www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

RAJKOT : અખાદ્ય 1600 કિલો પનીર સાથે ઝડપાનાર વેપારીને પાંચ લાખનો દંડ


BIS ડ્રીંક એડેડ મિનરલ બ્રાન્ડના ધંધાર્થીને પણ ક્ષતિ બદલ 50 હજારનો દંડ: અધિક કલેકટરની કોર્ટમાં કેસ ચાલી જતા કાર્યવાહી

સાંજ સમાચાર

રાજકોટ,તા.13
અખાદ્ય પનીરના જથ્થા સાથે ઝડપાનાર વેપારી તેમજ મીનરલ વોટરના ધંધાર્થીને ક્ષતિ બદલ અધિક કલેકટર ચેતન ગાંધી દ્વારા દંડ ફટકારવામાં આવેલ છે. આ બન્ને કેસ અધિક કલેકટરની ફૂડ કોર્ટમાં ચાલી જતા તેઓની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

જેમાં રામનાથપરામાં પનીરનો બીઝનેશ કરતા ધંધાર્થી ઈમ્તીયાઝ જુમાભાઈ કાનીયા કે જેઓ 1600 કિલો અખાદ્ય પનીરના જથ્થા સાથે ઝડપાયા હતા તેઓને રૂા.5 લાખનો દંડ ફટકરવામાં આવેલ છે. આવી જ રીતે બીઆઈએસ ડ્રીંક એડેડ મીનરલ બ્રાન્ડના મીનરલ વોટરના ધંધાર્થી ગીરીશ લાલજી શીંગાળા કે જેઓ 200/500 એમએલની પાણીની બોટલનું વેચાણ કરતા હતા. તેઓને ક્ષતિ બદલ રૂા.50,000નો દંડ ફટકારવામાં આવેલ છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા બાતમીના આધારે શહેરના ઢેબર રોડ પર આવેલા ભાડલા પેટ્રોલ પંપ પાસેના ભૂતખાના ચોકમાં વોચ ગોઠવી હતી. શહેરમાં ભેળસેળ યુકત પનીર સપ્લાય કરાતું હોવાની મળેલી બાતમીના આધારે આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, ડો. હાર્દિક મહેતા, ફુડ ઓફીસર આર.આર. પરમાર, કે.એમ. રાઠોડ સહિતની ટીમ દ્વારા બોલેરો વાન નં.જીજે 04 3877ને અટકાવી તેની તલાસી લેતા લેવામાં આવી હતી. 

જેમાં પનીર સપ્લાય કરતા રામનાથપરા મેઈન રોડ પરના ધંધાર્થી ઈમ્તીયાઝ જુમાભાઈ 1600 કિલો પનીર સાથે મળી આવ્યા હતા. જેમાં તેઓની પુછપરછ કરાતા તેઓ દોઢ વર્ષથી રાજકોટ શહેર અને આસપાસના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આ પનીર સપ્લાય કરતા હોવાની કબુલાત આપી હતી. આ બોલેરો વાહનમાંથી 20-20 કિલોના પનીરના 80 બોકસ મળી કુલ 1600 કિલો પનીર મળી આવ્યું હતું.

પનીરનો આ જથ્થો તેઓ મહુવાના મેસવાડ ગામે આવેલ રામકૃષ્ણ ડેરીમાંથી મગાવ્યાનું ખુલતા તેની પાસેથી 8 જેટલા બીલ પકડી ત્યાં તપાસ કરવામાં આવી હતી જેમાં આ રૂા.3.04 લાખનો પનીરનો જથ્થો ભેળસેળ યુકત હોવાનું સ્વીકારાતા આ માલનો નાસ કરી દેવામાં આવેલ હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલી આ કાર્યવાહીમાં ફુડ એકટ મુજબ નમુના લેવામાં આવેલ હતા. તેમજ આ પનીર રૂા.190 લેખે કિલોના ભાવે મગાવ્યા બાદ પનીર શહેરની 8 જેટલી નામાંકીત ડેરીઓમાં ઉંચી કિંમતે સપ્લાય કરવામાં આવનાર હોવાની આ વેપારીએ કબુલાત આપી હતી. આ અખાદ્ય પનીર પ્રકરણમાં રામનાથપરાના આ વેપારીને અધિક કલેકટર ચેતન ગાંધી દ્વારા રૂા.5 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે.

Print