www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

RAJKOT : ચોકમાં ગાળો બોલવા મામલે કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયાના પુત્ર સહિત ટોળકીનો મહિલા પર નિર્લજ્જ હુમલો


♦ નવા થોરાળા વિસ્તારમાં આંબેડકર નગર શેરીનો બનાવ: યોગેશ સાગઠિયા અને તેની સાથેના શખ્સોએ થાર કારમાં ેધસી જઈ મહિલાના કપડાં ફાડી છરીના ઘા ઝીંક્યા: પુત્રીને પણ ફડાકા મારી ધમકી આપી

સાંજ સમાચાર

♦ ઈજાગ્રસ્ત મહિલાને સારવારમાં ખસેડાઈ: થોરાળા પોલીસે રાયોટિંગ, છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી

રાજકોટ. તા.18
નવા થોરાળા વિસ્તારમાં આંબેડકર નગર શેરીમાં આવેલ ચોકમાં ગાળો બોલવા મામલે કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયાના પુત્ર અને આણી ટોળકીએ મહિલાને મારમારી કપડાં ફાડી છરીના ઘા ઝીંક્યા હતાં. તેમજ મહિલાની પુત્રીને પણ ફડાકા ઝીંકી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવમાં ઈજાગ્રસ્ત થયેલ મહિલાને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે થોરાળા પોલીસે રાયોટિંગ, છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

બનાવ અંગે નવા થોરાળા વિસ્તારમાં રહેતાં 48 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રવી ભીખા ચાવડા, યોગેશ વશરામ સાગઠિયા, મહેશ રસીક ચાવડા, મહેશ ઉર્ફે લાલો મૂળજી પરમાર, ચીરાગ રસીક ચાવડાનું નામ આપતાં થોરાળા પોલીસે રાયોટિંગ, છેડતી, મારામારી, ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ઘરકામ કરે છે. તેમનો પુત્ર ગઈકાલે ઘર નજીક ચોક પાસે બેઠો હતો ત્યારે ગાળો બોલતો હોય અને ત્યાં નજીકમાં રહેતાં અને ત્યાંથી નીકળેલા રવી ચાવડા અને મહેશ ચાવડાએ ગાળો બોલવા મામલે ઝઘડો કર્યો હતો. બાદમાં ત્યાં થાર કાર લઈ ઘસી આવેલા કોંગી કોર્પોરેટરના પુત્ર યોગેશ સાગઠિયા અને તેની સાથેના અન્ય શખ્સો મહિલાના ઘરે ઘસી જઈ તેણીના પુત્રને સમજાવી લેવાં મામલે ઝઘડો કરી નાસી છૂટ્યા હતાં.

જે બાદ મહિલાનો પુત્ર ઘરે ન આવતા માતા-પુત્રી પુત્રને શોધવા માટે શેરીમાં નીકળ્યા હતાં. ત્યારે  મોડી રાત્રીના એક વાગ્યાની આસપાસ આરોપીઓ ફરીવાર કારમાં ઘસી આવ્યાં હતાં અને ટોળકી રચી મહિલાને ગાળો આપી ઝઘડો કરી ઢીકાપાટુંનો મારમારી કપડા અને બ્લાઉઝ ફાડી નાંખ્યું હતું. દરમિયાન માતાને બચાવવા પુત્રી વચ્ચે પડતાં તેણીને પણ આરોપી રવી ચાવડાએ ફડાકા ઝીંકી દિધા હતાં. તેમજ આરોપી મહેશ ઉર્ફે લાલો અને ચીરાગ ચાવડાએ બેફામ ગાળો ભાંડી રવી ચાવડાએ છરીથી હુમલો કરતાં મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં માતા-પુત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપી આરોપી નાસી છૂટ્યા હતાં.

વધુમાં ઈજાગ્રસ્ત મહિલાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ટોળામાં ઘસી આવેલા આરોપીઓએ તેમના ઘર પર પથ્થરમારો પણ કરી તોડફોડ કરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

ફરીયાદી મહિલાનો પુત્ર પણ હત્યા,  પોક્સો સહિતના ગુનામાં સંડોવાયેલ છે
રાજકોટ. તા.18

ગઈકાલે રાતે થયેલ મારામારી અને છેડતીના બનાવમાં ભોગ બનનાર મહિલાનો પુત્ર પણ હત્યા, હત્યાનો પ્રયાસ, ખૂની હુમલો, પોક્સો સહિતના અનેક ગુનામાં સંડોવાયેલ છે. તેમજ અગાઉ પોલીસ સામે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનું સામે આવ્યું હતું.

Print