www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગામની જ એક મહિલા સામુ જોતો હોવાની શંકાએ માર મારી પોલીસ ફરિયાદ કરીશ તો તને અને તારી માતાને જાનથી મારી નાખીશું તેવી આરોપીઓએ ધમકી આપી હતી

ફતેપરમાં અશ્વિન ગજેરાના મોત મામલે ચાર સામે હત્યાનો ગુનો દાખલ


મૃતકના માતાએ આરોપી ફતેપરના અશોક બાળા, વણપરીના ભરત બાળા અને અજાણ્યા બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી

સાંજ સમાચાર

 રાજકોટ, તા.23
પડધરીના ફતેપરમાં અશ્ર્વિન ગજેરાના મોત મામલે ચાર આરોપી સામે હત્યાનો ગુનો દાખલ થયો છે. મૃતકના માતાએ આરોપી ફતેપરના અશોક બાળા, વણપરીના ભરત બાળા અને અજાણ્યા બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ગામની જ એક મહિલા સામુ મૃતક જોતો હોવાની શંકાએ માર મારી પોલીસ ફરિયાદ કરીશ તો તને અને તારી માતાને જાનથી મારી નાખીશું તેવી આરોપીઓએ ધમકી આપી હતી. જેથી માર માર્યાના બનાવ બાદ મૃતકે ફરિયાદ નોંધાવી નહોતી.

મૃતકના માતા રમાબેન પરસોત્તમભાઈ ગજેરા (ઉ.વ.60, રહે ફતેપર)એ ફરિયાદમાં જણાવ્યું કે, મારા પતિનું આશરે 34 વર્ષ પહેલા અવસાન થયેલ, મારે સંતાનમા બે દિકરી તથા એક દિકરો છે જેમાં સૌથી મોટો દીકરો અશ્વીન છે. અશ્ર્વિનના લગ્ન આશરે 16 વર્ષ પહેલા માધાપર ગામે રમેશભાઇ વેકરીયાની દીકરી સાથે કરેલ હતા અને લગ્નના છ મહીના બાદ તેના છુટાછેડા થઇ ગયેલ હતા બાદ મારી દીકરી જ્યોતીબેન જે હાલ રાજકોટ ખાતે સાસરે છે. નાની દીકરી ભવિષા જે ધ્રોલના માણેકપર ખાતે સાસરે છે.

ગઇ તા.18/5/2024 ના રોજ મારો દીકરો અશ્વીન રાત્રીના આઠેક વાગ્યે ઘરે જમીને ખારાવાડી તરીકે ઓળખાતી વાડીએ તેનું બાઈક લઇને ગયેલ હતો. રાત્રીના પોણા બેક વાગ્યાના અરસામાં ઘરે પરત આવેલ અને તે અસહ્ય પીડામાં પીડાતો હતો અને તેને ઘણી જગ્યાએ શરીરે સોજી ગયેલ હતું.

મેં તેને આ સોજેલ અને વાગેલ નિશાન બાબતે પુછતા તેને જણાવેલ કે, હું વાડીએ ગયેલ ત્યારે રાત્રીના 11 વાગ્યાની આસપાસ આપણી વાડીએ આપણા ગામના અશોકભાઇ છગનભાઇ બાળા તથા વણપરી ગામના ભરતભાઈ બાળા તથા અન્ય બે અજાણ્યા લોકો ત્યાં કાર લઇને આવેલ. ચારેય લોકોએ મને લાકડાના ધોકાથી મારવા લાગેલ અને ઢીકાપાટુનો પણ માર મારેલ જેના કારણે પગની ટાંકણી તથા પગના પંજામાં તથા પગના નડામાં અસહ્ય પીડા થાય છે. મને માર માર્યા બાદ આ ચારેય લોકોએ ધમકી આપેલ કે, જો તું ફરીયાદ કરીશ તો તને તથા તારા મમ્મીને જાનથી મારી નાખીશું. 

વધુમાં રમાબેને કહ્યું કે, મારા દીકરાએ ઉપરોકત વાત મને કરતા મેં મારા દીયર કાંતીભાઈ દામજીભાઈ ગજેરાને ફોન કરી મારા દીકરાને હોસ્પિટલ સારવાર માટે લઇ જઈએ તેવું કહેતા મારા દીકરાએ મારા દીયરને ના પાડેલ અને જણાવેલ કે, તે ખુબ જ ભયભીત છે અને ફરીયાદ કરીશ તો આ ચારેય લોકો મને તથા મારા મમ્મીને મારી નાખશે. જેથી મારે કોઇ ફરીયાદ કે હોસ્પિટલ જવું નથી અને મારા દિકરાને મારા દિયરે સમજાવેલ તેમ છતા મારો દીકરો હોસ્પિટલ જવા માનેલ નહી.

મેં મારા ભાઇ રાજેશભાઈ ભીખાભાઈ ગાજીપરાને ફોન કરી બોલાવી અને બનેલ બનાવની હકીકત જણાવેલ અને મારા ભાઈએ મારા દીકરાને આશ્વાસન અને હિંમત આપેલ કે, કોઇથી ડરવાની જરૂર નથી. સવારના ચારેક વાગ્યે મારો ભાઇ રાજેશભાઈ તેમની કાર લઇને અમારા ઘરે આવેલ અને સવારના છએક વાગ્યે હું તથા મારો દીકરો અશ્વીન તથા મારો ભાઇ રાજેશભાઇ રાજકોટની રૈયા ચોકડી ખાતે આવેલ રાધે હોસ્પિટલમાં ગયા હતા.

ત્યાં ડોકટરે મારા દીકરાને ઇન્જેક્શન મારેલ અને કોઈ વધુ સારવાર કરેલ નહીં અને બીજી હોસ્પિટલમાં લઇ જવાનુ જણાવેલ બાદ હું તથા મારો ભાઈ મારા દિકરા અશ્વીનને ગોંડલ રોડ ઉપર આવેલ એચ.જે.દોશી હોસ્પિટલમાં ખાતે લઇ ગયેલ. જ્યાં અશ્વિનની સારવાર ચાલુ કરેલ. મારા દિકરાએ બહીં પણ આ લોકોના ડરના કારણે પોલીસ ફરીયાદ કરવાની ના પાડેલ હતી.

ડોકટરે તેને ડાબા પગમાં સાથળથી પગ સુધી પ્લાસ્ટરનો પાટી બાંધેલ તેમજ ડાબા હાથમાં પણ પ્લાસ્ટરનો સફેદ પાટો બાંધેલ હતો બાદ ગઈકાલ બપોરના ત્રણ વાગ્યા સુધી હું હોસ્પિટલે મારા દીકરા પાસે હતી અને સારવાર ચાલુ હતી. તે દરમિયાન મારી બંને દિકરીઓ તેમજ મારા બંને જમાઇઓ તેમજ મારા દિયરનો દિકરો હાર્દીક હોસ્પિટલ ખાતે મારા દિકરાની તબીયતના સમાચાર પુછવા માટે આવેલ હતા બાદ બુધવારે સાંજના પાંચેક વાગ્યે મારા જમાઇ દિવ્યેશભાઇ તળશીભાઇ ભંડેરીએ જાણ કરેલ કે, અશ્વીનભાઈનું સવારે સાતેક વાગ્યે સારવાર દરમિયાન મોત થયું હતું. પીએમ બાદ મારા દીકરાની અંતિમ વિધિ ફતેપર મુકામે કરી હતી.

પડધરી પીએસઆઇ જી.જે. ઝાલાએ આઇપીસી કલમ 302, 325, 506(2), 447, 120(બી), જી.પી.એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. 

Print