેટ-વન બિલ્ડીંગમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

પોલીસની સઘન પુછતાછમાં આરોપી ઓરનેટ-વન બિલ્ડીંગમાં ચોથા માળે આવેલ યસ બેંકમાં કોન્ટ્રાકટ બેઈઝમાં નોકરી કરે છે અને દારૂ પીવાની કુટેવ ધરાવતો હોય તેમજ દારૂ પીવા માટેના પૈસા ઘટતા ચોરી કર્યાની પણ કબુલાત આપી હતી.

 

Print