www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અગાઉ થયેલ પોલીસ ફરીયાદ મામલે બે પરીવાર વચ્ચે છુટાહાથની મારામારી


જેતપુરનો બનાવ: ઉદ્યોગનગર પોલીસે ચાર મહિલા સહિત સાત શખ્સો સામે ગુનો દાખલ કર્યો

સાંજ સમાચાર

રાજકોટ. તા.27
જેતપુરમાં અગાઉ થયેલ પોલીસ ફરીયાદ મામલે બે પરીવાર વચ્ચે છુટાહાથની મારામારીમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. જે મામલે ઉદ્યોગનગર પોલીસે ચાર મહિલા સહિત સાત શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે જેતપુરમાં રામૈયા હનુમાન મંદિર પાસે રહેતાં કેનન ચંદુભાઈ ચાવડા (ઉ.વ.18) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નાથી, કંચન, શારદાબેન વેગડા, અપુનો પતી ભુરોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ મજૂરી કામ કરે છે.

ગઈકાલે સાંજના સાડા આઠેક વાગ્યાની આસપાસ તેઓ સામા કાંઠે ન્યુ ખટ્ટા કારખાના સામે તેના ભાઈ, માતા સોનલબેન ચાવડા તથા ભાઈ નયન ચાવડા સાથે ઉભેલ હતા.ત્યાં ઢેફુ, નાની તથા કંચન પણ ધોકા સાથે ઉભેલ હતા. જેમાંથી ઢફુએ તેમની માતાને લાકડાનો ધોકો ઝીંકી ગાળો આપી હતી. તેઓ તેમની માતાને બચાવવા વચ્ચે પડતાં તેને પણ ધોકો ફટકારી દિધો હતો. તેમજ અપ્પુનો પતિ ભૂરો સહિતના શખ્સો ત્યાં દોડી આવેલ અને ગાળો આપી કહેવા લાગેલ કે, તમે અગાઉ અમારા વિરુદ્ધ જે ફરિયાદો કરેલ છે તેમાં સમાધાન કરી લેજો નહિતર વધુ માર મારશું તેમ કહીં જાનથી મારી નાંખીશ ધમકી આપી હતી. 

જયારે સામાપક્ષે જેતપુરમાં ભાદરના સામાકાંઠે નરસંગ ટેકરી પાસે રહેતાં રેખાબેન ઉર્ફે ઢફુ લલીતભાઈ વેગડા (ઉ.વ.27) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સોનલબેન ઉર્ફે કાળી, કેતન અને લાલોનું નામ આપી જણાવ્યું હતું કે,  તેવો ત્રણ બહેનો સાથે રહે છે. ગઈકાલે સાડા આઠેક વાગ્યાની આસપાસ ન્યુ ખટરા કારખાનાની સામે તે અને નરેશ ઉર્ફે ભૂરો બેઠેલ હતા.

તે દરમ્યાન સોનલબેન ઉર્ફે કાળી તથા તેના બંને દીકરા કેતન તથા લાલો ત્યાં આવેલ અને કહેવા લાગેલ કે, તમારા વિરુદ્ધમાં અમે અગાઉ ફરિયાદ કરેલ અને તમે છૂટી ગયેલ છો તમને આજે મારવા છે એમ કહી આ ત્રણેય લોકો ગાળો બોલી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતાં. બાદમાં આરોપીઓ નાસી છૂટ્યા હતાં. બનાવમાં ઈજાગ્રસ્ત થયેલ મહિલાને સારવારમાં ખસેડાઈ હતી. બનાવ અંગેની સામસામી ફરીયાદ પરથી જેતપુર ઉદ્યોગનગર પોલીસે ચાર મહિલા સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Print