www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કોંગ્રેસનાં હાથ સે હાથ જોડો અભિયાન અંતર્ગત આદિવાસી પરિવાર જનાને ન્યાય માટેની ઝુંબેશ શરૂ


દાહોદ જિલ્લામાં આદિવાસી સમુદાયની જમીન હડપ કરવાનું જબરૂ કૌભાંડ: ઈન્દ્રનીલ રાજયગુરૂ આગેવાનીમાં તંત્રને આવેદન

સાંજ સમાચાર

રાજકોટ,તા.22
રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં જમીન મહેસુલ કાયદાની કલમ 73 એએ મુજબ બિન આદિવાસી વ્યક્તિએ ઉદ્યોગો જિલ્લા કલેકટરની મંજૂરી વગર જમીન ખરીદી કરી શકે નહીં તેવી જોગવાઈ હોવા છતાં અનેક કિસ્સામાં જિલ્લા કલેકટરના બનાવટી પ્રમાણપત્ર મેળવી લઈ આદિવાસી લોકોની જમીન છીનવી લેવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

કોંગ્રેસના હાથ સે હાથ જોડો અભિયાન અંતર્ગત શુક્રવારે અભિયાનના કન્વીનર ઇન્દ્રનીલ રાજ્યગુરુની આગેવાનીમાં દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી બિનખેતી થયેલી જમીનોની નોંધની ચકાસણી કરવા માંગ ઉઠાવવમાં આવી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ સે હાથ જોડો અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં બનાવટી હુકમો કરી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડી જમીનમહેસુલ કાયદાની કલમ 73એએ નિયંત્રણ પ્રકારની જમીન ગેરકાયદેસર તબદીલ કરવાની મંજૂરી આપનાર સામે પગલાં ભરવાની માંગ સાથે હાથ સે હાથ જોડો અભિયાનના કન્વીનર ઇન્દ્રનીલ રાજ્યગુરુની આગેવાનીમાં દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ રજુઆત સમયે રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને હાથ સે હાથ જોડો અભિયાનના કન્વીનર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જિલ્લા કલેક્ટરને રોકડું પરખાવતા જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ તો ભ્રષ્ટાચાર કરવામાંથી ઉંચા નથી આવતા તમે અધિકારીઓ તો બંધારણની આમાન્યા રાખી ડર રાખ્યા વગર કામ કરો તેમ જણાવી રજુઆતમાં કહ્યું હતું કે, દાહોદ જિલ્લામાં અનેક બિનખેતીના કિસ્સામાં સરકારને નવી શરતની જમીનમાં પ્રીમિયમ મળવા પાત્ર થતું હોવા છતાં બનાવટી હુકમો બનાવી સરકારને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે.

સાથે જ દાહોદ જિલ્લામાં આજુબાજુના અનેક વિસ્તારોમાં જમીન મહેસુલ કાયદાની કલમ 73એએનું ઉલ્લંઘન કરી બિન આદિવાસીઓના નામે આવી જમીન તબદીલ થઇ ગઈ હોય આવા કિસ્સામાં કાયદાની જોગવાઈ મુજબ મૂળ માલિકોને જમીન પરત કરવા કાર્યવાહી કરવાની સાથે બિન આદિવાસીઓના નામે જમીન તબદીલ કરવાની મંજૂરી આપનાર જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

ઇન્દ્રનીલ રાજગુરુએ સ્પષ્ટ કહ્યું હતું કે, જે લોકોના પરસેવાના પૈસામાંથી પગાર મેળવતા હોય છે એ જવાબદાર અધિકારીઓ ભાજપ સરકારની ચાપલૂસી કરવામાં અને પોતાના ગમતા પોસ્ટિંગ અથવા તો ખોટી સજા કે ડરના માર્યા ફરજ ચુકી રહ્યા છે. 

તેમણે આ મામલામાં કલેકટર તંત્રએ જ સુઓ મોટો કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી કરી હતી સાથોસાથ એમ પણ કહ્યું હતું કે, આમાં જે લોકોની જમીનો ગઈ છે તેમને પાછી મળે મળે એવી કાર્યવાહી કરવી જોઈએ. 

આ રજૂઆત સમયે ગેંદલભાઈ ડામોર, પ્રભાબેન તાવીયાડ, વજેસિંગ ઉપરાંત જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ, અનંતભાઈ તેમ જ હેમંતભાઈ વીરડા વગેરે જોડાયા હતા.

 

Print